દેશની સર્વોચ્ચ અદાલતે ગયા અઠવાડિયે સાસ-બહુ અને નાગિન જેવી સિરિયલોથી અઢળક કમાણી કરતી પ્રોડ્યુસર એકતા કપૂરને જાહેરમાં ખખડાવી નાખી કે તમે ટ્રિપલ એક્સ જેવી સિરિયલો દ્વારા ઊગતી પેઢીને ભળતે રવાડે ચડાવી રહ્યાં છો... આવા મુદ્દાનો નિકાલ સુપ્રીમ કોર્ટે કરવો પડે એ આ દેશની કરુણતા છે. આવા વાહિયાત કેસ સુપ્રીમ કોર્ટે હાથ ધરવા પડે એ સૌથી મોટી ટ્રેજેડી છે.
ટ્રિપલ એક્સ સિરિયલની કથાનું મૂલ કઇ વિદેશી ફિલ્મ યા સિરિયલ પરથી લેવાયું છે એ જુદી વાત છે. કલાને નામે એમાં કેટલી અને કેવી છૂટ લઇને એકતાએ આ કાર્યક્રમ તૈયાર કર્યો છે એ આપણે જાણતા નથી.
એમ તો હોલિવૂડમાં સ્પાઇડર મેન, આયર્ન મેન, ટર્મિનેટર અને મિશન ઇમ્પોસિબલ જેવી સુપરહિટ ફિલ્મોની એક કરતાં વધુ સિક્વલો બની છે અને સુપરહિટ પણ નીવડી છે. એની નબળી નકલ જેવી ફિલ્મો આપણે ત્યાં સાઉથમાં બને અને એ હિન્દીમાં ડબ થઇને દેશભરમાં રજૂ થાય. હોલિવૂડની ફિલ્મો લેટેસ્ટ ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક શોધખોળોના સાર જેવી હોય ત્યારે આપણા ફિલ્મ અને સિરિયલ સર્જકો તૈયાર માલની દેશી આવૃત્તિ બનાવીને કમાય. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે રોબોટ અને શાહરુખ ખાને રા.વન જેવી ફિલ્મો બનાવેલી. એમાં વીએફએક્સ નામની ટેક્નોલોજીથી આપણે જેને ચમત્કાર કહીએ એવાં દ્રશ્યો ઉમેરી દેવાય છે. તાજેતરમાં રજૂ થયેલી બ્રહ્માસ્ત્ર પણ એવી ફિલ્મ હતી. ચાલી નહીં.
વાત માત્ર ટેક્નિકલ અને વિજ્ઞાનલક્ષી ફિલ્મો-સિરિયલો પૂરતી મર્યાદિત નથી. એકતા કપૂરે અગાઉ ઇચ્છાધારી નાગ-નાગણની સિરિયલ બનાવેલી. એનો વિચાર એના પિતા અભિનેતા જિતેન્દ્રની ફિલ્મ પરથી એને આવ્યો હશે. 1976માં જિતેન્દ્ર અને રીના રોયને ચમકાવતી નાગિન ફિલ્મ આવેલી. એવીજ એક નાગિન શ્રીદેવી અને રિશિ કપૂરને ચમકાવતી આવેલી. આવી સિરિયલો કે ફિલ્મો આપણી કેટલીક પૌરાણિક કથાઓ પરથી પ્રેરણા લઇને બનાવાતી હશે.વાસ્તવમાં ઘણી પૌરાણિક કથાઓ પ્રતીકાત્મક છે. એ પ્રતીકને સમજીને એનું આજના યુગને અનુરૂપ અર્થઘટન થાય એ જરૂરી છે. સ્વાધ્યાય પ્રણેતા દાદા પાંડુરંગ શાસ્ત્રીજીએ એવુઁ અર્થઘટન સરસ રીતે કરેલું.
દાખલા તરીકે હનુમાનજીની વાત સમજાવતાં દાદા કહેતાં કે પવનપુત્ર એટલે આપણે સૌ. પ્રાણવાયુ વિના આપણે જીવી શકીએ નહીં. સમતોલ આહાર, નિયમિત વ્યાયામ-યોગાસનો અને સમજપૂર્વકના જીવન દ્વારા આપણે પણ હનુમાનજી જેવા બળવાન બની શકીએ. બીજાં પૌરાણિક પ્રતીકોનું પણ આજના સંદર્ભમાં આ રીતે અર્થઘટન થવું જોઇએ. ફિલ્મો કે સિરિયલો બનાવનારા એવું કરતા નથી, ચમત્કારોના નામે લોકોની અંધશ્રદ્ધાને બહેકાવે છે. છેલ્લા થોડા સમયથી સોશ્યલ મિડિયા પર પણ આવી ત્રણ ચાર મિનિટની વિડિયો ક્લીપ જોવા મળી જેમાં એક છોકરીને બે યુવાનો સતાવતા હોય અને પેલી માતાજીને પ્રાર્થના કરે એટલે માતાજીના વેશે કોઇ યુવતી આવે અને પેલા બે જણને ઠમઠોરે... વાસ્તવ જીવનમાં આવું ક્યારેય બનતું નથી.
પશુપક્ષી વિજ્ઞાનના જાણકારો કહે છે કે આ ઇચ્છાધારી નાગ અને નાગમણી જેવી વાતો કાલ્પનિક છે. એમ તો સંસ્કૃતમાં એક શ્લોકનો ઉપાડ આવો છે- શૈલે શૈલે ન માણિક્યં મૌક્તિકં ન ગજે ગજે... દરેક પર્વતમાં માણેક હોતા નથી અને દરેક હાથીના ગંડસ્થળમાં મોતી હોતાં નથી. આજે તો ભગવાધારી સાધુ મંડળી પણ હાથી લઇને ફરતી હોય છે. હાથીના ભાલપ્રદેશમાં મોતી મળતાં હોય તો બાવાઓ લખપતિ કરોડપતિ થઇ જાય. વાસ્તવિકતા એ છે કે ફિલ્મો અને સિરિયલો લોકોની અંધશ્રદ્ધાને બહેકાવે છે. તાજેતરમાં ધૈર્યા નામની બાળકીનું બલિદાન ચડાવાયું એ અંધશ્રદ્ધાનો જીવંત પુરાવો હતો.
એ પહેલાં બી આર ચોપરાની મહાભારત સિરિયલમાં ભીષ્મ પિતામહની યાદગાર ભૂમિકા કરનારા મૂકેશ ખન્નાએ શક્તિમાન સિરિયલ બનાવેલી. એ જોઇને શક્તિમાન બનવા જતાં કેટલાંક બાળકોએ જાન ગુમાવ્યા હતા. આમાં નીચલી કે ઉપલી અદાલતોનું કામ નથી. સમાજના ડાહ્યા લોકોએ અને ટીનેજર સંતાન ધરાવતા માબાપોએ સ્વૈચ્છિક જવાબદારી સમજીને બાળકોને સાચે માર્ગે વાળવા જોઇએ. ફિલ્મો અને સિરિયલો બનાવનારા તો કમાવા બેઠાં છે. એમને માટે તો એવરીથીંગ ઇઝ ફેર ઇન બિઝનેસ....
Comments
Post a Comment