ચાલુ મેરા નામ જેવી એક્શન મસાલા ફિલ્મનાં ચારે ગીતો હિટ થયાં, સિલ્વર જ્યુબિલી થઇ


ક્યારેક આપણને નવાઇ લાગે કે એક તરફ એંગ્રી યંગ મેન અમિતાભ બચ્ચ્નની મેગા હિટ ફિલ્મોનું સંગીત કલ્યાણજી આણંદજી આપી રહ્યા હતા ત્યારે બીજી બાજુ આ બંને ભાઇઓ પૂરેપૂરા પ્રોફેશનલ રહ્યા હતા. પથ્થર ઔર પાયલ, કસમ ખૂન કી, ચોરી મેરા કામ અને હવે ચાલુ મેરા નામ જેવી ફિલ્મોના સર્જકોને પણ નારાજ કરતા નહોતા. ધાર્યું હોત તો આવી કહેવાતી બી-સી ગ્રેડની ફિલ્મોના સંગીતની ઓફર્સ ટાળી શક્યા હોત. પરંતુ અહીં જ બંને ભાઇઓની વ્યાપારી વૃત્તિનો પરિચય મળે છે. આને કહેવાય ઓછે નફે બહોળો વેપાર. 1977માં કૃષ્ણ નાયડુ નામના નિર્દેશકની ફિલ્મ ચાલુ મેરા નામ માટે કલ્યાણજી આણંદજીએ સંગીત પીરસ્યું અને ખરા અર્થમાં બી ગ્રેડના કલાકારો હતા છતાં ફિલ્મે સિલ્વર જ્યુબિલી ઊજવી. કેવી હતી સ્ટાર કાસ્ટ આ ફિલ્મની ? વાંચો.

વિનોદ મહેરા ડબલ રોલમાં, વિદ્યા સિંહા ટ્રિપલ રોલમાં, મહેન્દ્ર સંધુ ડબલ રોલમાં. આ ઉપરાંત મદન પુરી, અનવર હુસૈન, મારુતિ, જગદીશ રાજ, પ્રકાશ થાપા, રાધેશ્યામ, નાઝનીન, હેલન અને ચંદ્રશેખર. આજે ખરેખર નવાઇ લાગે કે આ ફિલ્મે શી રીતે સિલ્વર જ્યુબિલી ઊજવી હશે. ખેર આપણને એના ગીત સંગીત સાથે સંબંધ છે.

ફિલ્મમાં ચાર ગીતો હતાં અને ચારેચાર વર્મા મલિકની રચના હતી. આશા ભોંસલે અને મુહમ્મદ રફીએ ગાયેલા એક ખાસ્સા લાંબા ગીતથી ઉપાડ થાય છે. ધૂમ્રપાનનો શોખીન કોઇ સિનેરસિક આરામથી આખી સિગારેટ પીને આવી શકે એટલું લાંબું આ ગીત છે. નાયક-નાયિકા વચ્ચે થતી છેડછાડનું ગીત છે. અય રુક, અય રુક, અરે જા જા, અરે રુક રુક રક મેરી રાની, મેરી રાની ઓ દિવાની... મુખડું ધરાવતા આ ગીતમાં બંને મુખ્ય કલાકારોએ આવડ્યા એવા ઠેકડા માર્યા છે. વિનોદ મહેરા કે વિદ્યા સિંહાને સારાં ડાન્સર કહી શકાય એવું તો હતું નહીં.  પેલી વારેવારે હીરોને ધરાશાયી કરીને એની પીઠ પર હળવી મુક્કી મારીને કહેરવાનો ઠેકો આપે છે.  

ગુલઝાર કે જાવેદ અખ્તર જેવા ભલભલા કવિઓ-ગીતકારો સ્તબ્ધ થઇ જાય એવી એક રચના અહીં વર્મા મલિકે આપી છે. વાંચો મુખડું- ઇસ રંગભરી મહફિલ મેં ઇક ચીજ ચુરાને આયે હૈં, કિસી કે દિલ કી બસ્તી મેં, હમ આગ લગાને આયે હૈં, ખુશીયોં કે દીપ જલાને આયે હૈં.... આગ લગાડીને હરખના દીવા પ્રગટાવવાની હિંમત તો વર્મા મલિક જ કરી શકે. જો કે ગીતનાં તર્જ અને લય બંને આકર્ષક છે. એમાંય કિશોર કુમાર અને આશા ભોંસલેએ ગીતની સરસ જમાવટ કરી છે. 

એક રચના સરસ બંદગી કે ઇબાદત જેવી છે. મહેન્દ્ર કપૂર અને કિશોર કુમારના કંઠે રજૂ થતું આ ગીત યા રબ તૂ કાર સાઝ હૈ, પરવરદિગાર હૈ, અરે દુનિયા મેં તેરે નામ સે બાગોં બહાર હૈ, તૂ રામ, તૂ રહીમ, તૂ બંદાનવાઝ હૈ, અરે તેરે હી આસરે હમારા રોજગાર હૈ... અરબી શૈલીની ભૈરવીમાં લચકદાર કહેરવામાં આ ગીત સાંભળનારને ડોલાવી દે એવું બન્યું છે. 

છેલ્લું ગીત પણ કિશોર કુમારના કંઠમાં છે. તૂ માન યા ના માન... કવ્વાલી જેવા કહેરવાના ઠેકામાં ડાન્સ સોંગ ટાઇપની તર્જ ધરાવે છે. આમેય કલ્યાણજી આણંદજીના સંગીતમાં કિશોર કુમારે ઘણા નટખટ ગીતો આપ્યાં છે. આ ગીત પણ એવું જ રમતિયાળ છે. જો કે પરદા પર કરી હશે એટલીજ જમાવટ ઓડિયોમાં ગીત સાંભળતાં પણ અનુભવાય છે. એ સંગીતકારોની ખૂબી ગણાય.

1977માં રજૂ થયેલી આ ફિલ્મે સંગીતના જોરે સિલ્વર જ્યુબિલી ઊજવી હશે એમ કહેવામાં અતિશયોક્તિ હોય તો એ સત્યની અતિશયોક્તિ ગણવી પડે. વાંકદેખા સમીક્ષકો કે વિઘ્ન સંતોષીઓ જેને બી કે સી ગ્રેડની ગણાવે એવી વધુ એકાદ બે ફિલ્મોની વાત કર્યા પછી આપણે ટ્રેક બદલીશું.

Comments