એક દ્રશ્ય કલ્પી લો. ખાદીનાં સફેદ ઝભ્ભા લેંઘામાં કલ્યાણજીભાઇ પોતાના બેડરૂમના પલંગ પર બેઠા છે. નાકના બંને નશ્કોરાંમાં અત્યંત ઝીણી ટ્યુબ દ્વારા પોર્ટેબલ યંત્ર પ્રાણવાયુ પૂરો પાડે છે. તેમને શ્વાસની તકલીફ છે. પરંતુ ચહેરા પર એ જ રોનક અને એ ચિરપરિચિત હાસ્ય છે. બાલકનીમાં સપના મુખરજી, સુનિધિ ચૌહાણ, નિશા ઉપાધ્યાય (હવે કાપડિયા), સોનાલી વાજપેયી, સંજય પોપટ (હવે ઓમકાર) જેવા તેજસ્વી વિદ્યાર્થીઓ રિયાઝ કરી રહ્યાં છે. કલ્યાણજી આણંદજીએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે એવી જાણ થતાં થોડાક ફિલ્મ સર્જકો તેમને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. રમૂજી જવાબો સાથે આ બંને ભાઇઓ નવી ફિલ્મોની ઓફર્સ સવિનય નકારી રહ્યા છે.
સમગ્ર હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં આવું અગાઉ કદી બન્યું નથી. ભવિષ્યમાં કદાચ બનશે પણ નહીં. ધીકતી-ધમધમતી કારકિર્દી છોડીને ઝળહળતી ફિલ્મ સૃષ્ટિને કોઇ ગૂડબાય શા માટે કહે. મિત્ર ફિલ્મ સર્જકોને આ બંને ભાઇ ચા-નાસ્તો કરાવીને વિદાય આપે છે. ‘અબ જવાન સંગીતકારોં કો મૌકા દો...’ એમ કહે છે. કલ્યાણજીભાઇની તો તબિયત હવે જવાબ માગી રહી છે. વરસો સુધી રાતદિવસ જોયા વિના કામ કર્યું છે. ફિલ્મોમાં સંગીત આપતાં આપતાં સુનિલ દત્ત અને નરગિસ સાથે સીમાડા સાચવતા જવાનો માટે કાર્યક્રમો કર્યા છે. શૈક્ષણિક, સામાજિક અને આરોગ્ય વિષયક કાર્યોમાં સહાયરૂપ થવા ચેરિટિ શો કરીને પચીસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ એકઠી કરી છે, નીત નવા ગાયકો અજમાવ્યા છે, હાજતમંદ કલાકારો-સાજિંદાઓને જમણો હાથ ન જાણે એ રીતે ડાબા હાથે સહાય કરી છે, દેશવિદેશમાં કિશોર કુમાર સાથે તેમજ અમિતાભ બચ્ચન સાથે સેંકડો શો કર્યા છે.
ઓશો રજનીશ જેવા મિત્ર અને જૈન સમાજનાં ઘાર્મિક ઉત્સવો માટે સંગીત પીરસ્યું છે. બંધુ ત્રિપુટી અને સ્વામીનારાયણ સંપ્રદાયના પર્વો-સમારોહો માટે કાર્યક્રમો કર્યા છે. મનમોહન દેસાઇ, વિજય ભટ્ટ, સુભાષ ઘાઇ, અર્જુન હિંગોરાની, ફિરોઝ ખાન અને પ્રકાશ મહેરા જેવા ટોચના ફિલ્મ સર્જકો માટે સંગીત પીરસ્યું છે, 1950 અને ’60ના દાયકાના ટોચના કલાકારો દિલીપ કુમાર, રાજ કપૂર અને દેવ આનંદ ઉપરાંત નવી પેઢીના કલાકારોની ફિલ્મો હિટ નીવડે એ માટે પરિશ્રમ કર્યો છે. બોલિવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્ના અને એના પગલે આવેલા મેગા સ્ટાર અમિતાભ બચ્ચનનાં સંખ્યાબંધ ગીતો સુપરહિટ બનાવ્યાં છે. હવે બસ. નવી પેઢીના કલાકારો તૈયાર કરવા છે અને એ રીતે બોલિવૂડ તેમ જ સમાજે અમને જે આપ્યું એનો આભાર માનવા જેવું પ્રતીકાત્મક કામ કરવું છે.જો કે છેલ્લે છેલ્લે જે બાળકો એમની સાથે હતાં એ બધાંએ ફિલ્મગીતો ગાયાં નથી. સપના મુખરજી અને સુનિધિ ચૌહાણ બોલિવૂડમાં પાર્શ્વગાયક તરીકે આગળ વધી. જો કે સુનિધિએ જાહેરમાં કલ્યાણજી આણંદજીનો ઉલ્લેખ કરવાનું ત્યજી દીધું. નિશાએ સોલી કાપડિયા સાથે લગ્ન કરીને ગુજરાતી સુગમ સંગીત અપનાવ્યું. એવોજ માર્ગ સંજય ઓમકારે પસંદ કર્યો. આમ ફિલ્મી ભાષામાં કહીએ તો બિછડે સભી બારી બારી....પણ કલ્યાણજી આણંદજી સદા હસતા રહ્યા. કલ્યાણજીભાઇની વિદાય પછી આણંદજીભાઇ આજેય ખૂબ એક્ટિવ છે. 90 વર્ષની વયે નવા કલાકારોને તૈયાર કરે છે, વિવિધ ટીવી ચેનલ્સના આમંત્રણો સ્વીકારીને જજ તરીકે સેવા આપે છે અને ત્યાં પણ બધાને ખડખડાટ હસાવે છે, કોઇ બાળકલાકારની સરતચૂક થાય તો એને હસતાં રમતાં સુધારાવે છે, ક્યારેક પોતે ગાય છે ‘મેરા જીવન કોરા કાગજ કોરા હી રહ ગયા..’
કલ્યાણજી આણંદજીએ છેક 1960ના દાયકામાં એવાં ગીતો આપેલાં જે એમને સ્વરાંજલિ તરીકે રજૂ કરી શકાય. મુહમ્મદ રફીને યાદ કરતાં જેમ તુમ મુઝે યું ભૂલા ન પાઓગે... ગીત યાદ કરાય છે એમ આ બંને કચ્છી બંધુને યાદ કરવા માટે બે ગીતો જરૂર સાચવી-સંઘરી રાખવા પડે. પહેલું, સદા સુહાગિન રાગિણી ભૈરવીમાં સ્વરબદ્ધ તુમ્હેં યાદ હોગા કભી હમ મિલે થે... (ફિલ્મ સટ્ટા બાઝાર) અને બીજું, રાગ કાફીમાં સ્વરબદ્ધ થયેલું હમ છોડ ચલે હૈં મહફિલ કો યાદ આયે કભી તો મત રોના... (જી ચાહતા હૈ). (કલ્યાણજી આણંદજી લેખમાળા સંપૂર્ણ)
Comments
Post a Comment