લોકસાહિત્યના ડાયરામાં ક્યારેક બે ચાર પંક્તિમાં જીવનનો સાર રજૂ થતો સાંભળવા મળે છે. એવું એક કવિત યાદ આવે છેઃ કોઇ કહે ઝેર છે સાપણના મુખમાં, કોઇ કહે ઝેર છે વીંછીના ડંખમાં, કોઇ કહે ઝેર છે ઝેર કોચલામાં અને કોઇ કહે ઝેર છે રત્નાકર સાગરમાં... છેલ્લી પંક્તિમાં લોકકવિ સિક્સર ફટકારી દે છે- છેલ્લી પંક્તિમાં કહે છે- કહે ગુણીજનો, વિચારો ધ્યાન દઇ, ઝાઝામાં ઝાઝું ઝેર માણસની જીભમાં...
જીભ ક્યારે લપસી પડે છે એ કહેવાય નહીં. ભલભલા વક્તાઓની જીભ ક્યારેક લપસી પડે છે. સંસ્કૃત સાહિત્યમાં એવા જ મતલબનો એક સરસ શ્લોક છે જેનો ઉપાડ આ રીતે થાય છે- કેયૂરા ન વિભૂષયન્તિ પુરુષમ્, હારા ન ચંદ્રોજ્જવલા... ગમે તેવા હીરામોતી- સોનાના દાગિના માણસના સાચા અલંકારો નથી, એની વાણી એનું સૌથી મૂલ્યવાન ઘરેણું-આભૂષણ છે.
અકબરના દરબારમાં જે નવરત્નો હતા એમાં એક હતા રહીમ ખાનખાના. આમ તો રહીમના દોહા ચોપાઇ જાણીતા છે. એમણે એક સરસ સુભાષિત લખ્યું છે. રમૂજ સાથે સચોટ વાત કરી છે. રહીમન જીહ્વા બાવરી, કહ ગઇ સુરગ પતાલ (સ્વર્ગ અને પાતાળ), ખુદ તો ભીતર જાય છૂપી ઔર જૂતે ખાય કપાલ... આ ગાંડી ઊંચુંનીચું કે એલફેલ બોલીને મોંની બખોલમાં ગરી જાય છે અને ગાલ પર જૂતા ફટકારાય છે... ક્યા બાત હૈ ! ઉખાણાં ખાયણાંની રીતે પણ લોકસાહિત્યમાં કહ્યું છે, આનંદા કહે પરમાનંદા, માણસે માણસે ફેર, એક ઉજ્જડ કરે ગામને ને બીજો વસાવે શ્હેર.. એ શું આપો જવાબ તો કહે-જીભથી...
મહાભારતની તેજસ્વિની નાયિકાનું નામ પણ દ્રૌપદી હતું અને એને પાંચ પતિ હતા એવું મહર્ષિ વ્યાસે લખ્યું છે. એ દ્રૌપદીની જીભ પણ તાતી તલવાર જેવી હતી. મહાભારતના યુદ્ધનાં કારણોમાં એક કારણ દ્રૌપદીની જીભ હતી. પાણી હોય ત્યાં જમીન અને જમીન હોય ત્યાં પાણી સમજીને વસ્ત્રો ઊંચા કરનારા દુર્યોધનને પાંચાલીએ જનોઇવઢ ઘા કર્યો હતો કે આંધળાના તો આંધળા જ હોય... હાલના રાષ્ટ્રપ્રમુખનું નામ યોગાનુયોગે દ્રૌપદી (મુર્મુ ) છે. મહાભારતની દ્રૌપદીના પાંચ પતિનો મુદ્દો કદાચ, યસ કદાચ, ધ્યાનમાં રાખીને કોંગ્રેસના બેફામ બકવાસ કરવા પંકાયેલા ભડભડિયા નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપ્રમુખ વિશે બેહૂદું વિધાન કર્યું.મનોવિજ્ઞાનીઓ કહે છે કે હૈયે હોય તે હોઠે આવે. પરંતુ અધીર રંજને તો પાછળથી પોતાનો બચાવ કર્યો. સંસદમાં ભારે હોબાળો થયો ત્યારે અધીર રંજને લોચા વાળ્યા કે મારાથી સ્લીપ ઓફ ટંગ થઇ ગયું. જીભ લપસી ગઇ... બુલ્સ શીટ. સાચી વાત એ છે પ્રિય વાચક, કે કૂવામાં હોય તો હવાડામાં આવે. કોંગ્રેસ પ્રમુખ અને એમના સુપુત્ર અગાઉ એક કરતાં વધુ પ્રસંગે આ રીતે જાહેરમાં બફાટ કરી ચૂક્યાં છે.
પંડિત જવાહરલાલ નહેરુની વિદ્વતા કે ઇંદિરા ગાંધીનું મુત્સદ્દીપણું આ મા-દીકરામાં નથી. એમાંય રાહુલ ગાંધી તો અસંખ્યવાર હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઇ જાય એવું બોલ્યા છે. વાસ્તવમાં અધીર રંજને બફાટ કર્યો ત્યારે તરત સોનિયા ગાંધીએ એમને ટપાર્યા હોત અને માફી મગાવી લીધી હોતો તો વાતનું ત્યાંજ પૂર્ણવિરામ આવી ગયું હોત. પરંતુ અગાઉ કહ્યું એમ ઇંદિરા ગાંધીનું મુત્સદ્દીપણું અહીં ગેરહાજર છે.
સમજુ નાગરિકો જાણે છે કે વિપક્ષો જે બોલે એનો સીધો લાભ વડા પ્રધાનને થાય છે, પરંતુ કોઇ એમાંથી બોધપાઠ લેવા તૈયાર નથી. વાણીનો સંયમ ઘણીવાર અર્ધો વિજય મેળવી આપે છે.
આપણે વારંવાર ભૂતકાળને યાદ ન કરીએ પરંતુ એક વાત નક્કી કે હાલના નેતાજીઓમાં અગાઉના નેતાઓ જેવા દીર્ઘદ્રષ્ટા, મુત્સદ્દી કે પરિપક્વ નથી. એમાંય વાણીસંયમ તો સોમાંથી અઠ્ઠાણું નેતાઓ કે લોકપ્રતિનિધિઓમાં જોવા મળતો નથી. શેરીના ટપોરીઓ જે ભાષા બોલે એવી ભાષા ઘણા નેતાઓ આજકાલ બોલી રહ્યા છે. સામા પક્ષે આપણે મતદારો પણ પૂરતા પરિપક્વ નથી નહીંતર આ લોકો ચૂંટાઇ આવે ખરા ? જેમની સામે બે-ત્રણ ડઝન અપરાધો નોંધાયેલા હોય અને જેમની ભાષા ગટરની ગંદકી જેવી હોય એવા રાજકારણીઓ ચૂંટાઇ કેમ આવે એવો સવાલ આપણે સૌએ જાતને પૂછવાની જરૂર છે. થોડી જવાબદારી આપણી નાગરિકોની પણ છે. થોડામાં કહ્યું છે, ઝાઝું કરીને વાંચજો વીરા...
Comments
Post a Comment