વિઘ્નહર્તા ગણેશજીએ વિદાય લીધી અને શ્રાદ્ધ પક્ષ શરૂ થયો. અમદાવાદના એક મંદિરમાં બે મહિલાઓ આપસમાં વાત કરી રહી હતી. એમની વાતનો સાર એટલો કે અમે કાગવાસ તો તૈયાર કરીએ છીએ. પણ કાગડા ખાવા આવતા નથી. કાગડા દેખાતા નથી. વાત તો સાચી, પરંતુ કાગડા દેખાતા નથી એની જવાબદારી કોની ? મારી, તમારી, આપણા સૌની. સલીમ અલી જેવા પક્ષીવિદોએ વરસોના પુરુષાર્થ પછી પ્રગટ કરેલાં પુસ્તકો વાંચો તો ખ્યાલ આવે કે એક સમયે ગુજરાત રાજ્યમાં ચાલીસથી પચાસ જાતિનાં પક્ષીઓ ટહૂકતાં હતાં. અત્યારે તો પરિસ્થિતિ એ્ટલી ખરાબ છે કે યૂરોપના દેશોમાં શિયાળો આવતાં ભારતની ભૂમિ પર આવતાં સુરખાબ જેવા વિદેશી પક્ષીઓને મારીને લોકો એની ઉજાણી કરે છે.
વાત કાગડા પૂરતી રાખીએ. કાળો, કદરૂપો, એક આંખવાળો... જેવો કહો તેવો. પણ કાગડો કુદરતે આપણને આપેલો એક સફાઇ કામદાર છે. ટીબીના પેશન્ટ જેવા બીમાર માણસનો ગળફો ધરતી પર પડે કે તરત કાગડો કામે લાગી જાય. એકાદ શેરીમાં ઉંદર મરી જાય ત્યારે પણ કાગડા કામે લાગે છે. ચેપી ગળફા કે ઉંદર બિલાડી જેવાં નાનકડાં પ્રાણીના મૃતદેહો સાફ કરીને એ માનવ જાતની સેવા બજાવે છે. કોઇ પ્રકારની અપેક્ષા વિના.
કાગડા સત્યનું પ્રતીક છે એવું કેટલાક કવિઓ માને છે. એક ગીતકારે લખેલું- જૂઠ બોલે કૌવા કાટે, કાલે કૌવે સે ડરિયો... કાગડા અસત્યને પકડે છે કે કેમ એની તો ખબર નથી પરંતુ એક વાત નક્કી, એની ચાંચમાં પાણીદાર તલવાર જેવી ધાર હોય છે. ક્યારેક તમને ચાંચ મારી દે તો ઘાને રુઝાતાં સારો એવો સમય લાગે.
લોકકથા મુજબ સીતામાતાના પગના રતુમડા નખને ચાંચ મારવા આવેલા કાગ઼ડાને ભગવાન રામે સજા કરી. એેક સાદું તણખલું અભિમંત્રિત કરીને તીરની જેમ છોડ્યું. કાગડાની એક આંખ ફૂટી ગઇ. ત્યારથી કાગડો કાણો છે. પરંતુ એ સમાજને ઉપયોગી થતો રહ્યો છે. તમે નિરીક્ષણ કર્યું હોય તો પીપળાનાં વૃક્ષનો વિકાસ કાગડાને આભારી હોય છે. પીપળાને રોપી શકાતો નથી. એને પ્રયત્ન દ્વારા ઊગાડી શકાતો નથી. કાગડા એના પર બેસે, કુદરતી હાજત સંતોષે ત્યારબાદ પીપળાને નવાં પાંદડાં આવે છે. આપણે પીપળાને ભગવાન વિષ્ણુનું પ્રતીક ગણીને પૂજીએ છીએ. વાસ્તવમાં પીપળો એક જ એવું વૃક્ષ છે જે ચોવીસ કલાક આપણને પ્રાણવાયુ (ઓક્સિજન) આપે છે. કુદરતની આ કમાલ છે. પીપળો અને કાગડો એક બીજાની સાથે જોડાયેલા છે.
બાય ધ વે, બધા કાગડા ગયા ક્યાં ? એનો જવાબ પણ માણસે આપવાનો છે. સિમેન્ટનાં જંગલો (ગગનચુંબી ટાવર્સ) ઊભાં કરવા માટે લાખો-કરોડો વૃક્ષોનું નિકંદન કાઢી નાખતાં સ્વાર્થી માણસ અચકાતો નથી. પરિણામે છેક કેદારનાથ જેવા પવિત્ર ધામમાં પણ વિનાશકારી પૂર આવ્યાં એ ગઇ કાલની વાત છે. એક વૃક્ષને પૂર્ણપણે વિકસતાં માનવબાળની જેમ વીસથી પચીસ વર્ષ લાગે. સ્વાર્થી બિલ્ડરો ઇલેક્ટ્રીક કરવતથી માત્ર પાંચ મિનિટમાં વૃક્ષને ધરાશાયી કરી નાખે છે. આ એક પાપનાં અનેક માઠાં પરિણામ આવે છે. નદીઓનાં પૂરમાં ધરતીની ફળદ્રુપતા ઘસડાઇ જાય છે, પૂર સામે રક્ષણ મળતું નથી, ઉષ્ણતામાન વધતું જાય છે, પંખીઓના ટહૂકા સંભળાતાં બંધ થાય છે અને કેટલાંક પંખીઓની જાત નષ્ટ થતી જાય છે. ઋતુચક્ર બદલાઇ રહ્યું છે એ લટકામાં. ગરમી અને બફારો અસહ્ય થતાં જાય છે. અવકાશમાં પ્રાણવાયુનું પ્રમાણ ઘટી રહ્યું છે. આ કેટલાક એવા મુદ્દા છે જેન પર ગંભીરપણે વિચાર કરવાની જરૂર છે.
એેક પ્રસ્તાવ મૂકું છું. કાગડા નથી મળતા ? વાંધો નહીં. તમે શ્રાદ્ધના પુણ્યનો લાભ મેળવવા ઉત્સક હો તો કોઇ વૃ્દ્ધાશ્રમમાં જઇને ત્યાં રહેતા વડીલોને મિષ્ટાન્ન ખવડાવી આવો. તમારા પિતૃઓ અચૂક રાજી થશે. આજે કુટુંબો ભાંગી રહ્યાં છે, વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. એકલા અમદાવાદમાં સવા ડઝનથી વધુ વૃદ્ધાશ્રમો છે. એવા કેટલાક વૃદ્ધાશ્રમોની કંગાળ સ્થિતિમાં છે. એવા સ્થળે જઇને થોડા વ઼ડીલોનું મોં મીઠું કરાવો. સર્જનહાર જરૂર રાજી થશે.
Comments
Post a Comment