અવકાશ વિજ્ઞાનને વરેલા આપણા સદ્ગત રાષ્ટ્રપતિ ડોક્ટર કલામે પોતાની આત્મકથામાં અને અન્યત્ર પણ લખ્યું છે- હું ઘણા સાધુ સંતોને મળ્યો છું. પરંતુ પૂજ્ય પ્રમુખ સ્વામીને મળ્યા પછી મને સર્વશક્તિમાન પરમાત્માનો સાક્ષાત્કાર થયો હોય એવી અનુભૂતિ થઇ. યાદ રહે, આધુનિક વિજ્ઞાનને વરેલા એક મહાનુભાવના મનની આ ભાવના છે. વિજ્ઞાનીઓ નક્કર પુરાવા વિના વાત કરતા નથી. ડોક્ટર કલામ જન્મે મુસ્લિમ હોવા છતાં પોતાના કર્મે સો ટકા શ્રદ્ધાળુ વ્યક્તિ હતા. એમના જેવા બહુશ્રુત વિજ્ઞાનીનો અભિપ્રાય આમ આદમી કરતાં વધુ મહત્ત્વનો ગણાય.
બીએેપીએસ સ્વામીનારાયણ સંપ્રદાયના કરોડો અનુયાયીઓ દુનિયાભરમાં હાલ પ્રમુખ સ્વામીની જન્મ શતાબ્દી ઉમળકાભેર ઊજવી રહ્યા છે ત્યારે રાષ્ટ્રપતિ ડોક્ટર કલામની પ્રમુખ સ્વામી સાથેની મુલાકાત યાદ આવી ગઇ. પ્રમુખ સ્વામીને હેતથી સ્વામીબાપા બાપા પણ કહેતા. એમની સાથે એક વિશિષ્ટ સંબોધન પણ કરાતું- પ્રગટ બ્રહ્મસ્વરૂપ. સ્વામીબાપાને રૂબરૂ મળ્યા હોય એવા તમામ લોકો પ્રગટ બ્રહ્મસ્વરૂપનો અંગત અહેસાસ કરી ચૂક્યા હતા. એવા લોકોમાં વિધર્મીશ્રદ્ધાળુઓનો પણ સમાવેશ થયો હતો.
આજે જે વાત કરવી છે એ થોડી જુદી છે. આમ તો સ્વામીબાપાના પ્રત્યક્ષ સંપર્કમાં રહેલા અસંખ્ય સાધુઓએ બાપા વિશે પોતપોતાના અનુભવો વર્ણવ્યા છે અને એવાં લખાણોનાં ડઝનબંધ સંકલન પુ્સ્તક સ્વરૂપે પ્રગટ પણ થયાં છે. વાહનમાંથી અનાજની ગુણો ઊતારનારા સેવક તકલીફમાં હોય ત્યારે બાપા પોતે ગુણ ઊતારવામાં સહાય કરતા, વાસણ માંજવા કે વસ્ત્રો ધોવા, સાફ સફાઇ કરવી વગેરે કામો કરવામાં પણ સંપ્રદાયના સૌથી વડા સાધુ હોવા છતાં બાપા મોખરે રહેતા એવી કેટલીય વાતો આવાં પુસ્તકોમાં વર્ણવાઇ છે. અહીં થોડી જુદી વાત કરવી છે.
બહુ લાંબે ન જઇએ, છેલ્લાં દોઢસો બસો વર્ષની વાત કરીએ તો પોતાના ક્રોધ પર સો ટકા વિજય પ્રાપ્ત કરી લીધો હોય એવા સાધુ-સંતો બહુ ઓછા નોંધાયા છે. વિવિધ આધ્યાત્મિક સંસ્થાઓના વડાઓ પણ એક કરતાં વધુ વખત ગુસ્સે થયા હોવાના દાખલા જોવા મળ્યા છે. ક્રોધ પર કાબુ મેળવવાનો ઉપદેશ આપવો અને જાતે ક્રોધ પર કાબુ પ્રાપ્ત કરવો એ બંને જુદી વાત છે. રાષ્ટ્રપિતા ગાંધીજીએ એક બાળકને વધુ પડતો ગોળ ખાતો અટકાવવા પોતે એક સપ્તાહ ગોળ છોડી જોયો હતો એ ઘટના બહુ જાણીતી છે. સ્વામીબાપાની પણ એવી એક ઘટના વિશેષ યાદ કરવા જેવી છે.
આ ઘટનાની નોંધ દુનિયાભરનાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડિયાએ લીધી હતી એટલે એને વિશેષ ગણાવી રહ્યો છું. યોગાનુયોગે અત્યારે સપ્ટેંબર મહિનો ચાલી રહ્યો છે. હવે યાદ કરો. 2002ના સપ્ટેંબરની 24મી તારીખે ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ સંકુલ પર આતંકવાદી હુમલો થયો હતો. 33 વ્યક્તિનાં મરણ થયાં હતાં અને 80થી વધુ લોકોને ઇજા થઇ હતી. સુરક્ષા દળોએ બે આતંકવાદીને ઠાર કર્યા હતા અને છ આતંકવાદી જીવતાં પકડાયા હતા. યાદ આવ્યું ને ?ગાંધીનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે સ્થપાયેલા અક્ષરધામ પર આતંકવાદી હુમલો થયો ત્યારે સ્વામીબાપાએ જવાબદારોને સજા કરવાનો અણસાર માત્ર આપ્યો હોત તો એ સહજ સ્વાભાવિક ગણાયું હોત.આ એક અત્યંત સંવેદનશીલ ક્ષણ હતી. આવા સમયે નારાજી અને ક્રોધ પર કાબુ રાખવો લગભગ અશક્ય ગણાય. ધાર્યું હોત તો સૌથી વડા ધર્મગુરુ સરકારને કહી શક્યા હોત કે ઊડાવી દો તમામ આતંકવાદીઓને. પરંતુ એવું બન્યું નહીં. પૂજ્ય પ્રમુખ સ્વામીએ મિડિયા સાથે વાત કરતાં કહ્યું કે અમને કોઇ ફરિયાદ નથી. પ્રભુ હુમલાખોરોને સદ્બુદ્ધિ આપે. અમે એમને માફ કરી દીધા છે.
છેલ્લાં પાંચ હજાર વર્ષના ઇતિહાસમાં આવી કોઇ ઘટના તમે વાંચી કે સાંભળી હોય તો કહો. આંખનો પલકારોય માર્યા વિના સ્વામીબાપાએ જિહાદી આતંકવાદીઓને માફ કરી દીધા. ઇસ્લામી જગતના ઝનૂની આતંકવાદીઓને પણ આ ઘટનાની જરૂર નવાઇ લાગી હોવી જોઇએ. કદાચ એ લોકોએ બાપાને કાયર ગણી લીધા હોય તો નવાઇ નહીં. બાપાએ પોતાનો ધર્મ બજાવ્યો. આવો દાખલો બીજો શોધ્યો જડતો નથી. ક્ષમા વીરસ્ય ભૂષણમ્ સૂત્રને સ્વામીબાપાએ પોતાના વાણી-વર્તનથી ચરિતાર્થ કરી બતાવ્યું. સ્વામીબાપાને વિનમ્ર પ્રણામ !
Comments
Post a Comment