સંગીતકાર કલ્યાણજી આણંદજીના માર્ગદર્શન તળે તૈયાર થયેલાં ટીનેજર્સની વાત અત્યારે ચાલી રહી છે. એની પૂર્ણાહૂતિ કરવા પહેલાં એક મુદ્દો સ્પષ્ટ થાય એ જરૂરી છે. અલકા યાજ્ઞિક, સાધના સરગમ, જાવેદ અલી વગેરેને આ સંગીતકારોએ તૈયાર કર્યા એવી વાત કરતી વેળા આપણને સહજ જિજ્ઞાસા થાય કે કલ્યાણજી આણંદજીએ આ લોકોને શેની અને કેવી તાલીમ આપી. આ મુદ્દે આણંદજીભાઇ સાથે થયેલી વાતનો સાર કંઇક આ પ્રકારનો છે. હવે આણંદજીભાઇના શબ્દોમાં સાંભળીએ.
‘લતા, આશા, મુહમ્મદ રફી વગેરે ગાયકોએ એક કરતાં વધુ વખત કહ્યું હતું કે ગાયક તરીકે સફળ થવા માટે શાસ્ત્રીય સંગીતની તાલીમ જરૂરી છે. અમારા સદ્ભાગ્યે અમને જે ટીનેજર્સ મળ્યાં એમના પરિવારમાં શાસ્ત્રીય સંગીતનું વાતાવરણ હતું. જેમ કે સાધના અને અલકાની માતાઓ શાસ્ત્રીય સંગીતની તાલીમ લેતી હતી. એટલે કુદરતે અમને થોડી મદદ કરી એમ કહી શકાય. તાલીમનો પ્રથમ તબક્કો સૂર-લય પાક્કાં હોય એ હતો. માથાના વાળ જેટલી પણ સૂરમાં કચાશ ચાલે નહીં. ફિલ્મ સંગીત તો કરોડો લોકો સાંભળતા હોય છે. એટલે સૂર-લય પાક્કા હોય એ અનિવાર્ય જરૂરિયાત ગણાય.
‘બીજે તબક્કે શબ્દોની સ્પષ્ટતા આવે. તમે ધ્યાન આપજો. ઘણા લોકોનો કંઠ સરસ હોય છે. સારું કહી શકાય એવું ગાતાં હોય છે. પરંતુ શું ગાય છે એ ઘણીવાર સમજાય નહીં. શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટ હોય નહીં. ખાસ કરીને ઊર્દૂ જબાનમાં ક, ગ અને ફ વ્યંજનોના ઉચ્ચાર એેક કરતાં વધુ રીતે થાય છે. એ જ રીતે, સ, શ અને ષના ઉચ્ચાર સ્પષ્ટ થવા જોઇએ. પેલું ગીત તમે યાદ કરો, સાવન કા મહિના પવન કરે શોર.. એમાં સોર નહીં, શો..ર એવી સ્પષ્ટતા ગાયકો કરે છે. આમ ગીતનો દરેક શબ્દ સ્પષ્ટ સંભળાવો અને સાંભળનારને સમજાવો જોઇએ.
‘એ પછી આવે શબ્દોના ભાવ. ગીત કયા પ્રકારનું છે એ સમજીને એના શબ્દોમાં રહેલા ભાવને પ્રગટ કરો એ ગીતને જીવંત કર્યું કહેવાય. તમે લતા કે રફીને ગાતાં સાંભળો. ગીતના શબ્દોમાં રહેલો ભાવ, એમાં રહેલું સંવેદન આપોઆપ ગાયનમાં આવી જતું જણાય છે. ગાતી વખતે શબ્દોના ગૂઢાર્થને સમજીને એનો ભાવ પ્રગટ થવો જોઇએ. આ કામ આપણે વાત કરીએ છીએ એટલું સહેલં નથી. પરદા પર ગીત જીવંત ન થાય તો ઓડિયન્સ પર એની કોઇ પોઝિટિવ અસર થાય નહીં. એટલે દરેક બાળકના કંઠની તાસીર સમજીને અમે એ રીતે એના કંઠમાં રહેલી ખૂબીને ગીતના ભાવ દ્વારા રજૂ કરવાની તાલીમ આપતા.
‘એ પછી આવે માઇકમાં ગાવાની તાલીમ. માઇક્રોફોનમાં ગાતી વખતે ક્યારે માઇકની નિકટ રહેવું અને ક્યારે માઇકથી દૂર થવું એ ટેક્નિક ખૂબ મહત્ત્વની છે. ગલી-શેરી મંડળોમાં થતા પ્રોગ્રામ્સમાં તમે જોયું હોય તો ઘણીવાર માઇકમાં વ્હીસલ વાગવા માંડે છે. કાં તો માઇક બરાબર ગોઠવાયું ન હોય અથવા કલાકારને માઇક્રોફોન વાપરવાની ટેક્નિકનો ખ્યાલ ન હોય. એજ રીતે માઇકમાં ગાતી વખતે શ્વાસોચ્છવાસ પર કેવી રીતે કાબુ રાખવો એ પણ બાળકોને સમજાવવું-શીખવવું પડે
‘આ બધી બાબતો ઉપરાંત અમે એક બાબત ખાસ ધ્યાનમાં રાખતા. એ છે સાંભળવાની કલા. દુનિયાભરના સંગીતકારો અને ગાયકોને સાંભળવાની ટેવ બાળકોમાં પાડતા. ભારતીય સંગીત ઉપરાંત પાશ્ચાત્ય સંગીતની ખૂબીઓ સમજાવતા. કયો કલાકાર કયો ગાયન પ્રકાર કેવી રીતે રજૂ કરે છે, જેમ કે ભજન, ગઝલ, કવ્વાલી, લગ્નગીતો, પ્રાસંગિક ગીતો- આ દરેક પ્રકાર રજૂ કરવાની ટેક્નિક બાળકોને ટોચના વૈશ્વિક કલાકારોની રેકર્ડ કે સીડી સંભળાવીને આત્મસાત કરાવતા. ફિલ્મ સંગીતમાં તો દરેક ગાયન પ્રકાર આવે. એ રજૂ કરવાની ટ્રેનિંગ આપતી વેળા નીવડેલા કલાકારોને સંભળાવવાથી જલદી ખ્યાલ આવે. આ તાલીમ આપવામાં અખૂટ ધીરજ જોઇએ, એમ કહીને આણંદજીભાઇએ વાત પૂરી કરી. (આવતા શુક્રવારે પૂરું.)
Comments
Post a Comment