એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી મુંબઇના ધારાવી વિસ્તારની ગણાય છે. ચોવીસે કલાક માથું ફાડી નાખએ એવી દુર્ગંધ અને ગંદકીથી ભરેલા આ સ્લમ વિસ્તારમાં એક ગરીબ પરિવાર રહેતો. (હવે સુખી અને ભદ્ર વિસ્તારમાં રહે છે.) આ વિસ્તારમાં એક તેલુગુ ખ્રિસ્તી ટીનેજર રહે. જ્હોન પ્રકાશ રાવ જાનુમાલા એનું નામ. એક માતબર કંપનીમાં મજૂરી કરે. લંચ ટાઇમમાં બેચાર અભિનેતાની નકલ કરીને સહકર્મચારીઓનું મનોરંજન કરે. ગલી મંડળ કે મહોલ્લા મંડળમાં ગણપતિ કે નવરાત્રિ ઉત્સવમાં આવડે એવી મિમિક્રી કરે.
એવા એક મહોલ્લા મંડળના કાર્યક્રમમાં આ કાચા હીરાને કલ્યાણજી આણંદજીએ જોયો. તરત એને પોતાની પાંખમાં લીધો. ટપોરી છાપની ભાષા પડતી મૂકાવી. કલ્યાણજી આણંદજી બંને ભાઇઓ હ્યુમરના જન્મજાત ખેલાડી. આ યુવાનને જરા જુદી રીતે તૈયાર કર્યો. 1986માં મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ફિલ્મ સૃષ્ટિના ટેક્નિશિનયન અને અન્ય કર્મચારીઓના લાભાર્થે એક મનોરંજન કાર્યક્રમ થયેલો. ( 1986ના ડિસેંબરની 12-12 તારીખે થયેલો આ એજ કાર્યક્રમ જે દિવસે આપણે સ્મિતા પાટિલ નામની જબરદસ્ત ટેલેન્ટેડ અભિનેત્રી ગુમાવી.)
આ કાર્યક્રમમાં જ્હોન પ્રકાશ રાવ જાનુમાલા રજૂ થયો અને ધમાલ મચી ગઇ. સુનીલ દત્તે દર્દ કા રિશ્તા ફિલ્મમાં એને કોમેડિયન તરીકે તક આપી. આજ સુધીમાં એણે 300થી વધુ ફિલ્મોમાં કોમેડી કરી છે. આપણે આ કોમેડિયનને જ્હોની લીવરના નામે પિછાણીએ છીએ. જ્હોની આજે પણ લગભગ દરેક ઇન્ટરવ્યૂમાં કહે છે કે કલ્યાણજી આણંદજીએ મને પ્લેટફોર્મ ન આપ્યું હોત તો હું આજે પણ કદાચ મજૂરી કરતો હોત. મને પહેલું મોટ્ટું પ્લેટફોર્મ કલ્યાણજી આણઁદજીએ પૂરું પાડ્યું હતું. અભિનેતા તરીકે મારી કારકર્દી બની એેમાં આ બંને સંગીતકાર ભાઇઓનો સિંહ ફાળો છે.
એવોજ એક દાખલો આજના ટોચના પાર્શ્વ ગાયકનો છે. કલ્યાણજીભાઇએ જેમના સહાયક તરીકે કારકર્દી શરૂ કરી હતી એવા ગાયક સંગીતકાર હેમંત કુમારે કોલકાતાથી એક સંદેશા જોડે કોઇ યુવાનને મોકલેલો. કલ્યાણજીભાઇને કહેવામાં આવેલું કે આ યુવાને બંગાળી ગીતો સારાં ગાયાં છે. એને હિન્દી ફિલ્મોમાં તક મળી શકે તો વિચારજો. આ યુવાનનું નામ કેદારનાથ ભટ્ટાચાર્ય. કલ્યાણજી આણંદજીએ એને કહ્યું કે કંઇક ગાઇ સંભળાવ. પેલાએ બેચાર બંગાળી ગીતો ગાયાં. બંને ભાઇઓ પ્રભાવિત થયા. એને હિન્દી ફિલ્મોમાં તક આપવા પહેલાં કલ્યાણજી આણંદજીએ ફોઇકર્મ કર્યું. એને નવું નામ આપ્યું. કુમાર સાનુ. કેદારનાથ ભટ્ટાચાર્ય નામ જૂનવાણી અને લાંબુંલચક લાગતું હતું.
એ પછી તો કુમાર સાનુએ સેંકડો હિટ હિન્દી ગીતો ગાયાં. તાજેતરમાં એક ટીવી ચેનલ પરના ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં અતિથિ તરીકે આવેલા કુમાર સાનુએ જાહેરમાં સ્વીકાર કર્યો કે મને કુમાર સાનુ નામ આપવાથી માંડીને મારી કારકિર્દી બનાવવામાં કલ્યાણજી આણંદજીનો બહુ મોટો ફાળો છે.ઔર એક નામ યાદ કરવા જેવું છે. આજે ટીવી ચેનલ પરના ફિલ્મ સંગીતને લગતા કાર્યક્રમોમાં રમૂજી રીતે એન્કરિંગ કરતા અને તક મળ્યે ફિલ્મોમાં એકાદ બે ગીત ગાઇ લેતા આદિત્ય નારાયણે પણ કલ્યાણજી આણંદજીના ગ્રુપમાં બાળ કલાકાર તરીકે પ્રદાન કર્યું છે. એનામાં રહેલી પ્રતિભાને પોલિશ કરવામાં આ બંને ભાઇઓએ સારો એવો સમય અને શક્તિ ખર્ચ્યાં હતાં. આદિત્યે પણ એક કરતાં વધુ વખત જાહેરમાં આ બંને ભાઇઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.
જો કે દરેક વખતે એવું બનતું નથી. ક્યારેક આ ગ્રુપમાં તૈયાર થયેલો કલાકાર બીજા કોઇને યશ આપે છે. કલ્યાણજી આણદજીના લિટલ વન્ડર્સ અને લિટલ સ્ટાર્સ ગ્રુપમાં એક મુસ્લિમ બાળક પણ આવતો. લગભગ પાંચ છ વર્ષ એણે કલ્યાણજીભાઇના ઘરમાં ચાલતા ગુરુકૂળમાં તાલીમ લીધી. પાર્શ્વગાયક બન્યા પછી એણે ફેરવી તોળ્યું. હવે એ પોતાને પાકિસ્તાની ગઝલ ગાયક ગુલામ અલીનો શિષ્ય ગણાવે છે. ભલે ગુલામ અલીની ગાયકીનો એક અંશ પણ જાવેદ અલીની ગાયકીમાં નથી. પોતે ગુલામ અલીનો શિષ્ય છે એમ દર્શાવવા એણે પોતાની હુસૈન અટક બદલીને અલી અટક કરી નાખી. કલ્યાણજી આણંદજીની બાળ કલાકારોની સંસ્થાના ફોટો આલ્બમ્સ જુઓ તો નાનકડો જાવેદ પણ એમાં અસંખ્ય ફોટોગ્રાફ્સમાં દેખાય છે. કભી કભી ઐસા ભી હોતા હૈ...!
Comments
Post a Comment