પશ્ચિમના અંધ અનુકરણમાં એકનો વધારો ગન કલ્ચરનો પાછલે બારણે પ્રવેશ..

.


.આઝાદીના અમૃત મહોત્સવની જોરદાર તૈયારી ચાલી રહી છે. એવા સમયે એક વિચાર આવ્યો. છેલ્લાં પંચોતેર વર્ષમાં આપણે પશ્ચિમનું કેટલું બધું અંધ અનુકરણ કરી નાખ્યું. શરૂઆત ફેશનથી થઇ. આપણો દેશ ઉષ્ણ કટિબંધમાં હોવાથી લગભગ બારે માસ વધતી ઓછી ગરમી હોય છે. છતાં કેટલાક લોકો સૂટબૂટ અને ટાઇ પહેરીને વટ પાડતા દેખાતા હોય છે. પોષાકનું વૈવિધ્ય બીજી ઘણી રીતે પણ જોવા મળે છે. બીજું અનુકરણ ખાદ્યપદાર્થોનું છે. યૂરોપિયનો દાળભાત ભલે ન ખાય, આપણને પિઝા પાસ્તા અને હેમ્બર્ગર તો જોઇએ જ. ચાઇનીઝ મોંગોનીઝ અને અન્ય વાનગીઓ જુદી.

છેલ્લા થોડા સમયની ઘટનાઓ પર નજર નાખતાં એમ લાગે છે કે અમેરિકાનું ગન કલ્ચર હવે પાછલે બારણે આપણે ત્યાં એન્ટ્રી મારી રહ્યું છે. શનિવાર, 6 ઓગસ્ટના એક સમાચાર મુજબ છત્તીસગઢની એક સરકારી સ્કૂલમાં મીડ ડે મિલના મુદ્દે એક સગીર વયના વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને પિસ્તોલ દેખાડી. હાલ તો એને બાળ સુધાર કેન્દ્રમાં મોકલી આપ્યો છે. પ્રશ્ન એ છે કે સગીર વયના બાળક પાસે પિસ્તોલ આવી ક્યાંથી ? ચાલો માની લઇએ કે એના પિતાની લાયસન્સ્ડ પિસ્તોલ હશે. પરંતુ બાળકના હાથમાં પિસ્તોલ આવી ક્યાંથી એ સળગતો સવાલ છે. પિતાએ ગમે ત્યાં પિસ્તોલ મૂકી દીધી હશે તો જ બાળકના હાથમાં પિસ્તોલ આવે.

અને આ કંઇ એકલદોકલ બનાવ નથી. છેલ્લા થોડા સમયથી લગ્નના વરઘોડામાં કે બર્થ ડે પાર્ટીમાં ફાયરિંગ કરવાની ફેશન જોવા મળી છે. આ વર્ષના ફેબ્રુઆરીની 18મીએ ગુરુગ્રામના સુલતાનપુર વિસ્તારમાં લગ્નના વરઘોડામાં એક ઉત્સાહી જાનૈયાએ હવામાં ગોળીબાર કર્યો હતો. એમાંની એક ગોળી નજીકથી પસાર થઇ રહેલા એક નાગરિકને વાગી હતી. સદ્ભાગ્યે એ તરત સારવાર મળતાં બચી ગયો હતો. પોલીસે ઉત્સાહી જાનૈયાની ધરપકડ કરી હતી. 


બીજી એક ઘટનામાં ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં બ્રહ્મનગર નામના વિસ્તારમાં બની. વરરાજા પોતે ફાયરિંગના મૂડમાં આવી ગયા. દોસ્તોથી ઘેરાયેલા વરરાજાએ ફાયરિંગ કરતાં એક ગોળી વરરાજાના ખાસ દોસ્તને લાગી હતી અને એ મરણ પામ્યો હતો. લગ્ન લગ્નના ઠેકાણે રહ્યા અને હોબાળો થઇ ગયો.

ક્યારેક લગ્ન સમારંભમાં વરરાજાના પગરખાં સંતાડી દેવાના મુદ્દે કે એવી કોઇ બીજી પરંપરાના મુદ્દે બોલાચાલી થઇ જતાં સામસામા ગોળીબાર થતા હોય છે.

એવી એક ઘટના પણ ઉત્તર પ્રદેશમાં ઇટાનગર નજીક ચાલુ વર્ષના  જૂન મહિનામાં બનેલી. કોઇ મુદ્દે બોલાચાલી થઇ. પછી ગોળીબાર થયા. એમાં નવવિવાહિતાની એક બહેનપણી ત્યાંજ ઠાર થઇ અને બીજા સાત આઠ જણને ઇજા થઇ.

વાસ્તવમાં ભારતીય સંસદમાં આ મુદ્દે ચર્ચા થઇ ચૂકી છે અને એક કાયદો લાવવાની પણ વિચારણા છે. બ્રિટિશ સમયના એક જૂના કાયદા મુજબ આ રીતે કરાતા ‘સેલિબ્રેટરી ફાયરિંગ’માં સંડોવાયેલી વ્યક્તિને બે વર્ષની જેલની સજા થઇ શકે છે. આપણી અદાલતોમાં જ્યાં લાખ્ખો કેસ દાયકાઓ સુધી ધૂળ ખાતા પડ્યા હોય ત્યાં આવા કેસમાં જવાબદારને સજા ક્યારે થાય અને કોણ કરે એ વિચારવાનું છે.

એમ તો નાગરિકતા સુધારણા ખરડાની વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં થયેલા દેખાવો હિંસક બન્યા ત્યારે ત્યાં પણ ગોળીબારની ઘટના થઇ હતી. એક મોજણી મુજબ આપણે ત્યાં કાયદેસરના હથિયારો કરતાં ગેરકાયદે શસ્ત્રો ખાસ્સી મોટી સંખ્યામાં છે. નેતાઓની સુરક્ષા, ટ્રાફિક બંદોબસ્ત અને બીજી કામગીરીમાં વ્યસ્ત પોલીસ કેટલે પહોંચી વળે એ પણ વિચારવા જેવું છે. આમેય આપણે ત્યાં વસતિની સરખામણીમાં પોલીસની સંખ્યા ખૂબ ઓછી છે. એ ધ્યાનમાં લેતાં એમ લાગે કે અમેરિકાનું ગન કલ્ચર હવે અહીં એન્ટ્રી મારી રહ્યું છે.

Comments