પેન પરિક્રમા-2 નૌશાદનાં સૂરીલાં સંભારણાં- ભાગ બીજો


સંગીતકાર નૌશાદે આપેલાં પુસ્તકોમાંથી માહિતીનું સંકલન થઇ રહ્યું હતું ત્યારે વચ્ચે વચ્ચે નૌશાદના સંગીતકાર પુત્ર રાજુના ફોન આવતા કે પિતાજી યાદ કર રહે હૈં. વાંદરા કાર્ટર રોડ પર દરિયાકાંઠાની સામે આવેલા આશિયાના બંગલે હું પહોંચું ત્યારે નૌશાદ વાટ જોઇને બેઠાં હોય. એ યાદ કરી કરીને નવી વાતો કરે. ક્યારેક સૂચના આપે, આ વાત મારા મરણ પછી પણ લખવાની નથી. આ તો જીવન સંધ્યાએ તમારી સાથે વહેંચું છું. ક્યારેક એ હાર્મોનિયમ પર કોઇ રાગ રાગિણી છેડે અને કયો રાગ વગાડી રહ્યા છે એેની વાતો મારી સાથે કરે.

મને વિસ્મય એ વાતનું થતું કે રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં જન્મ્યા હોવા છતાં અને માત્ર ખપ પૂરતું શિક્ષણ મેળવ્યું હોવા છતાં નૌશાદનું વાચન વિશાળ હતું. ઘણીવાર વાત કરતાં કરતાં ભગવદ્ ગીતાના શ્લોક ટાંકતા કે ભગવાન ક્રીષ્નાને ઐસૈ કહા હે... ક્યારેક રામાયણ મહાભારતની વાતો કરતા. એમને વાચનનો અને દુનિયાભરનું સંગીત સાંભળવાનો શોખ હતો. પૂરતું શિક્ષણ નહીં હોવા છતાં સમકાલીન અને અનુગામી સંગીતકારો કરતાં એ જુદી રીતે ચઢિયાતા હતા. એમને પાશ્ચાત્ય નોટેશન પદ્ધતિ લખતાં વાંચતાં અને વાંચીને પિયાનો વગાડતાં આવડતું. બહુ ઓછા સંગીતકારો પોતે પાશ્ચાત્ય નોટેશન પદ્ધતિ જાણતા હોય છે. ભારતીય નોટેશન પદ્ધતિ તો એ જાણતા જ હતા. એ રીતે સંગીતકાર નૌશાદ અલગ આદમી હતા.

એકવાર સવારે લગભગ સાડા અગિયાર બાર વાગ્યે ચિત્રલેખા કાર્યાલયમાં રાજુનો ફોન આવ્યો- અભી કે અભી આ જાઓ, અરજન્ટ હૈ... મને ફાળ પડીઃ નૌશાદ સાહેબ સાજા સારા તો હશે ને... મેં રાજુને ફેરવી ફેરવીને પૂછ્યું પરંતુ એ ફોડ પાડે નહીં. એે કહે કે લાંબી વાત નહીં કરો. આપ અબી કે અબી આ જાઓ. મેં હરકિસનભાઇની રજા લીધી અને મારું પ્રિયા સ્કૂટર આશિયાના ભણી મારી મૂક્યું. ત્યાં પહોંચ્યો ત્યારે રાજુએ સીધો મને નૌશાદ સાહેબના મ્યુઝિક રૂમમાં ધકેલી દીધો. ત્યાં શુ જોઉં છું. 

હાર્મોનિયમ પર પાકિસ્તાનના જગમશહૂર ગઝલ ગાયક મહેંદી હસન ગાઇ રહ્યા છે અને એમની સાથે નૌશાદ ગાવામાં સૂર પૂરાવી રહ્યા છે. મ્યુઝિક રૂમના બારણેથી રાજુએ ઇશારો કરીને મને બહાર બોલાવ્યો. મને કહે, યાર ફોટોગ્રાફર સાથ નહીં લાયે. મેં કહ્યું કે મૈંને આપ કો તીન ચાર બાર પૂછા કિ ક્યા માજરા હૈ, આપ ને કુછ બતાયા નહીં... રાજુ કહે કે આસપાસના કોઇ ફોટો સ્ટૂડિયોના ફોટોગ્રાફરને પકડી લાવો. હું તરત સ્કૂટર લઇને પાછો દોડ્યો. વાંદરા અને ખારની નજીક એક સ્ટુડિયોમાં પહોંચ્યો. મારું ચિત્રલેખાનું આઇ કાર્ડ દેખાડ્યું અને એક ફોટોગ્રાફર આપવાની વિનંતી કરી. યોગાનુયોગે સ્ટુડિયો માલિક નૌશાદનો ચાહક નીકળ્યો. એ પોતાની દુકાનનું રોલિંગ શટર અડધું પાડીને બાજુના દુકાનદારને સૂચના આપીને મારી સાથે આવ્યો.

નૌશાદ, મહેંદી હસન અને આ લખનાર એમ ત્રણના સરસ ફોટોગ્રાફ્સ પડ્યા. બહાર નીકળ્યા ત્યારે રાજુ કહે, કમાલ છે ને, અત્યારે અમારો પવિત્ર રમજાન માસ ચાલે છે. આ માસમાં ગાયન-બાયન કરી શકાય નહીં. પણ આ બંનેને જુઓ, જામી પડ્યા છે. (એ જ રીતે એકવાર ભજન સમ્રાટ અનુપ જલોટા અને એમના પિતાશ્રી પુરુષોત્તમદાસ જલોટાજી નૌશાદના મહેમાન હતા ત્યારે એ ત્રણ જણનો વિરલ ફોટોગ્રાફ લેવાની પણ મને તક મળી હતી.)


ગાયિકા અભિનેત્રી રાજકુમારી સાથે લેખક દંપતી

--------------------------

વાત એવી હતી કે મહેંદી હસનની મુંબઇથી કનેક્ટિંગ ફ્લાઇટ દોઢ બે કલાક મોડી હતી એટલે એ એરપોર્ટથી નૌશાદ સાહેબને ત્યાં ચા પાણી પીવા આવી પહોંચ્યા હતા. એ જ રીતે એકવાર નૌશાદ સાહેબે કહ્યું કે ગાયિકા અભિનેત્રી રાજકુમારીની તબિયત આજકાલ સારી રહેતી નથી. તમારા ચિત્રલેખા કાર્યાલયની નજીક  સાત બંગલા પાસે જ રહે છે, એકાદ આંટો મારજો અને મારા વતી પણ ખબર અંતર પૂછજો. નૌશાદ સાહેબે આપેલા ફોન નંબર પર ફોન કરીને હું અને સરોજ રાજકુમારીજીને મળવા ગયાં.  એ ખરેખર થાકેલાં અને ઢીલાં દેખાતાં હતાં. નૌશાદ સાહેબની વાત જાણીને એમની આંખોના ખૂણા ભીંજાયા. કહે કે ફિલ્મ લાઇન તો મતલબી દુનિયા છે. મારો ય એક સમય હતો. આજે કોઇ ખબર પૂછવા સુદ્ધાં આવતું નથી કે  ફોન કરતું નથી...


લેખક લંડનમાં મૂવી મહલ  ટીવી સિરિયલનાં નિર્દેશિકા નસરીન મુન્ની કબીર સાથે.

---------------------------------

અહીં એક  આડવાત. 1987-88માં હું લંડનમાં હતો. યોગાનુયોગે ત્યાં ચેનલ ફોર ટીવી પર મૂવી મહલ નામની સિરિયલ ચાલતી હતી. હિન્દી ફિલ્મોમાં પાર્શ્વગાયનની સુવર્ણ જયંતી થઇ એ નિમિત્તે નસરીન મુન્ની કબીરે આ સિરિયલ બનાવી હતી. નસરીને હિન્દી ફિલ્મ ઉદ્યોગના કેટલાક કલાકારો વિશે સરસ ડોક્યુમેન્ટરી કે સિરિયલો ચેનલ ફોર માટે બનાવી છે. મૂવી મહલમાં નૌશાદ સાહેબ વિશે ત્રણ એપિસોડ હતા. એની વિડિયો કેસેટ બનાવીને એરપોર્ટ પર ખાસ વિનંતી કરીને હું મુંબઇ લઇ આવ્યો. હરકિસનભાઇને બતાવી. એ તો ખુશ થઇ ગયા. એમણે સુરેશ દલાલ, રમેશ પુરોહિત વગેરે મિત્રોને બતાવી અને કહ્યું કે આ માણસ (સંગીતકાર નૌશાદ)ના સંઘર્ષ પરથી હું એક સરસ નવલકથા લખી શકું એટલો મસાલો આ માણસની જીવનકથામાં છે.

પુસ્તક પ્રગટ થયા બાદ નૌશાદે એક સૂચન કર્યું કે પહેલી એકસો નકલમાં હું મારા ઓટોગ્રાફ મૂકવા માગું છું. એટલે પુસ્તકો મુંબઇ પહોંચે તો તરત સો નકલ મારે ત્યાં મોકલી આપજો. અમે એમની ઇચ્છાનો અમલ કર્યો. પરંતુ એમાં થોડું નુકસાન થયું. કાર્યક્રમના સંચાલક મારા મિત્ર અને પ્રસિદ્ધ શાયર શોભિત દેસાઇએ ઇન્ટરવલ પહેલાં જાહેર કર્યું કે આજની રાત્રે આ પુસ્તક રાહતના દરે મળશે અને વહેલો તે પહેલો ધોરણે પહેલી સો નકલ નૌશાદ સાહેબના ઓટોગ્રાફ સાથે મળશે. બસ, આવી બન્યું, ધસારો એવો થયો કે થોડીક નકલોની પુસ્તકની કિંમત ચૂકવ્યા વિના તફડંચી થઇ ગઇ. 

જો કે કાર્યક્રમ એટલો અદ્ભુત થયો હતો કે પ્રવીણ પ્રકાશનના ગોપાલભાઇએ જરાય અફસોસ વ્યક્ત ન કર્યો. આ કાર્યક્રમની એક અને અજોડ બાબત આ રહી- ગાયિકા અભિનેત્રી સુરૈયાએ ભાઇદાસ થિયેટરમાં ગુજરાતી ઓડિયન્સ જોઇને જીવનમાં પહેલી અને કદાચ છેલ્લીવાર ગુજરાતી ભાષામાં આનંદ વ્યક્ત કર્યો. એને ગુજરાતીમાં બોલતી જોઇને નૌશાદ, મજરૂહ સુલતાનપુરી, વિજય ભટ્ટ વગેરે ચોંકી ઊઠ્યા. સુરૈયા કહે કે મારા પાડોશી ગુજરાતી છે, મારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગુજરાતી છે એટલે મને ગુજરાતી બોલતાં આવડે છે. સુરૈયાની ગુજરાતી થોડી ભાંગીતૂટી હતી પરંતુ ઓડિયન્સને બહુ મીઠ્ઠી લાગી..


ઓડિયન્સે મખમલી ગાયક તલત મહેમૂદને બે શબ્દ બોલવા મજબૂર કર્યા

---------------------

એવુંજ મખમલી ગાયક તલત મહેમૂદ સાથે થયું. એ પેરેલિસિસની બીમારીમાંથી તાજા ઊઠ્યા હતા. રાજેન્દ્ર કુમારની તબિયત ઠીક નહીં હોવાથી એ નહીં આવી શકે એવો સંદેશો આવતાં નૌશાદે મને કહ્યું કે તલત મહેમૂદને આમંત્રણ આપી આવો. ના પાડે તો મારું નામ આપજો. એટલે અમે તલત મહેમૂદને ઘેર ગયા. એ કહે કે નૌશાદ કહે છે એટલે મારે આવવું તો પડશે પરંતુ હું એક શબ્દ પણ બોલીશ નહીં. એ શરત માનો તો આવું. 

બન્યું એવું કે તલત મહેમૂદને જોઇને ઓડિયન્સે તલત મહેમૂદ તલત મહેમૂદ એવી બૂમરાણ મચાવી. મેં લાચારી વ્યક્ત કરતાં તલત મહેમૂદ સામે જોયું. આખરે એમને ઊભા થવું પડ્યું ને બે શબ્દ બોલવા પડ્યા. મારા પત્રકાર મિત્ર અને જન્મભૂમિ જૂથના વ્યાપાર અર્ધ સાપ્તાહિકના તંત્રી શિરીષ મહેતાએ ફેસબુક પર કહ્યું એમ આ કાર્યક્રમ ન ભૂતો ન ભવિષ્યતિ જેવો બની રહ્યો.   


Comments