છેલ્લા લગભગ મહિના દોઢ મહિનાથી રોજે રોજ કરોડો રૂપિયાનું ડ્રગ પકડાતું હોવાના સમાચાર અખબારોના પહેલા પાને ચમકી રહ્યા છે. આ એક ચોંકાવનારી અને આઘાતજનક ઘટના છે. પરંતુ શાંતિથી વિચાર કરીએ તો એનું પગેરું બહુ જૂનું નીકળે. આપણે એનો તાગ મેળવવાનો પ્રયાસ કરીએ.
દેશની આર્થિક રાજધાની સમા મહાનગર મુંબઇનું વિલે પારલે ઉપનગર સૌથી શ્રીમંત ગણાય છે. ટોચના વેપારી, ઉદ્યોગપતિથી માંડીને ફિલ્મ સ્ટાર્સના બંગલા આ વિસ્તારમાં છે. હવે ધ્યાન આપજો. 2001 એટલે કે આજથી એકવીસ વર્ષ પહેલાંના મે માસની પાંચમી (5-5-2001)ની મધરાતે વિલે પારલેના એક ભદ્ર રોડ પર કોઇ બેંકના એટીએમ પાસે એક મોંઘીદાટ કાર ઊભી હતી. મોંઘીદાટ કાર જોઇને રાઉન્ડ પર નીકળેલી પોલીસ વાને તપાસ કરી. હેન્ડસમ હીરો અને ટોચના ફિલ્મ સર્જક ફિરોઝ ખાનનો અભિનેતા પુત્ર ફરદીન ખાન ડ્રગ ખરીદી રહ્યો હતો. પોલીસે એને ઝડપી લીધો.
અદાલતમાં ફરદીન ખાને પિતાની સલાહથી કબૂલ કરી લીધું કે હા, અમારી અભિનય કારકિર્દી સતત અનપ્રેડિક્ટેબલ રહેતી હોવાથી અમે પ્રચંડ ટેન્શન અનુભવીએ છીએ એટલે હું ડ્રગ લઉં છું. આ કેસનો હજુ આખરી ચુકાદો આવ્યો નથી. હજુ થોડું ઊંડે ખોદવું હોય તો મધર ઇન્ડિયા ફેમ અભિનેત્રી નરગીસ હયાત હતી ત્યારેજ એનો લાડકો પુત્ર સંજય દત્ત ડ્રગ સેવન કરતો થઇ ગયો હતો. સુનીલ દત્ત અને નરગિસે સંજયને અમેરિકામાં જરૂરી તબીબી સારવાર અપાવી અને એ તત્કાળ તો ઊગરી ગયો. આજની ખબર નથી.
હવે વિચારો. આ દૂષણ લગભગ છેલ્લાં પચાસ સાઠ વર્ષથી દેશમાં ચાલી રહ્યું છે. હાલ જેલમાં છે એ મહારાષ્ટ્ર સરકારના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિક જેવા દાઉદ ઇબ્રાહિમના પીઠ્ઠુઓ, સત્તા માટે ગમે તેવા ખેલ કરવા તૈયાર રહેતા આપણા રાજકારણીઓ અને લાંચિયા પોલીસ અધિકારીઓ શું આ અનિષ્ટથી અજાણ હશે ? ના. કેટલાક પોલીસ તો પોતે દેશી દારૂના પીઠાં ચલાવતા હોવાના સમાચાર તમે પણ વાંચ્યા હશે. સીધી લડાઇમાં ભારતને કોઇ રીતે પહોંચી ન શકતું પાકિસ્તાન એક તરફ પાછલે બારણે આતંકવાદ ફેલાવી રહ્યું છે તો બીજી બાજુ આપણી યુવા પેઢીને ડ્રગના રવાડે ચડાવીને બરબાદ કરી રહ્યું છે.
થોડા સમય પહેલાં અભિનેતા રણબીર કપૂરે એવી સ્પષ્ટતા કરી હતી કે મારી ફિલ્મ રોકસ્ટાર વખતે માત્ર એક અખતરા રૂપે મેં થોડી ડ્રગ લીધી હતી. ટોચના મનોચિકિત્સકો કહે છે કે એકવાર તમે કોઇ પણ ડ્રગ માત્ર રાઇના દાણા જેટલી પણ લ્યો પછી એની નાગચૂડમાંથી છટકી શકાતું નથી. ચોક્કસ સમયે ડ્રગનો ડોઝ ન મળે તો નસો તૂટવા માંડે, ચક્કર આવે, માથું દર્દથી ફાટે, સ્વભાવ ભયંકર ચીડિયો થઇ જાય, વર્તન હિંસક બની જાય, ઘરમાં ભાંગફોડ કરવા માંડે અથવા ઘરના લોકોને મારપીટ કરવા માંડે...
આ ક્ષેત્રના જાણકારો કહે છે કે રોજ આશરે પચાસથી સો કરોડનું ડ્રગ પકડાતું હોય તો એટલું જ બીજું ડ્રગ પગપેસારો કરી જતું હોઇ શકે. ડ્રગ માફિયા હાથે કરીને થોડો જથ્થો પકડાવતા હોય છે. સુરક્ષા દળો એ પકડવાની દોડાદોડમાં હોય ત્યારે બીજો જથ્થો નિશ્ચિત સ્થળે પહોંચી જાય છે. ટીનેજર સંતાન હોય એવા માબાપની જવાબદારી આવા સંજોગોમાં હિમાલય જેવડી થઇ જાય છે. પોતાનું સંતાન સતત સોશ્યલ મિડિયા પર શું કરે છે, એના ભાઇબંધ દોસ્તો કેવા છે, એ કેટલા પૈસા ખિસ્સાખર્ચી રૂપે તમારી પાસેથી લે છે, એ પૈસા કેવી રીતે વાપરે છે, એના સ્વભાવમાં છેલ્લા થોડા સમયમાં કોઇ પરિવર્તન અનુભવાયું છે કે કેમ આ બધી બાબતો પર માતાપિતાએ ધ્યાન આપવું પડે.
ડ્રગનું આટલું વિરાટ નેટવર્ક રાતોરાત તો તૈયાર ન થયું હોય. બની શકે કે છેક ઇંદિરા સરકારનું શાસન હતું ત્યારથી આ નેટવર્ક તૈયાર થયું હોય અને અત્યારે રાક્ષસી સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હોય. વધુ મોડું થઇ જાય એ પહેલાં આપણે સૌ જાગીશું ?
Comments
Post a Comment