ઔર એક મલ્ટિસ્ટાર એક્શન ફિલ્મ હત્યારાના સંગીતે ફિલ્મને યારી આપી, ગીતો હિટ થયાં

કહે છે કે માણસ જીવનમાં એકવાર ભૂલ કરે ત્યારબાદ એનો ભૂતકાળ એને સતત પરેશાન કરતો હોય છે. નિર્માતા સુનીલ શર્મા અને નિર્દેશક સુરેન્દ્ર મોહનની ફિલ્મ હત્યારા આ માન્યતા પર આધારિત હતી. દૌલત સિંઘ (અભિનેતા પ્રાણ) અજાણતામાં એક માણસના મોતમાં નિમિત્ત બને છે. એને આજીવન જેલની સજા થાય છે પરંતુ એની સારી ચાલચલગતના પગલે સાત વર્ષ પછી એને મુક્ત કરવામાં આવે છે. એ ઘેર પાછો આવે છે. એનો એક પુત્ર અને એક પુત્રી યુવાન થઇ ગયાં છે. બંનેનાં લગ્નની તૈયારી ચાલે છે ત્યારે પુત્રીની ભાવિ સાસુ દૌલતને પોતાના પતિના હત્યારા તરીકે ઓળખી જાય છે અને લગ્ન ફોક કરે છે. એજ રીતે પુત્રનાં લગ્ન પણ અટકી જાય છે. પછીની વાત કરી દેવાથી ફિલ્મ જોવાની મજા મરી જાય.

મજાની વાત એ છે કે આ ફિલ્મ પણ મલ્ટિસ્ટાર હતી. ડબલ રોલમાં વિનોદ ખન્ના, મૌસમી ચેટરજી, રાકેશ રોશન, પ્રદીપ કુમાર, (મુંબઇના એક વ્યંડળના રોલમાં ) મહેમૂદ, આગવી સંવાદશૈલી ધરાવતા ચરિત્રનટ કન્હૈયાલાલ, અભિભટ્ટાચાર્ય, મનમોહન, રાજ મહેરા અને નિરુપા રોય. મહેમાન ભૂમિકામાં રાજેશ ખન્ના. ફિલ્મની કથામાં વારંવાર ચડાવ-ઉતાર આવતાં હોવાથી વધુ ગીતોને અવકાશ નહોતો. ડાયરેક્ટરના એ વિચાર સાથે સંગીતકાર કલ્યાણજી આણંદજી પણ સંમત હતા એટલે કથાના વેગવાન પ્રવાહમાં અવરોધ ન આવે એ રીતે ચારેક ગીતો ગોઠવ્યાં છે. એમાં એક તો રાખી ગીત છે. વિશ્વેશ્વર શર્મા, વિઠ્ઠલભાઇ પટેલ અને શાહિદ બિજનૌરી એમ ચાર-પાંચ ગીત માટે ત્રણ ગીતકાર છે. એક ગીતમાં તો શાહિદ બિજનૌરીએ પણ કંઠ પૂરાવ્યો છે.

બી. આર. ચોપરાની સુપરહિટ ફિલ્મના ટાઇટલ ગીત (વક્ત સે દિન ઔર રાત) જેવા ફિલસૂફીભર્યા શબ્દો ધરાવતું પહેલું ગીત વિશ્વેશ્વર શર્માની રચના છે. જિંદગી નામ હૈ વક્ત કી માર કા, એક દિન જીત કા એક દિન હાર કા, રાહ સચ્ચાઇ કી મુશ્કિલોં સે ભરી, પર ન સાહસ રૂકા ઔર ન હિંમત ડરી... મુહમ્મદ રફીએ આ ગીતને ભાવવાહી રીતે રજૂ કર્યું છે. પ્રાણ જેલમાં કેદીઓને ભોજન પીરસે છે અને એની પત્ની બે બાળકો સાથે ઠેર ઠેર ભટકે છે એવા બેકગ્રાઉન્ડમાં આ ગીત ટાઇટલ્સ સાથે રજૂ થાય છે.

વિઠ્ઠલભાઇ પટેલની રચના સોને કા ચબૂતરા, ઉસ પે નાચે મોર, મૈં ક્યોં ના નાચું રે પી સંગ બંધી પ્રીત કી ડોર... કિશોર કુમાર અને લતા મંગેશકરના કંઠમાં છે. પરદા પર વિનોદ ખન્ના અને મૌસમી પર આ ગીત રજૂ થયું છે. કવ્વાલીની જેમ ઠીક ઠીક ફાસ્ટ કહેરવામાં તાળીના તાલે ગીતનો ઉપાડ થાય છે. પરદા પર સરસ ડાન્સ સાથે આ ગીત રાગ પહાડીના આધારે જબરી જમાવટ કરે છે. વિનોદ ખન્નાએ પણ ડાન્સ ડાયરેક્ટરને સંતોષ થાય એ રીતે લયબદ્ધ સ્ટેપ્સ રજૂ કર્યા છે. ગીત આહ્લાદક બન્યું છે

શાહિદ બિજનૌરીની રચના હમારા કામ હૈ હમ તો સરે બાઝાર નાચેંગે, નચાયેગી હમેં દુનિયા સારી તો હમ સૌ બાર નાચેંગે... પરદા પર મહેમૂદ, શાહિદ બિજનૌરી અને જ્હોની જુનિયર પર ફિલ્માવાયું છે. ગીતમાં કંઠ પણ આ ત્રણેનો છે. મહેમૂદ મુંબઇના વ્યંડળના રોલમાં છે એટલે આપોઆપ સમજાઇ જાય છે કે આ ગીત પરદા પર વ્યંડળ ગીત તરીકે રજૂ થયું છે. ડાકુ-બહારવટિયાના અડ્ડામાં રજૂ થતા આ ગીતમાં રાગ ખમાજનો આધાર લીધો છે અને ગીત ચૌદ માત્રાના દીપચંદી તેમજ આઠ માત્રાના કહેરવા તાલમાં જબરી જમાવટ કરે છે. ગીત ઉપડે દીપચંદીમાં અને વચ્ચે વચ્ચે ફાસ્ટ કહેરવામાં ડાન્સના સ્ટેપ સાથે આગળ ચાલે. વ્યંડળ ગીતની અસલી અસર જમાવવા એક્કે ધંધાદારી પાર્શ્વગાયકનો કંઠ અહીં લીધો નથી.

વિશ્વેશ્વર શર્માની એક રચના કોઠાની બાઇજીના મનોભાવને રજૂ કરે છે. સ્વાભાવિક રીતેજ આ ગીત આશા ભોંસલેના કંઠમાં છે. ગીતનો ઉપાડ સાખીની જેમ થાય છે. મુખડું કંઇક આ પ્રકારનું છે ઓ મેરે નૂર કે ચર્ચે દૂર દૂર... સાખીનો ઉપાડ આ રીતે થાય છે-  હો બૈઠે બૈઠે એક દિન ખુદા કો ઐસા ચડા સુરુર, કે આજ મૈં બનાતા હું હૂરોં કી હૂર કો, ફિર ફૂલોં સે મહક, તારોં સે ચમક, મૌસમ સે મસ્તી, લિયે બિજલી સે દમક... બાંકેલાલ (અભિનેતા મનમોહન) અને બીજા ઇશ્કી યુવાનો વચ્ચે કોઠામાં લક્ષ્મી છાયા પર આ ગીત ફિલ્માવાયું છે. ડાંગ જેવી લાઠીવાળા લઠ્ઠાઓ ચારેબાજુ ચોકી કરે છે એવું દ્રશ્ય છે. ભૈરવીનો આધાર લઇને મુજરો શોભે એવા કહેરવા તાલમાં ગીત રજૂ થયું છે.

છેલ્લું ગીત રાખી લે લો જી લે લો.. સાવ ટચૂકડું ગીત છે અને પરદા પર જોવાની મજા છે. એક્શન ડ્રામા જોનરની આ ફિલ્મ હિટ નીવડી હતી અને ફિલ્મે રજત જયંતી ઊજવી હતી.

Comments