‘મને એકવાર સંગીતકાર કલ્યાણજી (આણંદજી) ભાઇએ કહ્યું કે એક ગુજરાતી છોકરી આફ્રિકાથી આવી છે. સારું ગાય છે. તમે સાંભળો એવી મારી ઇચ્છા છે. મેં કલ્યાણજીભાઇને કહ્યું કે તમે સ્વરનિયોજક છો. તમને એમ લાગતું હોય કે સારું ગાય છે તો એને ગવડાવો,’ આ શબ્દો છે સ્વરકિન્નરી લતા મંગેશકરના. નેશનલ એવોર્ડ વિજેતા હિન્દીભાષી લેખક યતીન્દ્ર મિશ્રના ‘લતા- સુરગાથા’ પુસ્તકમાં આ ઘટના વર્ણવાઇ છે. (પૃષ્ઠ 420-404).
વાસ્તવમાં કલ્યાણજી આણંદજી માનવ સ્વભાવની મર્યાદાને બહુ વહેલા ઓળખી શક્યા હતા એેમ કહી શકીએ. લગભગ એકબીજાના પાડોશી કહેવાય એટલા નજીક નજીક રહેતા હોવાથી લતા મંગેશકરના સ્વભાવને અને એના અહંને કલ્યાણજી આણંદજી બરાબર પિછાણી શકેલા. લતા સાથે વાત થયા પછી આ સંગીતકાર બેલડીએ ગુજરાતી ગાયિકા કમલ બારોટને લતાજી સાથે ફિલ્મ મદારી (1959)નું અકેલી મોંહે છોડ ન જાના મેરા દિલ તોડ ન જાના... ગીત ગવડાવ્યું. આ ગીત હિટ નીવડ્યું.
ગાયિકા કમલ બારોટ
--------------------------------------
આ ઘટના મહત્ત્વની છે. એનું કારણ પણ સમજવા જેવું છે. સાઉથના ફિલ્મ સર્જક પ્રકાશ રાવની ફિલ્મ હમરાહી (રાજેન્દ્ર કુમાર, જમુના, શશીકલા)ને યાદ કરો. પોતે નક્કી કરેલા બજેટમાં અને સમયમર્યાદામાં ફિલ્મ પૂરી કરવા કટિબદ્ધ હતા. ફિલ્મના ટાઇટલ ગીત માટે લતાના કંઠે ગવડાવવાની શંકર જયકિસનની ઇચ્છા હતી. પરંત લતા પાસે ડેટ નહોતી. પ્રકાશ રાવે સંગીતકારોને કહ્યું કે લતા પાસે સમય ન હોય તો બીજી કોઇ ગાયિકા પાસે ગવડાવી લો. મારે સમયસર ફિલ્મ પૂરી કરવી છે. સમય બગાડવો નથી. શંકર જયકિસને મુહમ્મદ રફી અને મુબારક બેગમ પાસે ટાઇટલ ગીત ગવડાવી લીઘું. એ ગીત એટલે મુઝ કો અપને ગલે લગા લો અય મેરે હમરાહી... લતાને જાણ થઇ ત્યારે ગુસ્સે થઇ ગઇ. આટલું ઓછું હોય એમ ફિલ્મ સૂરજમાં પતંગિયાં ઊડાડવા તીત્તલી ઊડી ગીતમાં શંકર શારદાને લઇ આવ્યા. લતાનો ગુસ્સો બેવડાઇ ગયો.
છેક 1937-38થી ફિલ્મસંગીતમાં સિતારવાદન કરતા પંડિત જયરામ આચાર્ય જૂનાં ગીતોના કાર્યક્રમો કરતી એક ક્લબના કાર્યક્રમમા અમદાવાદ આવ્યા ત્યારે આ ઘટનાનો ઉલ્લેખ થયો હતો. જયરામ આચાર્યે એક પ્રશ્નના ઉત્તરમાં એવી માહિતી આપી હતી કે હમરાહીના રેકોર્ડિંગ પછી જયકિસને અન્ય એક ગીત માટે લતાજીને ફોન કર્યો ત્યારે લતાએ ગુસ્સો વ્યક્ત કરતાં લખી ન શકાય એવો એર શબ્દ ઉચ્ચારીને કહ્યું વો ... (અનુચિત શબ્દ ) કે પાસ ગવા લો...
પોતે ખરા અર્થમાં નંબર વન ગાયિકા હોવા છતાં કોઇ સંગીતકાર નવી મહિલા કલાકારને લાવે ત્યારે લતાજીને અણગમો પ્રગટતો.
લતાજીના આ સ્વભાવને કલ્યાણજી આણંદજી બહુ વહેલો ઓળખી ગયેલા એટલે કમલ બારોટને તક આપતી વખતે એમણે પહેલાં લતાજીને વિશ્વાસમાં લઇ લીધા હતા. જો કે દર વખતે આવું શક્ય નહોતું બનતું. ફિલ્મ સર્જક કેવલ કશ્યપની ફિલ્મ વિશ્વાસ (જિતેન્દ્ર, અપર્ણા સેન) વખતનો દાખલો ચાદ કરવા જેવો છે.
ગાયક મનહર ઉધાસ-----------------------------
ફિલ્મ વિશ્વાસનું એેક ગીત આપ સે હમ કો બિછડે હુએ એક જમાના બીત ગયા... ગીત મૂકેશજી ગાવાના હતા. એ વિદેશમાં હતા. અન્ય અહેવાલ મુજબ એમની તબિયત સારી નહોતી. જે હો તે, કલ્યાણજી આણંદજીએ આ ગીત ઔર એક ગુજરાતી ગાયક મનહર ઉધાસ પાસે ગવડાવી લીધું. મનહરભાઇને કહેવામાં આવેલું કે આ ગીત મૂકેશજીના કંઠમાં ડબ કરવાનું છે. જો કે મૂકેશજીએ મનહરવાળું વર્ઝન સાંભળ્યા પછી કલ્યાણજી આણંદજીને કહ્યું કે આ યુવકે સરસ રીતે ગાયું છે. તમે એને તક આપો. આમ આપણને મનહર ઉધાસ નામના ગાયકની ભેટ મળી. આ ફિલ્મમાં ચાંદી કી દિવાર ન તોડી પ્યાર ભરા દિલ તો ડ દિયા... ગીત મૂકેશજીએ ગાયું છે.
આવી ઘટના એકલ દોકલ નથી. 1931માં પહેલી ટોકી (બોલતી ફિલ્મ) આલમ આરા આવી ત્યારથી તે છેક આજ સુધીના ફિલ્મ સંગીતની તવારીખ તપાસી જાઓ. કલ્યાણજી આણંદજી એક માત્ર એવી સંગીતકાર બેલડી છે જેણે એકાદ બે નહીં, પૂરા અડધો ડઝન નવા ગાયકો આપ્યા છે. ભલે એવા બધાં ગાયકોને એકસરખી કામિયાબી મળી નથી. દરેકના પુરુષાર્થને પ્રારબ્ધનો સાથ મળ્યો નથી. કમલ બારોટની જ વાત લ્યો. લતા સાથે કમલે ગાયેલા ફિલ્મ પારસમણીનું હંસતા હુઆ નૂરાની ચહેરા.. ગીતે રીતસર વંટોળિયા જેવી ધૂમ મચાવી હતી પરંતુ કમલની સમગ્ર કારકિર્દીમાં એને રોકડા 120 ગીતો ગાવાની તક મળી હતી. આવું પણ બનતું હોય છે. ક્લ્યાણજી આણંદજીએ આપેલાં બીજાં નવોદિત ગાયકોની વાત હવે પછી.
Comments
Post a Comment