મોસ્ટ હેન્ડસમ દેવ આનંદની આ એક સિદ્ધિ બહુ ઓછા ચાહકોએ યાદ રાખી હશે ...!


વડા પ્રધાન નરે ન્દ્ર મોદી સાથે  દેવ આનંદ

------------------------------------------------------

ફેસબુકના સર્વે દોસ્તોને સાલ મુબારક ! 2079ના પહેલા સપ્તાહે પ્રસ્તુત છે પેન પરિક્રમાનું નવું પ્રકરણ. ધારો કે તમે કૌન બનેગા કરોડપતિની હૉટ સીટ પર બેઠાં છો. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તમને એક પ્રશ્ન પૂછે છે- 1950 અને ’60ના દાયકામાં એવો કયો અભિનેતા ફિલ્મ સર્જક હતો જેને માટે ડઝનબંધ પાર્શ્વગાયકોએ પોતાનો કંઠ ઊછીનો આપ્યો હતો ?  ચાર ઓપ્શન આ પ્રમાણે છે- દિલીપ કુમાર, રાજ કપૂર, દેવ આનંદ અને શમ્મી કપૂર.... તમે વિચારમાં પડી જાઓ છો. 

એ દરમિયાન આપણે વાત આગળ ચલાવીએ. 1980ના દાયકાની એક બપોરે ચિત્રલેખા કાર્યાલયમાં અમે સૌ લંચ પતાવીને બેઠાં હતાં. ઘણું કરીને ચિત્રલેખાના ત્યારના એક ઉપરી ભરતભાઇ કાપડિયાએ અમિતાભ બચ્ચનવાળો પ્રશ્ન પૂછ્યો. અમે સૌ હળવા મિજાજમાં વાતો કરી રહ્યાં હતાં. ભરતભાઇએ પૂછેલા પ્રશ્નનો જવાબ બધાં વિચારતાં થઇ ગયેલા. અંતે ખુદ ભરતભાઇએ ફોડ પાડ્યો. એ પોતે પણ સંગીતના રસિયા અને કલાકાર છે. એમણે કહ્યું કે સમગ્ર બોલિવૂડમાં દેવ આનંદ એકજ એવા કલાકાર છે જેમને માટે ડઝનબંધ ગાયકોએ કંઠ આપ્યો છે.

ત્યારબાદ ભરતભાઇએ સૂચન કર્યું કે આ મુદ્દે આપણે દેવ આનંદનો ઇન્ટરવ્યૂ કરીએ તો કેમ ?  આ સૂચન પણ સરસ હતું. મેં બીડું ઝડપી લીધું. બીજે દિવસે સવારે લગભગ નવેક વાગ્યે દેવ આનંદને ફોન કર્યો. સદ્ભાગ્યે દેવ આનંદે પોતે એ ફોન ઉપાડ્યો. મેં મારો પરિચય આપતાં મળવાની રૂબરૂ મળવાની  ઇચ્છા વ્યક્ત કરી. મુલાકાતના હેતુનો આછેરો આઇડિયા આપ્યો. આપણને નવાઇ લાગે કે આ કલાકાર કેટલી હદે સહૃદય હશે. એમણે તરત કહ્યું, ક્યારે મળવું છે ? જવાબમાં મેં કહ્યું કે આપને અનુકૂળ હોય ત્યારે.

સારું આવતી કાલે બપોરે ત્રણેક વાગ્યે ફાવશે, દેવ આનંદે પૂછ્યું. મેં સત્વરે હા પાડી. 

દેવ આનંદને મળવા જવાનું છે એ જાણીને સરોજે પણ સાથે આવવાની તૈયારી દાખવી. અગાઉ એકવાર દિલીપ કુમારને મળવાનું થયું ત્યારે મારી બાએ કહેલું કે દિલીપ કુમાર મળતા હોય તો મારે પણ આવવું છે. સ્વાભાવિક રીતે જ મારી બા દિલીપ કુમારના ફેન હતાં. એ વાત ફરી ક્યારેક. દેવ આનંદ અને ત્યારબાદ લગભગ દરેક કલાકારની મુલાકાત અમે બંનેએ સાથે લીધી. એકાદ બે અપવાદ ખરા. હું અને સરોજ નક્કી થયેલા દિવસે બપોરે બેને પચાસ મિનિટે મુંબઇના વાંદરા ઉપનગરમાં આવેલા દેવ આનંદના નવકેતન સ્ટુડિયો પર પહોંચી ગયાં. મુલાકાતી ખંડમાં અમારા જેવા થોડાક લોકો બેઠાં હતાં.

આ માણસની નમ્રતા જુઓ. તે દિવસે માર્ગમાં ક્યાંક ટ્રાફિકમાં અટવાયા એટલે ત્રણને બે મિનિટે દેવ આનંદ આવ્યા. માત્ર બે મિનિટ મોડા હતા. મુલાકાતી ખંડમાં ઊડતી નજર કરી. પછી સીધા અમારી પાસે આવ્યા. કોઇ ઔપચારિકતા વિના કહે, સૉરી, માર્ગમાં એક વરઘોડાવાળા મન મૂકીને નાચતા હતા એમાં મને બે મિનિટ મોડું થઇ ગયું. અમે તો પહેલા બૉલે ક્લીનબોલ્ડ થઇ ગયા. આટલો મોટો કલાકાર બે મિનિટ મોડું થવાથી સૉરી કહે છે.

પછી એ બોલ્યા, ચાલો મારી ચેમ્બરમાં બેસીએ. અમે એમની સાથે એક વાહન જઇ શકે એવા ઢાળિયા ટાઇપના માર્ગ દ્વારા પહેલે મજલે આવેલી એમની ચેમ્બરમાં પહોંચ્યાં. ઔપચારિક નમસ્તે વગેરે થઇ ગયા પછી એમણે પહેલાં પૂછી લીધું, ચા-પાણી પીવાં છે ? અમે સવિનય ના પાડી કે ઘેરથી પીને આવ્યાં છીએ. મેં ટચૂકડું ટેપ રેકોર્ડર કાઢ્યું. એ જોઇને એમણે કહ્યું, અજિત, ફ્રેન્કલી એક વાત કરું. ટેપ રેકોર્ડરને કારણે હું એક પ્રકારનું બંધન અનુભવીશ. મુક્ત કંઠે વાત નહીં કરી શકું. ટેપ કરવાનું ટાળો તો સારું. મેં ટેપ રેકોર્ડર બંધ કર્યું. વાતો શરૂ થઇ.

પ્રશ્ન- તમે ગાવાનું ક્યારથી બંધ કર્યું ?

ઉત્તર- તમને કોણે કહ્યું કે હું ગાઇ શકું છું અથવા ગાતો હતો ?

-તમે લાહોરની કૉલેજમાં વાર્ષિક ઉત્સવમાં કે એલ સાયગલનાં ગીતો ગાતાં એ વાત ખોટી છે ?

સવાલ સાંભળીને એ મીઠ્ઠું મલક્યા. એમનો ખોડો દાંત દેખાય એ રીતે એમનો જે મલકાટ પ્રગટતો હતો એ હજારો ચાહકોને ખુશ કરી દેતો. એ બોલ્યા, તમે પાક્કું હોમવર્ક કરીને આવ્યા લાગો છો. 

પછી ઉમેર્યું, ગાવાની માહિતી તમે જાણી લાવ્યા તો તમને એ પણ ખ્યાલ હશે કે એમ તો હું વાયોલિન વગાડતાં પણ શીખતો હતો. તરત અમે પ્રતિભાવ આપતાં કહ્યું કે રાજ કપૂરે એક હાથમાં વાયોલિન અને બીજા હાથમાં કમરેથી ઝુકેલી નાયિકાનો લોગો અપનાવ્યો ત્યારબાદ તમે વાયોલિન પણ છોડી દીધું. બરાબર ને ? જવાબમાં એ ફરી મલક્યા.

પણ એ પછી પિયાનોવાદન શીખવાનું કેમ છોડી દીધું ? એવા અમારા સવાલના જવાબમાં દેવ આનંદ કહે, અભિનેતા તરીકે મને સારી ફિલ્મો મળવા માંડી હતી.  મારા દોસ્ત ગુરુ દત્તની જેમ મારે ભવિષ્યમાં ફિલ્મ સર્જન પણ કરવું હતું. એ સંજોગોમાં રોજ ચોક્કસ કલાકો સંગીતના રિયાઝ માટે ફાળવવાનું શક્ય નહોતું રહ્યું એટલે એ પણ આરંભે શૂરાની જેમ જતું કર્યું. છતાં તમને એક વાત કહું. ભારતીય અને પાશ્ચાત્ય સંગીત સાંભળવાનું મેં ચાલુ રાખેલું. આપણે બેઠાં છીએ એ ચેમ્બરમાં પણ હું એેકલો હોઉ અને સ્ક્રીપ્ટ વાંચતો હોઉઁ કે અન્ય કોઇ કામમાં હોઉં ત્યારે હળવું સંગીત વાગતું હોય છે. ચોતરફ મૂકેલા સ્પીકર્સ તમે જોઇ શકો છો. સંગીત મારા રસનો વિષય છે અને સારું સંગીત સાંભળવાનું મને ગમે છે. હું જયદેવ અને એસ ડી બર્મન સાથે ઘણીવાર મારાં ગીતોની તર્જ વિશે ચર્ચા કરતો અને સંગીતકારોને ખરાબ ન લાગે એ રીતે ક્યારેક સૂચન પણ કરતો.

પ્રશ્ન- તમે સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં એવા એક માત્ર કલાકાર છો જેમને માટે ડઝનબંધ પાર્શ્વગાયકોએ કંઠ આપ્યો છે. એવું શી રીતે બન્યું ? આ સવાલ મને ગમ્યો, દેવ આનંદે પ્રત્યુત્તર આપતાં કહ્યું, મને સતત એવું લાગ્યું છે કે આટલા મોટા દેશમાં કરોડોની વસતિમાં સંખ્યાબંધ પ્રતિભાઓ હશે. એમને યોગ્ય તક મળતી નહીં હોય. બેશક, હાલના તમામ ગાયકો ઉત્કૃષ્ટ છે એમાં કોઇ શંકા નથી. મારા માટે શરૂમાં હેમંત કુમાર, તલત મહેમૂદ, મુહમ્મદ રફી, મૂકેશ અને ત્યારબાદ મોટે ભાગે કિશોર કુમાર કંઠ આપતા રહ્યા છે.

પછી થોડું અટકીને સહેજ વિચારીને એમણે વાતનો તંતુ સાંધી લીધો- વાસ્તવમાં મેં મારા સંગીતકારોને એક સ્ટેન્ડીંગ ઇન્સ્ટ્રક્શન આપી રાખેલી કે હાલમાં જે પ્લેબેક સિંગર્સ છે એ ઉપરાંત તમને કોઇ નવી પ્રતિભા દેખાય તો એને જરૂર તક આપજો. મને સંભળાવજો. સંગીતકાર તરીકે તમને અને ફિલ્મ સર્જક અભિનેતા તરીકે મને એ પ્રતિભા યોગ્ય જણાશે તો આપણે એને જરૂર તક આપીશું. એ રીતે મારા માટે કંઠ આપનારા કલાકારોની સંખ્યા વધતી ચાલી. જો કે મને પોતાને એ વાતની નવાઇ લાગે છે કે મિડિયાએ આ મુદ્દા તરફ ઝાઝું ધ્યાન આપ્યું નથી. તમારો ફોન આવ્યો અને તમે મને આ વાતનો ઇશારો કર્યો એટલે મેં તરત તમને મળવાની હા પાડી કારણ કે એ રીતે મારા કરોડો ચાહકોને પણ આ વાત પહોંચે કે મારા માટે સંખ્યાબંધ ગાયકોએ કંઠ આપ્યો છે. તમે લેખમાં બની શકે તો એવા ગાયકોનો અછડતો ઉલ્લેખ કરજો.... એમ કહીને તેમણે અમને બંનેને પૂછી લીધું કે અમે સંગીત જાણીએ છીએ કે કેમ. 

ત્યારબાદ ફરી ક્યારેક મળીશું, એમ કહીને દેવ આનંદે મુલાકાત પૂરી કરી. અમે યાદગીરી રૂપે એમની સાથે ફોટોગ્રાફ્સ લીધા.

જો કે એમની યાદદાસ્તને સલામ કરવી પડે. ત્યાર પછી હું જ્યારે જ્યારે ફોન કરું ત્યારે હું ગૂડ મોર્નિંગ કહું ત્યાં દેવ સાહેબ કહેશે, યસ અજિત હાઉ આર યુ, ક્યારે મળવું છે ? વાતો કરવાનો કોઇ નવો વિષય શોધ્યો કે નહીં. એમની સાથે ત્રણ ચાર મુલાકાતો થઇ. એવી અન્ય મુલાકાત વિશે ફરી ક્યારેક. આ લેખની આખરે દેવ આનંદે સૂચવેલું એમ તમને એમના માટે કંઠ આપનારા કેટલાક નામ જણાવી દઉં. 

દેવ આનંદ માટે મુહમ્મદ રફી, મૂકેશ, હેમંત કુમાર, તલત મહેમૂદ, મન્ના ડે અને કિશોર કુમાર ઉપરાંત કંઠ આપનારા ગાયકો આ રહ્યા- જી એમ દુર્રાની (ફિલ્મ દિલરુબા), જગમોહન બક્ષી (ટેક્સી ડ્રાઇવર), સી રામચંદ્ર (બારિશ), મહેન્દ્ર કપૂર (રૂપ કી રાની ચોરોં કા રાજા), દ્વિજેન મુખરજી (માયા), શંકર દાસગુપ્તા (જીત).

બીજા પણ એકાદ બે મળી આવે ખરા.

Comments

  1. ખૂબ સરસ‌, રસપ્રદ. અભિનંદન

    ReplyDelete

Post a Comment