સંગીતકાર નૌશાદથી શંકર જયકિસન સુધીની સ્વરયાત્રા

 


આજ ગાવત મન મેરોના લોકાર્પણ સમયે જમણેથી સંગીતકાર કલ્યાણભાઇ, બૈજુ બાવરા ફેમ શંકરભાઇ ભટ્ટ, વિજયભાઇ ભટ્ટ, લેખક, સુરૈયા, નૌશાદ અને ગીતકાર મજરૂહ સુલતાનપુરી

---------------------------

પત્રકાર જનક શાહ, શિરીષ મહેતા, હાર્દિક કોટેચા અને આજીવન શિક્ષક-લેખક નરેન્દ્ર પટેલ જેવા દોસ્તો છેલ્લા થોડા સમયથી કહેતા હતા કે તારી આત્મકથા લખ. કોણ જાણે કેમ, પણ મને એ વાત ગળે ઊતરતી નહોતી. જે કંઇ બન્યું એ વિશે સાચું લખીએ તો હયાત હોય એવાં સ્નેહી સ્વજનો સાથેના સંબંધો બગડે, ખોટું લખીએ તો જાત ડંખે. એના કરતાં થોડાંક સંભારણાં કેમ ન લખવા એવું વિચારી રહ્યો હતો. એટલામાં આસો સુદ આઠમે મારું લેટેસ્ટ પુસ્તક શંકર જયકિસનની સંગીતયાત્રા પ્રવીણ પ્રકાશનના ગોપાલભાઇ માકડિયા (પટેલ)એ મોકલ્યું. એને નિમિત્ત ગણીને આજે દશેરાના સપરમા દિવસે પેન પરિક્રમા જેવા મથાળા હેઠળ બે ચાર સંભારણાં લખી રહ્યો છું. 

ફિલ્મ સંગીત વિશેનાં મારા પુસ્તકોના શ્રી ગણેશ સંગીતકાર નૌશાદના પુસ્તકથી શરૂ થયા. નૌશાદના સંગીતથી સજેલી કેટલીક ફિલ્મો જેવી કે શબાબ, બૈજુ બાવરા વગેરેમાં સરસ્વતી વીણા વગાડનારા પૂજ્ય મુકુંદ ગોસ્વામી મને પુત્રવત્ પ્રેમ કરતા. પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સંપ્રદાયના મોટા મંદિર (ત્રીજો ભોઇવાડો, ભૂલેશ્વર) સ્થિત ગોસ્વામીજીએ્ નૌશાદના આત્મકથનાત્મક સંભારણાં લખવાનું મને કહ્યું અને મારી સાથે નૌશાદને મળવા પણ આવ્યા. ભારતીય સંગીત વિશેના મારા જ્ઞાનની કસોટી કરીને નૌશાદે મને  બે ત્રણ પુસ્તકો આપ્યાં. ‘આમાંથી તમને યોગ્ય લાગે એ રીતે સંકલન શરૂ કરી દો. મેં ફિલ્મ સંગીતના ઊંડા અભ્યાસી (હવે સ્વર્ગસ્થ) નલિન શાહ સાથે વાત કરી. એ મને કહે કે પહેલો પુરુષ એેકવચનમાં લખવાનું અને કોપીરાઇટ નૌશાદને આપી દેવાના એટલે કોઇ ગેરસમજ થવા ન પામે.  એમણે એક-બે ફોટોગ્રાફ પણ આપ્યા જેનો નલિનભાઇના નામ ઉલ્લેખ સાથે અમે પુસ્તકમાં સમાવેશ કર્આયો. આ રીતે નૌશાદનાં સંભારણાં ‘આજ ગાવત મન મેરો’ રૂપે લખાયાં. નલિનભાઇએ ઊડતી નજર કરી. ફરી યાદ દેવડાવ્યું કે કોપીરાઇટ નૌશાદના રાખવા એટલે કશી ખોટી લમણાંફોડ પાછળથી ન થાય. લખાણ શરૂ થયું. ચિત્રલેખાન તંત્રી અને સમર્થ નવલકથાકાર હરકિસન મહેતાના આશીર્વાદ મળ્યા.

મારા દાદાના સમયથી મુંબઇના માધવબાગ વિસ્તારમાં અમારી પુસ્તકોની દુકાન હોવાથી અન્ય પ્રકાશકોની જેમ પ્રવીણ પ્રકાશન (રાજકોટ)ના ગોપાલભાઇ માકડિયા સાથે 50-55 વર્ષનો સંબંધ. ગોપાલભાઇએ નૌશાદનાં સંભારણાં પુસ્તક રૂપે પ્રગટ કરવાની જવાબદારી લીધી. રંગીન અને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સનાં 32 પાનાં સાથે એક દળદાર પુસ્તક તૈયાર થયું.

આ પુસ્તકનું લોકાર્પણ અભિનય સમ્રાટ દિલીપ કુમાર કરવાના હતા. પરંતુ એમને પગમાં ફ્રેક્ચર થતાં એમણે મને ઘેર બોલાવ્યો અને કહ્યું કે હું સ્ટેજ પર વ્હીલ ચેરમાં ન આવું મારી ઇમેજને ધક્કો પહોંચે.શકું. હું મૂંઝાયો. મેં દિલીપકુમારનો ફોન વાપરીને નૌશાદને કરી. નૌશાદ કહે કે એમને કહે કે તમારી મોટા ભાગની ફિલ્મોમાં નૌશાદનું સંગીત હતું. તમે પુસ્તકની પ્રસ્તાવના લખી આપો. દિલીપ કુમારે તરત સેક્રેટરી જ્હોનને ટાઇપરાઇટર લાવવાનું કહ્યું અને પ્રસ્તાવના ડિક્ટેટ કરાવી. કેટલાક પ્રતિષ્ઠિત લેખકોને એવો ભ્રમ છે કે મારા પુસ્તકમાં દિલીપ કુમારની જે પ્રસ્તાવના છે અન્ય ભાષી પુસ્તકમાંથી તરજુમા રૂપે લીધી છે. 

અહીં મને સ્પષ્ટતા કરવા દો કે નૌશાદના મેં લખેલા પુસ્તક સિવાય અન્ય કોઇ ભારતીય કે વિદેશી ભાષાના પુસ્તકમાં દિલીપ કુમારની પ્રસ્તાવના નથી. દિલીપ કુમાર સાથેનો પરિચય જૂનો અને સંગીતકાર કલ્યાણજીભાઇએ કરાવેલો. દિલીપ કુમાર અને નૌશાદના સૂચનથી લોકાર્પણ ગાયિકા અભિનેત્રી સુરૈયાના હાથે કરાવવાનું નક્કી થયું.

1992ના ફેબ્રુઆરીની 16મીએ મુંબઇના વિલેપારલે ઉપનગરમાં આવેલા ભાઇદાસ સભાગૃહમાં  ખીચોખીચ ભીડ વચ્ચે પુસ્તકનું લોકાર્પણ થયું. સ્ટેજ પર ફિલ્મઉદ્યોગના હૂ ઇઝ હૂ કહી શકાય એવા મહાનુભાવો હાજર હતા. એવુંજ ઓડિયન્સમાં હતું. 1962-63માં આવેલી પોતાની છેલ્લી ફિલ્મ રુસ્તમ સોહરાબ પછી સુરૈયા પહેલીવાર જાહેરમાં આવી રહ્યાં હતાં એટલે ચાહકોની જબરદસ્ત ભીડ હતી. અમદાવાદથી મારા મિત્ર અંબરિષ પરીખ ઓરકેસ્ટ્રા લઇને આવેલા. નૌશાદનાં યાદગાર ગીતો સાથે પુસ્તકનું લોકાર્પણ થયું. મહાનગર મુંબઇમાં આ રીતે પુસ્તકના સંગીતમય લોકાર્પણની પરંપરા મારા નૌશાદના પુસ્તકથી શરૂ થઇ. ફિલ્મ સંગીત વિશેના મારા અભ્યસનીય પુસ્તકોના પ્રકાશનનો પણ આ રીતે આરંભ થયો.

2004-05માં હું અમદાવાદ સ્થાયી થયો. એ દિવસોમાં ગુજરાત સમાચાર દર વરસે કાવ્ય-સંગીત સમારોહનું આયોજન કરતું હતું. લગભગ 2008-09માં તારી આંખનો અફિણી ફેમ સંગીતકાર અજિત મર્ચંટને પૂજ્ય મોરારીબાપુના હસ્તે અવિનાશ વ્યાસ એવોર્ડ આપવાનો હતો. મેં પાશ્ચાત્ય સંગીતનો અભ્યાસ અને પિયાનોની લંડનની (ટ્રિનિટી કોલેજની) પરીક્ષા અજિતભાઇના માર્ગદર્શન હેઠળ આપેલી. એટલે કાશીરામ હોલમાં હું અજિતભાઇને પગે લાગવા ગયો. એમણે મને બાથ ભીડી લીધી અને કહ્યું કે આ રીતે જાહેરમાં પગે લાગવાનું નહીં.

મેં કહ્યું ગુરુને પગે લાગવામાં શરમ શેની. એટલામાં એક તરફથી દિલીપકાકા (દિલીપ ધોળકિયા) અને બીજી બાજુથી ગુજરાત સમાચારના વડા તંત્રી શ્રેયાંસભાઇ આવ્યા. અજિત મર્ચંટે શ્રેયાંસભાઇને કહ્યું, આને ઓળખો છો. શ્રેયાંસભાઇએ જવાબ આપ્યો, હા, મારે ત્યાં કામ કરે છે. અજિતભાઇ કહે કે એમ નહીં. આ માણસ ભારતીય અને પાશ્ચાત્ય સંગીતનો ઊંડો અભ્યાસી છે. રોષથી શ્રેયાંસભાઇનો ચહેરો લાલ થઇ ગયો.   એ સમયે કશું બોલ્યા નહીં.       

  બીજે દિવસે ગુજરાત સમાચાર કાર્યાલયમાં મને ખખડાવ્યો કે તમે સંગીત જાણો છો એ વાત અમારાથી કેમ છૂપાવી. મેં વિનમ્રતાથી કહ્યું કે મારા કાનમાં સાંભળવાનું મશીન છે એટલે કોઇને એમ લાગે કે આ બહેરો બિચારો સંગીત શું સમજતો હશે અને હું કંઇ ગળામાં પાટિયું લઇને તો ફરું નહીં ને કે મને સંગીત આવડે છે.

કોઇ બહાનાબાજી નહીં કરો, સંગીત વિશે એક સરસ લેખ લખી લાવો, શ્રેયાંસભાઇએ આદેશ આપ્યો. હવે મજા જુઓ. એ દિવસોમાં મારા મનમાં ભારતીય સંગીતની એક મધુર રાગિણી ભૈરવી વિશે વિચારો ચાલતા હતા. ઉત્તર ભારતીય અને કર્ણાટક સંગીત બંનેમાં ભૈરવી એકસરખી લોકપ્રિય છે. શાસ્ત્રજ્ઞો એને ‘ભૈરવી સર્વદા સુખદાયિની’ અને ‘ભૈરવી સદા સુહાગિન’ કહે છે. મારા મનમાં જે વિચારો ચાલતા હતા એ આ- સાહિત્યમાં જે નવરસ ગણાવ્યા છે એ શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, શાંત, બિભત્સ,વીર વગેરે દરેક રસ તમને ભૈરવીમાં અચૂક મળે. એક નાનકડો દાખલો લઇએ. રાજ કપૂરની ફિલ્મ બરસાતમાં આમ તો ભૈરવીના છ સાત ગીતો છે. આપણે માત્ર શૃંગાર લઇએ. મિલન શૃંગાર એટલે બરસાત મેં હમ સે મિલે તુમ સજન.. અને વિરહ શૃંગાર એટલે છોડ ગયે બાલમ મોંહે હાય અકેલા ...

આમ વિચારતાં ભૈરવી પર એક લેખ લખ્યો. વાંચીને શ્રેયાંસભાઇ કહે કે કોલમનું નામ બોલો. મારાથી સહજપણે બોલાઇ ગયું કે ‘સિનેમેજિક’- સિનેમાનો જાદુ. એવું કેમ એવા શ્રેયાંસભાઇના સવાલના જવાબમાં મેં કહ્યું કે સંગીતકાર કલ્યાણજીભાઇ સમજાવતા કે ફિલ્મની કથા સામાજિક હોય, ઐતિહાસિક હોય, કોમેડી હોય કે અમિતાભ બચ્ચનની એંગ્રી યંગ મેનની હોય, તમે એમાંથી ગીતો અને પાર્શ્વસંગીત કાઢી લો, ફિલ્મ નિષ્પ્રાણ થઇ જશે. એ જોવામાં રસ નહીં પડે. એટલે સંગીત ફિલ્મોનો પ્રાણ છે. આમ સિનેમાનો જાદુ એટલે સિનેમેજિક. કોલમ શરૂ થઇ. 2008-09ની અધવચ. પ્રભુકૃપા અને ગુરુજનોના આશીર્વાદથી કોલમને જબરદસ્ત આવકાર મળ્યો. કમલેશ આવસત્થી અને મનહર ઉધાસ જેવા કેટલાક વ્યાવસાયિક કલાકારોએ પણ કોલમને મુક્ત મને બિરદાવી. વાચકોના ઢગલાબંધ પત્રો આવતા. બિરદાવતા પણ હોય અને સરતચૂક બદલ કાન પકડતા પત્રો પણ હોય.

\

પ્રવીણ પ્રકાશનના ગોપાલભાઇ તો સદા પુસ્તકો પ્રગટ કરવા તૈયાર હોય. હું પ્રસ્તાવ કરું કે તરત મોકલાવો મોકલાવો એમ ઉમળકાભેર કહે. એ રીતે ફિલ્મ સંગીતના પાંચ સાત પુસ્તકો પ્રગટ થયા. એકાદ બે પુસ્તકોનું લોકાર્પણ તો બનારસ ઘરાનાના ટોચના કલાકારો પંડિત રાજન મિશ્રા અને પંડિત સાજન મિશ્રાને હાથે સપ્તક સંગીત સંમેલન દરમિયાન થયું. એ માટે થેંક્યુ વિરાજબહેન ભટ્ટ અને સપ્તકના સ્થાપક ટ્રસ્ટી મંજુબહેન મહેતા.

એ જ રીતે સંગીત પ્રેમી શાયર-કટારલેખક રઇસ મણીયારે સૂરતના પાલ વિસ્તારમાં નૌશાદનાં ગીતોનો કાર્યક્રમ યોજેલો. ત્યાં  મારા ખુશનસીબે બરજોર લોર્ડ (બજ્જી) હાજર હતા. છેલ્લાં પચાસ સાઠ વરસોમાં બરજોરે ફિલ્મ સંગીતના અઢાર હજાર ગીતોમાં વિવિદ વાજિંત્રો વગાડ્યાં છે. એકાદ બે પુસ્તકોનું લોકાર્પણ સૂરતમાં બજ્જીના હાથે થયું. 

આ પુસ્તકોમાં છેલ્લામાં છેલ્લું એટલે શંકર જયકિસનની સંગીતયાત્રા. આમ તો લેખમાળા 2019માં પૂરી થઇ ગયેલી પરંતુ પછી ત્રાટક્યો કોરોના અને લદાયું લોકડાઉન એટલે પુસ્તક અટવાયું. પરિસ્થિતિ જરાક સુધરી ત્યાં પ્રવીણ પ્રકાશનના પ્રિન્ટીંગ ઇન્ચાર્જ મીતેશભાઇની તબિયત બગડી. એક મહિનો હોસ્પિટલમાં રહી આવ્યા. પછી એમની આંખનું મોતિયાનું ઓપરેશન થયું. આમ વાત લંબાતી ચાલી. પરંતુ ગયા પખવાડિયે મીતેશભાઇએ મને ખુશખબર મોકલ્યા કે પુસ્તક તૈયાર છે અને નવરાત્રિમાં તમને મોકલીશું. થેંક્યુ ગોપાલભાઇ, થેંક્યુ મીતેશભાઇ.... વધુ ફરી ક્યારેક.

Comments