ફિલ્મ સમીક્ષકો જેને બી કે સી ગ્રેડની ફિલ્મો ગણાવતા હોય છે એવી કેટલીક ફિલ્મો ધાર્યા કરતાં વધુ સફળ નીવડે છે. દરેક ગીતકાર-સંગીતકારની કારકિર્દીમાં આવી ફિલ્મની ઓફર આવે છે. ક્યારેક મિત્રતાને દાવે કોઇ ફિલ્મ સર્જક આવી ફિલ્મમાં સંગીત પીરસવાનો આગ્રહ કરે છે તો ક્યારેક નવા ફિલ્મ સર્જક વીનવણી કરીને ટોચના સંગીતકાર પાસે પોતાનું કામ કઢાવી લેતા હોય છે. હરમેશ મલ્હોત્રાની ક્રાઇમ કમ એક્શન ફિલ્મ પથ્થર ઔર પાયલનો કિસ્સો આ પ્રકારનો ગણી શકીએ. આ ફિલ્મને મલ્ટિસ્ટાર કહી શકીએ. ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, હેમા માલિની, અજિત, ઇફ્તેખાર, ડી કે સપ્રુ જેવી સ્ટારકાસ્ટ હતી.
બાળપણમાં કપરા સંજોગો વેઠવા પડ્યા હોવાથી બહારવટે ચડેલા રણજિત સિંઘ (ધર્મેન્દ્ર ) અને એના મોટાભાઇ અજિત સિંઘ (અજિત) ખુંખાર ડાકુ બન્યા છે. એમના નામ માત્રથી લોકો ફફડે છે એવી એમની ધાક છે. પરંતુ એકવાર રણજિત સપના (હેમા માલિની)ના સંપર્કમાં આવે છે. હેમાના સહવાસથી રણજિતનું વિચાર પરિવર્તન થાય છે. એ ડાકુગીરી છોડીને સપના સાથે શહેરમાં આવી જાય છે. નાનાભાઇનું આ પરિવર્તન અજિત સિંઘને સ્વીકાર્ય નથી. એ પોતાના જમણા હાથ જેવા સૂરજભાણ (વિનોદ ખન્ના)ને શહેરમાં મોકલીને સપનાનું અપહરણ કરાવે છે. પરિણામે રણજિત સિંઘ વિફરે છે. પછી ઢિશૂમ ઢિશૂમ... તમે કલ્પી શકો છો. સુખદ અંત લાવવા દુષ્ટોને સજા આપવી પડે.
આવી ઓડિયન્સને જકડી રાખતી કથા હોવાથી ડાયરેક્ટરે એક વ્યવહારુ નિર્ણય કર્યો છે. કથા પ્રવાહમાં ગીતો અવરોધ રૂપ ન બને એટલા માટે માત્ર ચાર ગીતો રાખ્યાં છે. ચારમાં બે ગીતો ઇન્દિવરનાં, એક વર્મા મલિકનું અને એક ગુલશન બાવરાનું છે. 1974ના જાન્યુઆરીની પહેલીએ રજૂ થયેલી આ ફિલ્મે રજત જયંતી ઊજવી હતી. આવો, હવે આ ગીતોનો આસ્વાદ લઇએ.
ઠુમરી, હોરી, ચૈતી જેવાં ઉપશાસ્ત્રીય સંગીતમાં છૂટથી વપરાતા રાગ પીલુથી ઉપાડ કર્યા બાદ પાછળથી એવા જ અન્ય રાગ કાફીમાં રજૂ થતું ગીત સ્વાભાવિક રીતેજ લતાના કંઠમાં છે. ફિલ્મ ગીતકારો સાવન (શ્રાવણ)ને પ્રેમીજનો માટે પીડાદાયી ગણાવતા રહ્યા છે. કેટલીક સરસ ઠુમરીમાં પણ આવો ભાવ આવે છે જેમ કે સાજનવા... સાવન બીતા જાય... અહીં વર્મા મલિકે એવોજ ભાવ શબ્દોમાં પ્રગટ કર્યો છે. ઐસો પાપી સાવન આયો, સાવન આગ લગાયે રે, બિન સજના કે સાવન મેં ઝૂલા કૌન ઝુલાયે રે... ફાસ્ટ કહેરવા તાલમાં ગ્રુપ ડાન્સ તરીકે આ ગીત રજૂ થાય છે. હેમા માલિની મુખ્ય નૃત્યાંગના છે. કહેરવા તાલના સરસ અટપટા ટુકડા આ ગીતને વધુ સરસ બનાવે છે.
ગુલશન બાવરાએ લખેલા ગીતમાં પણ ડાન્સનો મહિમા છે. શબ્દો છે, કૌન હું મૈં તૂ ત્યા જાને, અરે ઓ દિવાને રાઝ અગર ખુલ જાયે, દેખો સભી કા દિલ જલ જાયેગા, બન જાયેંગે અફસાને... આ ગીતમાં સંગીતકારોએ યોગ્ય રીતે આશા ભોંસલેનો કંઠ વાપર્યો છે. મોટે ભાગે વિલનની સહાયક હોય એવી અભિનેત્રી જયશ્રી ટી પર આ ગીત ફિલ્માવાયું છે. આ એક ક્લબ સોંગ છે જેમાં જયશ્રી ટી સાથે થોડા સાજિંદા પણ દેખાડ્યા છે. ક્લબ સોંગમાં હોય એવાં તર્જ-લય છે. જયશ્રી પોતાના માદક ડાન્સ દ્વારા હાજર રહેલા સૌને લલચાવે છે.
નિશાના જિન કા જમાને મેં ચૂકતા હી નહીં, ઉન્હોં ને આજ નિગાહોં કે તીર ઠાયે હૈં, દિલ મેં જો હોતા હૈ, ચહેરે પે લિખા હોતા હૈ, લગતા હૈ લૂટને વાલે હી લૂટ કે આયે હૈં.. મુખડું ધરાવતું ગીત ઇન્દિવરનું છે. લતા મંગેશકરે એને સચોટ ભાવ પ્રગટ થાય એ રીતે જમાવ્યું છે. ડાકુઓના અડ્ડામાં આ ડાન્સગીત જયશ્રી ટી રજૂ કરે છે પરંતુ સપના (હેમા માલિની)ને નીરખીને ઘાયલ મનોદશામાં આવેલા રણજિત (ધર્મેન્દ્ર)ને જયશ્રીમાં હેમા માલિની હોવાનો ભ્રમ થાય છે. ભૈરવીનો આધાર લઇને આ ગીતને જીવંત કરાયું છે.છેલ્લું ગીત પણ ઇન્દિવરની રચના છે. અહીં આશા ભોંસલેનો કંઠ વાપર્યો છે. ના મિલા તૂ નજર, ના દિખા તુ જિગર, પ્યાર પાના મેરા તેરે બસ કા નહીં, તુ સતા લે, નચા લે ઘડી દો ઘડી, જુલ્મ કી નજર હોતી નહીં હૈ બડી... શબ્દો પરથી સમજાય છે એમ અજિતનો માણસ વિનોદ ખન્ના હેમાનું અપહરણ કરીને લાવ્યો છે જ્યાં હેમાને ડાન્સ કરવાની ફરજ પડાઇ છે. હેમા ડાન્સ કરતાં કરતાં ગાય છે એવું ફિલ્માંકન છે. ફિલ્મ સંગીતના અભ્યાસીઓને આ ગીતમાં સંગીતકારોની અગાઉના એક હિટ ગીતની તર્જ રિપિટ થઇ હોય એવું લાગશે. ગીત સાંભળીને તમે જાતે નક્કી કરજો કે કયું ગીત યાદ આવે છે.
Comments
Post a Comment