દ્રશ્ય પહેલું- સવારે નાહીધોઇને સ્વચ્છ વસ્ત્રો પહેરીને તમે મંદિરે કે દહેરાસરમાં ઇષ્ટદેવના દર્શન કરવા નીકળ્યા છો. માર્ગમાં એક સાઇકલ રિક્શા પર તાજું લીલું ઘાસ લઇને એક આદમી ઊભો છે. એની નજીક પાંચ સાત ગાયો ઊભેલી છે. તમે યથાશક્તિ પુણ્ય કમાવા ગાયને ઘાસ ખવરાવો છો. એ દરમિયાન ત્યાં અન્ય એક ગાય આવી ચડે છે. ઘાસવાળો ડંડો ઊગામીને એને ભગાડી દે છે કારણ કે ઘાસવાળાનું સેટિંગ જે માલધારી સાથે છે એની આ ગાય નથી. આ તો કોઇ બીજાની ગાય છે. એને શા માટે ખવરાવવું એવો એનો ખ્યાલ છે. તમે પુણ્ય કમાયાનો સંતોષ મેળવીને ચાલ્યા જાઓ છો.... અગાઉ આપણે સૌ, ગોગ્રાસ, કાગડા-કબૂતર માટે દાણો, કીડીયારું પૂરવા માટે લોટ, અભ્યાગત માટે ભિક્ષાન્ન વગેરે પરંપરાનો અમલ કરતા હતા. સમય પલટાયો છે એટલે માત્ર ગાયને ઘાસ ખવરાવીને સંતોષ માનીએ છીએ.
દ્રશ્ય બીજું- અવારનવાર અખબારોમાં અને મિડિયામાં સમાચાર આવે છે કે ડોક્ટરોએ ગાયના પેટમાંથી ચાલીસ પિસ્તાલીસ કિલો પ્લાસ્ટિકની થેલીઓ કાઢી. ગાયના પેટમાં પ્લાસ્ટિકની થેલી આવી ક્યાંથી ? તો કહે, ભૂખી ગાયે ઉકરડામાં મોં નાખ્યું હતું. ઉકરડામાં આપણે એંઠવાડ સાથે નાખેલી પ્લાસ્ટિકની થેલી ગાય ખાઇ ગઇ હતી... જાનવરોના ડોક્ટર વેટરનરી ડોક્ટર કહે છે કે કૂતરો, વાઘ-સિંહ કે ગાય કોઇ પણ જાનવર ભૂખ્યું હોય ત્યારે હુમલો કરે છે. કેટલાંક સ્થળે ગાયે ટુ વ્હીલરચાલક પર હુમલો કર્યો. એની પાછળ પણ કદાચ આવું કારણ જવાબદાર હોઇ શકે છે.
દ્રશ્ય ત્રીજું- અમૂલ, સુમૂલ, માહી, ગાયત્રી જેવી માતબર સંસ્થાઓ દૂધના ભાવમાં વધારો કરે એ સાથે માલધારીઓ પણ બીજી ક્ષણે ભાવવધારોરો જાહેર કરી દે છે. છેલ્લા એક વર્ષમાં પાંચથી છ વખત દૂધના ભાવ વધ્યા. સાથોસાથ ખુદ રાજ્ય અને કેન્દ્ર સરકાર કહે છે કે બનાવટી દૂધનો વપરાશ વધ્યો છે. યુરીક એસિડ, સોડા બાય કાર્બ અને ડિટર્જન્ટની મદદથી બનાવાતું આવું દૂધ કેન્સર જેવી બીમારી પેદા કરે છે.
દ્રશ્ય ચોથું- ગુજરાત હાઇકોર્ટના આદેશના પગલે તંત્રે રઝળતા ઢોર પકડવાની શરૂઆત કરી એ સાથે તંત્ર અને માલધારોઓ વચ્ચે અથડામણ શરૂ થઇ. રાજકેાટ સહિત કેટલાક સ્થળે તંત્રના કર્મચારીઓ પર એસિડ રેડવા જેવી ઘટનાઓ પણ બની. દરમિયાન, સરકારે જાહેર કર્યું કે અમે ઢોરવાડો સ્થાપીને રઝળતા ઢોરને રાખીશું. સરકાર કયો વેપાર ઉદ્યોગ ચલાવે છે, કોના પૈસે ઢોરવાડો સ્થાપવાનો છે. મારા અને તમારા જેવા કરદાતાના પૈસે.
હવે શાંતિથી વિચારો. ઘાસવાળા કને ઊભેલી ગાયોને આપણે એટલે કે કરદાતા નાગરિકો ખવરાવીએ છીએ. દૂઘના ભાવવધારાના પૈસા આપણે એટલે કે કરદાતા નાગરિકો ચૂકવીએ છીએ. સરકાર ઢોરવાડો ઊભો કરે તો એ આપણા એટલે કે કરદાતા નાગરિકોના પૈસૈ ઊભો કરશે.
બીજા શબ્દોમાં એમ કહીએ કે પ્રજા નામની કન્યાની કેડ પર ચારે બાજુથી બોજો વધતો જાય છે. દૂધ અને દૂધની પેદાશો વેચીને માલધારી પોતાના પરિવારનો નિર્વાહ કરે છે, પણ પોતાની ગાયોનું પેટ આમ આદમીએ ભરવાનું. ચાહે ઘાસવાળા દ્વારા ભરો કે દૂધના ભાવવધારા દ્વારા ભરો કે સરકારી ઢોવાડા દ્વારા ભરો. બધી જવાબદારી આમ આદમીની. આમ આદમીની પડખે કોઇ નથી.
બે ચાર દિવસ પહેલાં કેટલાક માલધારીઓએ લાખો લીટર દૂઘ ઢોળી નાખ્યું. એનો આધ્યાત્મિક અર્થ સમજો તો માલધારીઓએ આવતી લક્ષ્મીને ઠુકરાવી. તમારો વિરોધ કે ઝઘડો સરકાર સાથે છે. લોકોનો શો વાંક ? દૂધ ઢોળી નાખવાને બદલે નાગરિકોને વેચ્યું હોત તો તમને પૈસા મળવાના હતા, રડતાં હજારો બાળકો છાના રહી જવાના હતા. આમ તમે તો આવતી લક્ષ્મીને ઠોકર મારી. સરકારી તંત્ર સામેના વિરોધના પગલે તમે બદલો નાગરિકો સાથે લીધી. શાંતિથી વિચારજો. તમે પણ પ્રજાનો એક હિસ્સો છો. આવતી કાલે અન્ય વેપાર-ધંધાવાળા એમ કહે કે અમે માલધારીઓનો સામાજિક બહિષ્કાર કરીએ છીએ તો તમને પરવડશે ? જે સમાજમાં રહો છો એને દૂધથી વંચિત રાખીને તમે શું મેળવ્યું એ વિચારજો.
Comments
Post a Comment