વિમેન ટ્રાફિકિંગ, રેપ, સજ્જનતાનો અંચળો, ભાઇ-બહેનનો પ્રેમ -આવી મસાલા ફિલ્મનું સંગીત પણ હિટ


વી. શાંતારામની ગીત ગાયા પથ્થરોંને ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરનારા પ્રસન્ન કપૂર અર્થાત્ જિતેન્દ્રે દસ બાર વર્ષમાં સારું કાઠું કાઢી લીધું હતું. અભિનયમાં નબળો હોવા છતાં ડાયરેક્ટરનો પડ્યો બોલ ઝીલતા આ કલાકારની સંખ્યાબંધ ફિલ્મો હિટ નીવડેલી. 1974-75માં એણે આર કે નારાયણની એક વાર્તા પરથી ફિલ્મ બનાવી. એક મનોરંજક ફિલ્મનો બધો મસાલો આ વાર્તામાં હતો.

સમાજમાં ઊજળો થઇને ફરતા પરંતુ વાસ્તવમાં વિમેન ટ્રાફિકિંગમાં રાચત શેઠ દ્વારકા પ્રસાદ (ઓમ શિવપુરી), એની સતી જેવી પત્ની શાંતિ (નિરુપા રોય), નઠારો જણ પ્રેમ (પ્રેમ ચોપરા), હત્યાના ખોટા કેસમાં સંડોવાઇને મોતની સજા જાહેર થઇ છે એવો પોલીસ ઇન્સપેક્ટર વિકાસ (વિકાસ આનંદ), શેઠની પત્ની શાંતિ જે બે બાળકોને લઇને ઘર ત્યજી ગઇ છે એમાંનું એક એટલેમુશ્કેલીમાં હોય એવા કોઇ પણને મદદ કરવા તત્પર યુવાન કિસન (જિતેન્દ્ર), એની બહેન ગંગા (ફરીદા જલાલ),  કથાનાયક કિસનની પ્રિયતમા રાધા (સુલક્ષણા પંડિત) ...

આ ફિલ્મમાં પણ વિલનોની ભરમાર હતી. પ્રેમ ચોપરા, મદન પુરી, શક્તિ કપૂર, રૂપેશ કુમાર, સુજીત કુમાર... જિતેન્દ્રે ફિલ્મને કોઇ પણ ભોગે હિટ કરવા ઠાંસી ઠાંસીને કલાકારો ભર્યા હતા અને ફિલ્મને એક્શન ભરપુર બનાવી હતી. ગીતોની વાત કરીએ તો એક સિવાયનાં બધાં ગીતો વર્મા મલિકનાં હતાં. એક ગીત અંજાનનું હતું. સંગીતકાર તરીકે કલ્યાણજી આણંદજીએ ભરપુર એક્શન વચ્ચે પણ કથાને અનુરૂપ હિટ સંગીત પીરસ્યું હતું અને ફિલ્મે રજત જયંતી ઊજવી હતી.

ભાઇ-બહેનના પ્રેમને વ્યક્ત કરતા ગીતનો ઉપાડ કેટલેક અંશે જોડકણા જેવો છે. ઓ મેરી મૈના જૈસી બહના, નૈનોં સે દૂર ના રહના, ચાહે સારી દુનિયા રૂઠે, પ્યાર તેકા કભી રૂઠે ના... ઉત્તર ભારતના લોકસંગીત પર આધારિત આ ગીતની તર્જ કરતાં એનો લય વધુ અસરકારક છે. કિશોર કુમારે પોતાની આગવી સ્ટાઇલથી ગાયું છે. કહેરવા તાલનું વજન સાંભળનારને પગથી ઠેકો આપવા પ્રેરે એવું છે. ફિલ્મમાં કથાનાયકની બહેન ગંગા (ફરીદા જલાલ) આપઘાત કરે છે એ પ્રસંગે આ ગીત રિપિટ થાય છે. 

અંજાને રચેલું ગીત પણ કેટલેક અંશે શબ્દોના સાથિયા જેવું છે. સાંભળો- મૈં પીતલ કી પાયલિયા ભી જો પહનું જો પાંવ મેં, સોને કા ભાવ ગીર જાયે... લો બોલો ! આ ગીત પણ કહરવા તાલમાં છે. જો કે પહેલા ગીત કરતાં વજનમાં ફરક છે. લતાએ ગાયેલા આ ગીતની તર્જ જૂની ને જાણીતી ભૈરવી રાગિણી પર આધારિત છે.

કંચન, સુલક્ષણા પંડિત અને મુહમ્મદ રફીએ ગાયેલું વર્મા મલિકનું ગીત અરે આજ લૂટા દો જાન લૂટા દો જાન લૂટા દો જાન કે મહેમાન આયે હૈ...  પંજાબી લોકસંગીત જેવું આ એક સરસ ડાન્સ ગીત છે. તર્જમાં એક પ્રકારનો જુસ્સો અને આહ્વાન છે.

લતા મંગેશકરે ગાયેલું એક ગીત લાજ શરમકા છોડ કે પહરા આયી હું તેરે પ્યાર મેં, અપની ગલિયાં છોડ કે દેખો આ બૈઠી બાઝાર મેં... પરદા પર સારી અસર ઉપજાવે છે, ફિલ્મની કથાને આગળ ધપાવવા મૂક્યું હોય એવી છાપ પડે છે. 

આમ આદમી પર જુલમ કરતા કહેવાતા સમાજ સેવક પર કટાક્ષ કરતું ગીત મહેન્દ્ર કપૂર અને કિશોરકુમારના કંઠમાં છે- અરે જનતા પે જો જુલ્મ કરે વો ચૈન કભી નહીં પાતા હૈ, અરે કહાં સે પાયેગા, કટ જાયેગા, મર જાયેગા, લૂટ જાયેગા, ઔરોં કે લિયે જો ખોદે ખડ્ડા, વો ખુદ ઉસ મેં ગીર જાતા હૈ... આ ગીતમાં પાછળથી કોરસ જોડાતુ્ં હોય એવી ઇફેક્ટ સર્જવામાં સંગીતકારોને સફલતા મળી છે. નટખટ ડાન્સ ગીત છે જે પરદા પર અને ઓડિયો કેસેટ-સીડી બંનેમાં સાંભળવાની મોજ પડે એવું છે. 

એક તરફ એંગ્રી યંગ મેન અમિતાભ બચ્ચનની ફિલ્મો ધૂમ મચાવતી હતી ત્યારે પણ આ ફિલ્મે આસાનીથી રજત જયંતી ઊજવી હતી.


Comments