ડાયરેક્ટર તરીકે રાજીવ રાયની પહેલી ફિલ્મ યુદ્ધનું સંગીત પણ વખણાયું, રજત જયંતી થઇ...

 


ટોચના નિર્માતા ગુલશન રાય અને કલ્યાણજી આણંદજી વચ્ચે સરસ મનમેળ હતો. અગાઉ આ ત્રિપુટીએ સાથે કામ પણ કરેલું. એટલે ગુલશન રાયે પોતાના પુત્ર રાજીવ રાયને ડાયરેક્ટર તરીકે પહેલી તક આપી એ  એક્શન થ્રીલર ફિલ્મ યુદ્ધનું સંગીત કલ્યાણજી આણંદજીને સોંપ્યું. અગાઉ સાથે કામ કર્યું હોવાથી ગુલશન રાયનો પુત્ર રાજીવ અને કલ્યાણજીભાઇનો સંગીતકાર પુત્ર વીજુ પણ સારા દોસ્તો હતા. એટલે સરસ ટીમ બની ગઇ.

રાજીવ રાય, કે. એ. નારાયણ અને નઇમ શાહે યુદ્ધની કથા તૈયાર કરી હતી. કથા વેગવાન અને દર્શકને જકડી રાખનારી હતી. જેકી શ્રોફ, ડબલ રોલમાં અનિલ કપૂર, નૂતન, હેમા માલિની, શત્રુઘ્ન સિંહા, ટીના મુનીમ, પ્રાણ અને ડેની ડેંગ્ઝોંગ્પા જેવી જબરદસ્ત સ્ટારકાસ્ટ  હતી. જો કે શત્રુઘ્ન અને હેમા માલિનીના ગેસ્ટ રોલ હતા. આ ફિલ્મની કથા આંશિક રીતે, યસ આંશિક રીતે ફિલ્મ પરવરિશને મળતી આવે એવી હતી. ફરક માત્ર એટલો હતો કે પરવરિશમાં અમજદ ખાનનો પુત્ર વિનોદ ખન્ના પોલીસ કમિશનર શમ્મી કપૂરને ત્યાં ઊછરે છે. યુદ્ધમાં સાવિત્રીદેવી (નૂતન)ના જોડકા પુત્રોનું અપહરણ ડેની કરે છે અને એમને છોડવા માટે મોટી રકમ માગે છે જે સાવિત્રી આપી શકતી નથી. આ બાળકોને બચાવવા જતાં પોલીસ ઇન્સપેકટર (જેકી શ્રોફ) શહીદ થાય છે. એક પુત્રને ડેની ઊઠાવી જાય છે અને એને સુપારી કીલર બનાવી દે છે. બાકીની સ્ટોરી કહી દેવાથી ફિલ્મ જોવાની મજા મારી જાય.

ફિલ્મનાં ગીતો આનંદ બક્ષીનાં હતાં. પાંચ ગીતોમાં ટાઇટલ ગીત કહી શકાય એવું ગીત એક કરતાં વઘુ વખત પરદા પર રજૂ થાય છે. પરદા પર જેકી શ્રોફ, પ્રાણ, અનિલ કપૂર, ટીના મુનીમ, દેવેન વર્મા વગેરે દેખાય છે. કોઇ ક્લબ કે પાર્ટીમાં જુસ્સાદાર તર્જ અને ફાસ્ટ કહેરવા તાલમાં અલકા યાજ્ઞિક અને અમિત કુમારના કંઠે આ ગીત રજૂ થાય છે- યુદ્ધ કર, ડંકે કી ચોટ પડી હૈ, સામને ફૌજ ખડી, ક્રીષ્ન ને કહા અર્જુન સે, પ્યાર ન જતા દુશ્મન સે... આમ ભગવદ્ ગીતાનો આધાર લઇને રજૂ થતું આ ગીત લડવાનો પાનો ચડાવે છે.

શરાબના પીઠામાં બાર ગર્લ્સ ડાન્સ કરે છે અને જેકી શ્રોફ શરાબના નશામાં ઝૂમતો જે ગીત પર હોઠ ફફડાવે છે એ ગીત એટલે જિંદગી અય જિંદગી, દેખ મેરી બેબસી... ખટકદાર ખેમટા તાલમાં ગવાતું આ ગીત કિશોર કુમારના કંઠમાં છે. તર્જમાં એક પ્રકારની પીડા છે. પરદા પર ટીના મુનીમ પણ ઉદાસ ચહેરે ઊભી છે અને જેકીને શરાબ પીતો અટકાવવાના પ્રયાસ કરે છે. પ્રણય ત્રિકોણના પગલે જેકી ઉદાસ હોય એવું અનુભવાય છે.

પ્રણય ત્રિકોણને તાદ્રશ કરતું હોય એવું એક ગીત ત્રણે મુખ્ય કલાકારો જેકી, અનિલ અને ટીના પર ફિલ્માવાયું છે. આ ગીત રાગ પહાડીની છટા ધરાવે છે. દોસ્તોં તુમ સબ કો યહ શામ મુબારક, આંખોં કો આંખોં કા સલામ મુબારક... મુખડું ધરાવતું આ ગીત અલકા યાજ્ઞિક, અમિત કુમાર અને શૈલેન્દ્ર સિંઘના કંઠમાં છે. પાશ્ચાત્ય ટાઇપના કહેરવામાં આ ગીત પણ પાર્ટી સોંગ તરીકે રજૂ થયું છે.

આશા ભોંસલે અને અમિત કુમારના કંઠે રજૂ થતા એક ગીતમાં સંગીતકારોએ રાગ બિલાવલ અને પાછળથી રાગ પહાડીનો આધાર લીધો છે. જેકી શ્રોફ અને ટીના મુનીમ પર ફિલ્માવાયેલા આ ગીતનું મુખડું છે ક્યા હુઆ ક્યા નહીં, મુઝ કો પતા નહીં... મેરી કોઇ ખતા નહીં, મેરા કોઇ નશા નહીં... આ ગીતમાં ખટકદાર કહેરવો છે જે સાંભળનારને પગથી તાલ આપવા પ્રેરે એવો છે.

મહેન્દ્ર કપૂર અને આશા  ભોંસલેએ ગાયેલું એક ગીત વિલનના અડ્ડામાં ગવાતું હોય એવું ફિલ્માંકન છે. ડેની, એણે મોટો કરેલો સાવિત્રીનો પુત્ર જુનિયર (અનિલ કપૂર) અને હેમા માલિની પર ફિલ્માવેલા આ ગીતનું મુખડું છે મૈં ક્યા ઐસે પ્યાર કરુંગી, નખરે લાખ હજાર કરુંગી, બરસોં તક ઇન્કાર કરુંગી... હેમા ડાન્સ કરે છે અને અનિલ એની નિકટ રહેવા ડાન્સમાં સાથ આપતાં જવાબી પંક્તિઓ ગાય છે. ફાસ્ટ કહેરવામાં આ ગીતની તર્જ તાજગીપૂર્ણ છે અને સાંભળતી વખતે ઝૂમી ઊઠવાનું મન થાય એવી બની છે.

હેમા માલિની પર ફિલ્માવાયેલું એક મુજરા ગીત અહીં રજૂ થયું છે. આ ગીત લતા મંગેશકરના કંઠમાં છે અને હેમા માલિની ડાન્સ કરતાં ગાય છે. શબ્દો છે મહેરબાનોં, કદરદાનોં કર લો મુલાકાત આખિરી, યહ હૈ મુજરે કી રાત આખિરી... તવાયફના કોઠામાં શત્રુઘ્ન સિંહા બેઠો છે, વેશપલટો કરીને જેકી શ્રોફ પણ હાજર થયો છે. ગીતના ફિલ્માંકનમાં એક પ્રકારનું રહસ્યમય વાતાવરણ છે.

પકડદાર કથા, કલાકારોનો પાત્રને અનુરૂપ અભિનય અને કર્ણપ્રિય સંગીત, ડાયરેક્ટર તરીકે રાજીવ રાયે દેખાડેલી પ્રતિભા - આ બધાંનો સમન્વય થયો, ફિલ્મ હિટ નીવડી અને ફિલ્મે રજત જયંતી ઊજવી. જો કે ત્યારબાદ સંજોગો બદલાતાં અને અંધારી આલમે ધાકધમકી આપતાં રાજીવ રાય વિદેશ ચાલ્યા ગયા એ જુદી વાત છે.

Comments