અર્જુન હિંગોરાનીની ધમાલ એક્શન ફિલ્મ કાતિલોં કે કાતિલના સંગીતે 1981માં રીતતસર ધૂમ મચાવી

 


  કહાની કિસ્મત કી પછી ધર્મેન્દ્ર અને ફિલ્મ સર્જક અર્જુન હિંગોરાની ફરી એકવાર ફિલ્મ કાતિલોં કે કાતિલમાં ભેગા થયા. આ ફિલ્મ જબરદસ્ત એક્શન ડ્રામા ફિલ્મ હતી અને ઠીક ઠીક સોંઘવારી ગણાય એવા સમયે 1981માં ફિલ્મે આઠ કરોડ રૂપિયાનો બિઝનેસ કરેલો. આ ફિલ્મની કેટલીક વિશેષતા હતી. અંગ્રેજીમાં ગિમિક્સ કહેવાય એવા પ્રયોગો હતા. દાખલા તરીકે એન્ટર ધ ડ્રેગન ફિલ્મના કૂંગ ફૂ કરાટે એક્સપર્ટ એવા બ્રુસ લી જેવો ચહેરો મહોરો ધરાવતા એક બ્રુસ લે નામના કલાકારને અહીં લીધો છે. એ જ રીતે હોલિવૂડની હિટ ફિલ્મ પ્લેનેટ ઓફ ધ એપ્સના જનલર ઉર્સુસના ચહેરાને મળતો આવતો ચહેરો ધરાવતું એક પાત્ર રીચા પણ ઉમેર્યું છે. ઓલ્ફ્રેડ હિચકોક અને આપણા સુભાષ ઘાઇની જેમ ખુદ અર્જુન હિંગોરાની એકાદ બે વાર પરદા પર દેખાય છે.

વાર્તાનો સાર માત્ર એટલો હતો કે એક શ્રીમંત વિધવા મહિલા પોતાના ગુમાયેલા પુત્રોને  કરીને અજિત (ધર્મેન્દ્ર ડબલ રોલમાં ) અને મુન્ના (રિશિ કપૂર)ને પોતાને ઘેર લઇ આવે છે. વાસ્તવમાં આ બંને ચલતા પૂર્જા છે અને એમનો ઉદ્દેશ જુદો છે. આ ફિલ્મ પણ મલ્ટિસ્ટાર કહેવાય એવી હતી. ડબલ રોલમાં ધર્મેન્દ્ર, રિશિ કપૂર, ઝીનત અમાન, ટીના મુનીમ, નિરુપા રોય, ડબલ રોલમાં શક્તિ કપૂર, અમજદ ખાન, મનોરમા, શિવરાજ અને હીરાલાલ.

ફિલ્મનાં બધાં ગીતો રાજેન્દ્ર કૃ્ષ્ણનાં હતાં અને હિટ નીવડેલું સંગીત કલ્યાણજી આણંદજીનું હતું. મુહમ્મદ રફીના બુલંદ મધુર કંઠે એક સરસ ગીત છ માત્રાના દાદરા તાલમાં અને સદા સુહાગિન રાગિણી ભૈરવીમાં છે. એનો ઉપાડ આ રીતે થાય છે. ઠગતે દેખેં હૈં લાખો કરોડો પંડિત હજારોં સયાને, જો ખૂબ સોચ સમજ મેં  આયા ખુદા કી બાતેં ખુદા હી જાને... ગીતનો તકિયા કલામ કહીએ એ આ છે- યે તો અલ્લાહ કો ખબર, યે તો મૌલા હી જાને... ખુદ અર્જુન હિંગોરાની હાથમાં ચિપિયો અને એલ્યુમિનિયમના કડા પહેરીને ફકીર વેશે આ ગીત લલકારે છે. અરબી શૈલીની તર્જ છે અને વચ્ચે વચ્ચે ઔધ અને બેન્જો જેવાં અરબી વાદ્યો પણ સરસ રીતે ગૂંજે છે.

રિશિ કપૂર અને ટીના મુનીમ પર ફિલ્માવાયેલું એક રોમાન્ટિક ગીત લતા અને રફીના કંઠમાં છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ ગીત પણ ભૈરવી પર આધારિત છે. અહીં આઠ માત્રાનો કહેરવા તાલ અજમાવાયો છે. આ ગીત ફિલ્મમાં બે વાર રજૂ થાય છે. મુખડું છે અય મેરી ચોરની અય મેરી મોરની મૈં તો હો ચૂકા તુમ્હારા... હો ગયા પ્યાર પ્યાર પ્યાર.. યે તો અલ્લાહ કો ખબર ગીત કરતાં આ ભૈરવી તર્જ તદ્દન અનોખી અદા ધરાવે છે.  

ઔર એક ગીત રિશિ કપૂર અને ટીના મુનીમ પર ફિલ્માવાયું છે. એનો ઉપાડ થોડા વિચિત્ર શબ્દોથી થાય છે. યક બ યક (અચાનક કે આકસ્મિક જેવા અર્થમાં ?) કોઇ કહીં મિલ જાતા હૈ, દિલ સે મિલ મિલ કે દિલ ખીલ જાતા હૈ યક બ યક... પાશ્ચાત્ય શૈલીના દાદરા (વોલ્ટ્સ કે બ્લુઝ ? ) તાલમાં આ ગીત ક્લબ સોંગ તરીકે ગજબની જમાવટ કરે છે. જો કે રિશિ કપૂરના ડાન્સ સામે ટીના ઝાંખી પડી જાય છે જે સ્વાભાવિક છે. રિશિ એના પિતા અને કાકા (શમ્મી કપૂર)ની જેમ અચ્છો ડાન્સર હતો.

હેમલતા અને અનવરે ગાયેલું મૈં વો ચંદા નહીં જિસે બાદલ છૂપા લે, મૈં લો બાદલ નહીં જિસે આંધી ઊડા લે...  મુઘલ પોષાકમાં સજ્જ ધર્મેન્દ્ર અને ઝીનત અમાન પર આ ગીત કવ્વાલી તરીકે ફિલ્માવાયું છે. ફાસ્ટ કહેરવામાં તાળીના તાલે રાગ મિશ્ર પીલુનો આધાર લઇને બનાવાયેલી આ કવ્વાલી પરદા પર અને ઓડિયો કેસેટ સીડીમાં માણવામાં અનેરો આનંદ આવે એવાં તર્જ-લય છે.

સરે બાઝાર કરેંગે પ્યાર, ના કોઇ પરદા ના દિવાર, દુનિયા માનેગી માનેગી, મુહબ્બત ઐસે હોતી હૈ... ધર્મેન્દ્ર અને ઝીનત પર ફિલ્માવાયેલું આ પ્રણય ગીત આશા ભોંસલે અને કિશોર કુમારના કંઠે રજૂ થયું છે. ચકડોળ અને બીજી રાઇડ્સ સાથેના લોકમેળામાં આ ગીત રજૂ થાય છે. રમતિયાળ અને નટખટ ફિલ્માંકન છે. લેડિઝ બાથરૂમમાં ધરમ અને જેન્ટ્સ બાથરૂમમાં ઝીનત જાય છે. એ જોઇને બાથરૂમનો રખેવાળ ચકરાઇ જાય ત્યારે લેડિઝના વેશમાં ધરમ અને જેન્ટના વેશમાં ઝીનત બહાર આવે છે. રખેવાળ વધુ ચકરાઇ જાય છે. તર્જ-લય બંને આકર્ષક બન્યાં છે.

છેલ્લું ગીત જેને ખરેખર તો ટાઇટલ ગીત કહેવાય એ કાતિલોં કે કાતિલ મહેન્દ્ર કપૂર અને પ્રસિદ્ધ કવ્વાલ અઝીઝ નાઝાંના કંઠમાં છે. અઝીઝના કસાયેલ કંઠ સામે પોતે ઝાંખો ન દેખાય એ માટે મહેન્દ્ર કપૂરે પણ સારી તાકાત કામે લગાડી છે. ચારે ચાર મુખ્ય કલાકારો પર ફિલ્માવાયેલા આ ગીતમાંપણ કલાકારો ધંધાદારી કવ્વાલ જેવા ગેટપમાં રજૂ થયાં છે. મુખડું છે- કત્લ કરતે હુએ કાતિલ ને ના સોચા હોગા, ઉસ કો ભી મારનેવાલા કોઇ પૈદા હોગા, કાતિલોં કે કાતિલ આહા... આ ગીતની તર્જ પણ અરબી શૈલીની છે અને સાંભળનારને ગીતની સાથે તાળીનો તાલ આપવા પ્રેરે એવી છે.

આ ફિલ્મ બધી રીતે હિટ નીવડી હતી અને સંગીત ખૂબ ગાજ્યું હતું. એક્શન અને ક્રાઇમ આધારિત ફિલ્મોમાં પણ હિટ સંગીત પીરસીને રજત જયંતી ઊજવનારી કલ્યાણજી આણંદજીની ફિલ્મોની વાત અહીં પૂરી કરીએ. આવતા સપ્તાહે આપણી વાતનો ટ્રેક બદલાશે. બહુ સરસ વાત કરવાની છે.

Comments