એક પુરુષ અને એક સ્ત્રી- બે રીઢા ચોર ચોરી કરવાની કલા નામના પુસ્તકની હસ્તપ્રત ચોરીને લઇ જાય છે અને એક પ્રકાશકને અષ્ટંપષ્ટં સમજાવીને છાપવા માટે આપે છે. પુસ્તક પ્રગટ થાય છે અને બેસ્ટ સેલર નીવડે છે. એ પછી આ બંનેની મુશ્કેલીઓ શરૂ થાય છે. પુરુષ ચોર છે ભોલા (શશી કપૂર) અને સ્ત્રી ચોર છે શર્મિલી (ઝીનત અમાન). આ બે ઉપરાંત ફિલ્મમાં ધુરંધર કલાકારો હતા- અશોક કુમાર, પ્રાણ, ઇફ્તેખાર, ડેવિડ, દેવેન વર્મા ( આ ફિલ્મ માટે એને પહેલો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો), રઝા મુરાદ, અનવર હુસૈન, અનુપ કુમાર... આમ આ એક મલ્ટિસ્ટાર ફિલ્મ કહેવાય.
સૌથી રસપ્રદ વિગત એ કે એક તરફ શોલે અને બીજી તરફ જય સંતોષી માતા જેવી સુપરહિટ નીવડેલી ફિલ્મો વચ્ચે આ ફિલ્મે 1975માં સૌથી વધુ કમાણી કરી હતી. આ ફિલ્મમાં પણ કથાના વેગવાન પ્રવાહમાં ખલેલ ન પહોંચે એ માટે ફક્ત ચાર ગીતો રાખ્યાં હતાં. ચારે ગીતો વર્મા મલિકનાં હતાં. ફિલ્મની કોમેડી કથા અને પ્રસંગોને અનુરૂપ સંગીત કલ્યાણજી આણંદજીએ પીરસ્યું હતું અને ફિલ્મે રજત જયંતી ઊજવી હતી. આવો આ ગીતોનો આસ્વાદ માણીએ.
આશા ભોંસલે અને કિશોર કુમારે (પરદા પર ઝીનત અને શશી કપૂરે) ગાયેલું મોજમસ્તી ભરેલું ટાઇટલ ગીત એટલે ચોરી મેરા કામ યારોં ચોરી મેરા કામ, કૌન યહાં પર ચોર નહીં હૈ, સબ કા હૈ યહી કામ, વો કરતે હૈં ચોરી ચોરી, કરું મૈં ખુલેઆમ.... ભૈરવી રાગિણીનો આધાર લઇને નટખટ તર્જ બનાવવામાં આવી છે અને ખટકદાર કહેરવા તાલમાં ગીત સરસ જમાવટ કરે છે. સમાજના વિવિધ વર્ગના લોકો કેવી રીતે કુનેહપૂર્વક ચોરી કરે છે એ રમૂજી રીતે પરદા પર રજૂ થયું છે.
હીરો હીરોઇન વચ્ચેના રીસામણાં મનામણાં ટાઇપનું એક ગીત આ પ્રકારનું છે. અરે કાહે કો કાહે કો મેરે પીછે પડી હૈ, જહાં જહાં મૈ જાઉં, તૂ વહાં ખડી હૈ, તેરી સમજ ગયા મૈં ચલાખી, તૂ લડકી હૈ બડી લડાકી, કભી યે અદાએં પીઘલાતી હૈ, કભી તુ મુઝ સે ટકરાતી હૈ... કિશોર કુમાર અને આશા ભોંસલેએ ગાયેલા આ ગીતનું ફિલ્માંકન માણવા જેવું છે. કોણ લોકમેળામાં, ચોપાટી જેવા સી બીચ પર- આમ જ્યાં હાથ કી સફાઇ કરવા મળે એવાં લોકેશન પર આ ગીતનું ફિલ્માંકન કરાયું છે. રાગ પહાડીના આધાર પર રચાયેલું આ ગીત પણ ફાસ્ટ કહેરવા તાલમાં છે.
મૈં કચ્ચે અંગૂર કી બેલ, આયી કરને દિલોં કા મેલ, મેરા પ્યાર હૈ આવારા, ઉસ કે સિને સે લગ જાઉં જો દે મુઝે સહારા... મુખડું ધરાવતું ગીત, કંચન, અમિત કુમાર અને કિશોર કુમારના કંઠમાં છે. જો કે પરદા પર ફિલ્મ ધર્મા અને વિક્ટોરિયા નંબર 203 જેવા રોલમાં રમૂજી અશોક કુમાર સાથે દાઢીમૂછ અને વીગ પહેરેલો શશી કપૂર ઝીનત સાથે રજૂ થયા છે. ક્લબ હાઉસ જેવી તર્જ ધરાવતા આ ગીતમાં ધમાચકડી જોવા મળે છે.
છેલ્લું ગીત મેરી નજર સે બચા ન કોઇ, કૈસે તૂ બચ પાયેગા, મુઝ કો ધોકા દેનેવાલે , આજ તૂ ધોકા ખાયેગા... ફિલ્મના પરાકાષ્ઠાનાં દ્રશ્યોમાં લેવાયું હોય એવી છાપ પડે છે. શ્વેત સૂટમાં સજ્જ વિલન અનવર હુસૈન, હથિયારોથી સજ્જ એના સાથીદારો, દાઢીમૂછ અને વીગમાં સજ્જ અશોક કુમાર અને શશી કપૂર, ફિલ્મમાં ઇન્સપેક્ટરનો રોલ કરતા પ્રાણ પણ વીગ અને દાઢીમૂછમાં સજ્જ છે. આ ગીત પ્રાણ પર ફિલ્માવાયું છે અને વિલનને પડકાર ફેંકવામાં આવતો હોય એવી જુસ્સાદાર તર્જ સાથે ફાસ્ટ કહેરવામાં કિશોર કુમારે ગાયું છે.અગાઉ કહ્યું એમ શોલે અને જય સંતોષી માતા જેવી સુપરડુપર હિટ નીવડેલી ફિલ્મો વચ્ચે પણ આ ફિલ્મે સહેલાઇથી રજત જયંતી ઊજવી હતી અને 1975ના વર્ષમાં સૌથી વધુ કમાણી કરી હતી. આ ફિલ્મ 1975ના મેની બીજીએ રજૂ થઇ જ્યારે શોલે અને જય સંતોષી મા એ જ વર્ષના ઓગસ્ટની 15મીએ રજૂ થઇ હતી. ફિલ્મની સફળતાનો યશ સંગીતકારોને પણ યોગ્ય રીતે મળ્યો હતો.
Comments
Post a Comment