1990ના ઉત્તરાર્ધમાં એક સાંજે કલ્યાણજીભાઇના મ્યુઝિક રૂમમા્ં કેટલાક મિત્રો બેઠા હતા. રોજની જેમ ગપ્પાં ગોષ્ઠિ ચાલી રહ્યાં હતાં. અભિનય સમ્રાટ દિલીપ કુમાર હાજર હતા. બીજા પણ બે ચાર દોસ્તો હાજર હતા. વાતવાતમાં કલ્યાણજીભાઇ બોલ્યા કે એક શેર મને ખૂબ ગમે છે- ઉજાલે અપની યાદોં કે હમારે પાસ રહને દો, ન જાને કિસ ગલી મેં જિંદગી કી શામ હો જાયે... દિલીપ કુમાર ઇશારામાં સમજી ગયા. એમણે સૂચક રીતે કલ્યાણજીભાઇ સામે જોયું. એમની આંખોમાં એક પ્રશ્ન હતો.
કલ્ચાણજીભાઇએ કોઇ ફિલસૂફની અદાથી કહ્યું, ‘અબ હમ સબ 65-70 પ્લસ હો ચૂકે હૈં, કોઇ કાયમ રહનેવાલા નહીં હૈ, આનેવાલી પીઢીયોં કે લિયે કુછ કર કે જાના ચાહિયે ઐસા મૈં સોચ રહા હું... ’ એકવાર ઇન્દિવર, સુરેશ દલાલ, હરકિસન મહેતા અને હરીન્દ્ર દવે સાથેની વાતચીત દરમિયાન પણ કલ્યાણજીભાઇ આવું બોલ્યા હતા. વાસ્તવમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનો વિચાર એમના મનમાં રમતો હતો. કારકર્દી તો ધમધમતી હતી. કારકિર્દી સફળ હોય ત્યારે નિવૃત્ત થઇ જવામા મજા છે એવું કલ્યાણજીભાઇ દ્રઢપણે માનતા હતા.
આમેય નવી પેઢીના સંગીતકારો હવે ફિલ્ડમાં સક્રિય થઇ ચૂક્યા હતા. સંગીતકાર ચિત્રગુપ્તના પુત્રો આનંદ મિલિંદ, સરદાર મલિકનો પુત્ર અનુ મલિક, સંગીતકાર રોશનનો પુત્ર રાજેશ રોશન, ખુદ કલ્યાણજીભાઇનો પુત્ર વીજુ, અનિલ વિશ્વાસના પુત્રો અમર ઉત્પલ, પંડિત જસરાજજીના સંબંધીના પુત્રો જતીન લલિત વગેરે પણ ફિલ્મોમાં સંગીત પીરસતા થઇ ગયા હતા.
અત્યાર અગાઉ આપણે જોઇ ગયા કે જ્હોની લીવર, આદિત્ય નારાયણ, કુમાર સાનુ અને જાવેદ જેવા ઊગતા કલાકારોને એમણે પીઠબળ આપવાની શરૂઆત કરી દીધી હતી. કલ્યાણજીભાઇના માસ્ટર બેડરૂમમાં લગભગ ચાર ફૂટ બાય ચાર ફૂટની એક ચતુષ્કોણ કે પંચકોણ બાલકની છે. કલ્યાણજીભાઇ પલંગ પર બેઠાં હોય, સામે કી બોર્ડ પડ્યું હોય, એમના કાન બાલકનીની દિશામાં સરવા હોય. બાલકનીમાં બેઠેલાં સાધના સરગમ, સોનાલી બાજપેયી, જાવેદ વગેરે રિયાઝ કરતા હોય.બાળકોને પણ ખ્યાલ હોય કે કલ્યાણજીભાઇ એકાગ્રતાથી અમારો રિયાઝ સાંભળે છે. ક્યારેક કોઇની ભૂલ થાય તો પોતાના રમૂજી સ્વભાવ મુજબ હસતાં હસાવતાં ભૂલ તરફ આંગળી ચીંધે. જરાય ગુસ્સો કે નારાજી નહીં. એ વિશિષ્ટ પ્રયોગ કરતા. સાધના એક રાગમાં કંઇક ગાતી હોય ત્યારે એના મધ્યમ (મ) કે પંચમ (પ)થી આદિત્ય અથવા જાવેદ કોઇ બીજો રાગ ઉપાડે. છતાં સાધનાએ ગાયેલા રાગનો રસભંગ ન થાય. અગાઉ આવો સફળ પ્રયોગ પંડિત જસરાજજીએ કરેલો.
1990માં કલ્યાણજી આણંદજીએ માત્ર એક ફિલ્મ કરી. 1990ની આખર સુધીમાં નિવૃત્તિનો વિચાર દ્રઢ થઇ ચૂક્યો હતો. પરંતુ અગાઉ લીધેલી આઠ ફિલ્મો પૂરી કરવાની હતી. આ ફિલ્મોનું કામ સંતોષકારક રીતે પૂરું થઇ જાય ત્યારબાદ નિવૃત્તિ લેવી એવો નિર્ણય કલ્યાજીભાઇના ચિત્તમાં દ્રઢ થઇ ચૂક્યો હતો. આણંદજીભાઇ અને પોતાના સાજિંદાઓને તેમણે આ વાતનો સંકેત આપી દીધો હતો. વરસોથી તેમની સાથે રહેલા સ્વજનોને તેમની વાત ગળે ઊતરતી નહોતી. પરંતુ કલ્યાણજીભાઇ પોતાના વિચારમાં મક્કમ હતા. તેમના હાથ નીચે તૈયાર થયેલી અલકા યાજ્ઞિક અને સાધના સરગમની કારકિર્દી લગભગ સ્થિર થવા માંડી હતી. પરંતુ બીજાં કેટલાંક વિદ્યાર્થીઓનું ઘડતર હજુ ચાલુ હતું. (આવતા શુક્રવારે પૂરું.)
Comments
Post a Comment