ડાયલોગના બેતાજ બાદશાહ રાજ કુમારનો ડબલ રોય હોય, ડાયરેક્ટર્સના લાડકા કલાકાર જેવો જિતેન્દ્ર હોય, ઠીક ઠીક સિનિયર કહી શકાય એવી અભિનેત્રી માલા સિંહા સાથે રેખા અને રીના રોય હોય, હીરો મટીને વિલન તરીકે પંકાયેલો અજિત હોય... આ બધાંની સાથે સાગર સરહદીની પટકથાને ઇલા મહેશ્વરીના સંવાદો સાંપડ્યા. આ બધાંના સરવાળા રૂપે બનેલી એક મસાલા ફિલ્મ એટલે કર્મયોગી.
વિધાતાની જેમ અહીં પણ કથાનાયકશંકર (રાજ કુમાર) સામાજિક અન્યાય સહન કરીને અપરાધખોરી તરફ વળી જાય છે. પત્ની દુર્ગી ભગવદ્ ગીતાની ચાહક અને ભક્તિભાવમાં માનનારી છે. એની સાથે પોતાની ગુનાખોરી જામશે નહીં એમ માનીને શંકર પોતાના એક પુત્ર મોહન (બીજા રોલમાં રાજ કુમાર)ને લઇને ગર્ભવતી દુર્ગાને ત્યજીને શહેરમાં આવી જાય છે. કેશવલાલ (અજિત) સાથે ભાગીદારી કરે છે. એમાં ફસાય છે. પાત્રોને દર્શકો તરફથી સહાનુભૂતિનો ડોઝ મળે એવા હેતુથી છેલ્લે શંકર અને મોહન (બંને રાજકુમાર)ને મોતની સજા થાય છે. જેવાં કર્મ કરો એવાં ફળ મળે એવા સનાતન સત્યને આ ફિલ્મ દ્વારા નિર્દેશક રામ મહેશ્વરીએ રજૂ કર્યું છે એમ કહી શકાય.વર્મા મલિકનાં ગીતોને અહીં કલ્યાણજી આણંદજીએ સમયોચિત સંગીત પીરસ્યું છે. એ સમયગાળો હતો જ્યારે ક્ષિતિજ પર અનુ મલિક, રામ લક્ષ્મણ, નદીમ શ્રવણ, જતીન લલિત, રાજેશ રોશન જેવા સંગીતકારો આગળ આવી રહ્યા હતા. લક્ષ્મીકાંત પ્યારેલાલ અને આર ડી બર્મન જેવા સમકાલીનો તો હતા જ. આ બધાંની વચ્ચે પણ કલ્યાણજી આણંદજીએ હિટ સંગીત પીરસ્યું અને નિર્દેશનક રામ મહેશ્વરીની ફિલ્મ કર્મયોગીએ રજત જયંતી ઊજવી.
લતાએ ગાયેલું પહેલું ગીત એક બાત કહું મૈં સજના, તુઝ કો સમજા કે અપના, દિલ ચાહે મેરા તેરે સંગ રહના...નો લય સાંભળનારને ડાન્સ કરવા પ્રેરે એવો છે. આ ગીતમાં કોઇ રાગ-રાગિણીનો આધાર લીધો નથી. છતાં તર્જ મજેદાર બની છે. રીસામણાં-મનામણાં ટાઇપનું ગીત છે જેમાં રીના રોય પોતાના કામગરા વકીલ પતિને રીઝવવા આ ગીત ગાય છે.
ફિલ્મ મુકદ્દર કા સિકંદરમાં રેખાના તવાયફના કોઠા પર અમિતાભ બચ્ચન અને રેખા પર જે ગીત ફિલ્માવાયું હતું એની યાદ તાજી કરે એવું એક ગીત અહીં મુહમ્મદ રફી, કિશોરો કુમાર અને આશા ભોંસલેના કંઠમાં રજૂ થાય છે. રાગ ખમાજ પર આધારિત આ ગીતનો લય કોઠા પર ગવાતા ગીત જેવો છે. રેખા, રાજ કુમાર અને જિતેન્દ્ર પર ફિલ્માવાયેલા આ ગીતમાં એકબીજાને પડકાર ફેંકતાં હોય એવા શબ્દો છે, મુખડું છે તુમ નહીં યા હમ નહીં...
જૈસી કરની વૈસી ભરની... અને તેરે જીવન કા હૈ કર્મોં સે નાતા, તૂ હી અપના ભાગ્યવિધાતા... બંને રચના મન્ના ડેના કંઠમાં છે. જીવનની ફિલસૂફીને સરળ શબ્દોમાં રજૂ કરતું આ ગીત ફિલ્મના કેન્દ્રવર્તી વિચારને રજૂ કરે છે. કોઇ જાતના સીધા ઉપદેશ વિના ડાયરેક્ટર મુખ્ય પાત્ર શંકર અને મોહનને સંબોધીને આ વાત કરે છે. શબ્દો સચોટ છે અને ભૈરવીનો આધાર લઇને હૃદયસ્પર્શી તર્જ બનાવવામાં સંગીતકારો સફળ થયા છે. આ ગીત પરદા પર એક કરતાં વધુ વખત રજૂ થાય છે.
તવાયફના કોઠા પર એટલે કે રેખા પર ફિલ્માવાયેલું એક ગીત એટલે આઇયે હુજુર આઇયે બૈઠિયે, નજરોં કે જામ પીજિયે, ખિદમત કા મૌકા દીજિયે... આશા ભોંસલેના કંઠમાં શોભે એવાં તર્જ લય આ ગીતમાં રજૂ થયાં છે. શબ્દોને લાડ લડાવે એ રીતે આશાએ ગીત ગાયું છે.કોઠાનું જ ઔર એક નશીલું ગીત આશાના કંઠમાં છે અને રેખા પર ફિલ્માવાયું છે. શબ્દો પરથી ખ્યાલ આવે છે કે કોઠામાં માહોલ કેવો છે- મુહબ્બત હું, હકીકત હું, જવાની હું, કયામત હું, કૌન કૌન હૈ મેરા ફેન, કૌન કૌન હૈ મેરા ફેન...
સામાજિક પ્લસ ક્રાઇમ થ્રીલર જેવી કથા ધરાવતી ફિલ્મમાં સંગીત આપવું એ એક પડકાર છે. એ પડકારને કલ્યાણજી આણંદજી સહજપણે ઝીલી શક્યા છે. આ ફિલ્મે બહુ આરામથી સિલ્વર જ્યુબિલી ઊજવી હતી. સંગીતકારો યશસ્વી નીવડ્યા હતા.
Comments
Post a Comment