દૂરથી તમે એમને આવતાં જુઓ તો એમ લાગે કે ઇસ્લામના અભ્યાસી કોઇ રૂઢિચુસ્ત મૌલાના આવી રહ્યા છે. ઘેરા રંગનોપઠાણી પોષાક, રુંવાટીદાર સફેદ થોભિયાં, આંખે જાડી કાળી ફ્રેમના ચશ્મા, હેન્ડસમ વ્યક્તિત્વ, ચહેરા પર રહસ્યમય સ્મિત અને માથા પર છ ઇંચ લાંબી ફૈશ કેપ. આટલું ઓછું હોય એમ અમરીશ પુરીને શરમાવે એવો ખરજનો ઘુંટાયેલો કંઠ..... આ અલગારી સંગીત રસિક એટલે નલિન શાહ. ગયા સપ્તાહે નલિનભાઇએ ચિરવિદાય લીધી. 87 વર્ષની વયે કોઇનું દેહાવસાન થાય તો એ પાકટ ઉંમરે ગયા એમ કહેવાય. પરંતુ જનાર વ્યક્તિ લાખ્ખો સંગીત રસિકો કરતાં વિશિષ્ટ હતી એવું જાણીએ ત્યારે એમની વિદાયના સમાચારથી ઊંડો આઘાત લાગે.
1950ના દાયકાની વાત છે. દક્ષિણ મુંબઇના સી. પી. ટેંક વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ બિલ્ડીંગમાં પહેલે મજલે રહેતો એક યુવાન રોજ રાત્રે કે. એલ. સાયગલ, પંકજ મલિક, જગમોહન વગેરેની રેકર્ડ ગ્રામોફોન પર વગાડે. ક્યારેક ગીતની સાથે પોતાનું વોયલિન છેડે. પાડોશીઓને તો ઘેર બેઠાં ગંગા જેવો ઘાટ હતો. પાડોશમાં વસતી એક યુવતી કીર્તિદા સાથે મન મળી જતાં પ્રેમલગ્ન કર્યું. કીર્તિદાબહેન હયાત હતાં ત્યાં સુધી સદૈવ આ અલગારી આદમીને સાચવતાં. જૂનાં
ગીતો સાંભળતાં સાંભળતાં આ યુવાનને વિચાર આવ્યો કે આ ગીતસંગીતને વ્યવસ્થિત સમજવું જોઇએ. એટલે ચોપાટી પર આવેલા ભારતીય વિદ્યા ભવનના સંગીત વિભાગમાં પંડિત જગન્નાથ બુવા પાસે ગાયકી શીખ્યો. એના કંઠને અનુરૂપ આગ્રા ઘરાનાની ગાયકી હતી. વચ્ચે થોડો સમય પિયાનો પર હાથ અજમાવેલો. પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત પણ મન ભરીને માણ્યું.
મુંબઇમાં એ દિવસોમાં સૂર સિંગાર સંસદ અને સાજન મિલાપ નામની સંસ્થાઓ શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો કરતી. સૂર સિંગાર સંસદની કારોબારી સમિતિમાં આ ગુણીજનની વરણી થઇ. આમ ફિલ્મ સંગીત અને શાસ્ત્રીય સંગીત બંને ક્ષેત્રે ઊંડા અભ્યાસી તરીકે પ્રતિષ્ઠિત થયા. ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી ઉપરાંત ઊર્દૂ અને ફારસી પર્શિયન ભાષાનો સારો અભ્યાસ. ઉમર ખય્યામની રુબાઇઓ મૂળ પર્શિયન ભાષામાં માણતા થયા. એલ. આઇ. સી.માં ડેવલપમેન્ટ ઓફિસર થયા પછી આ યુવાને સી.પી. ટેંક છોડ્યું અને સાંતાક્રૂઝમાં વસવાટ કર્યો. ફિલ્મ સંગીતના સુવર્ણયુગના ગીતકારો, સંગીતકારો, ગાયકો, અદાકારો સાથે ઘરોબો કેળવવા માંડ્યો. ઘરોબો એટલે કેવો, સંગીતકાર અનિલ વિશ્વાસે મુંબઇની પોતાની સ્થાવર જંગમ મિલકતની વહીવટનો પાવર ઓફ એટર્ની એને આપી દીધેલો. સંગીતકાર નૌશાદ, બુલો સી રાની, સજ્જાદ હુસૈન વગેરે એને પોતાની અંગત વાતો બેઝિઝક કહેતા. લગભગ દર અઠવાડિયે એને ત્યાં મહેફિલ જામે. કવિ પ્રદીપજી, સંગીતકાર બુલો સી રાની, કથક ડાન્સર-અભિનેત્રી સિતારા દેવી, ગાયિકા સુધા મલ્હોત્રા, ગીતકાર કમર જલાલાબાદી, અભિનેતા જયરાજ વગેરે મળે, કલાકો સુધી ગપ્પાં મારે.
આ અલગારી વ્યક્તિ એટલે નલિન શાહ જે હવે યાર-દોસ્તોનાં સંભારણાંમાં રહ્યા. વિન્ટાજ ગીતોને હરતો ફરતો વિશ્વકોષ કહો કે ફિલ્મ સંગીતના ઇતિહાસકાર કહો, આ એક વિરલ વ્યક્તિત્વ હતું. કે. એલ. સાયગલ અને અનિલ વિશ્વાસ એમની કમજોરી હતી. સાયગલના અનેક કાર્યક્રમો કર્યા જેમાં પ્રભાવશાળી એન્કરિંગ કર્યું. ગાંઠનું ગોપીચંદન કરીને સાયગલના પરિવારને રૂબરૂ મળ્યા. એમની પાસેથી વિગતો અને ફોટોગ્રાફ્સ મેળવ્યા. થોડાં વરસો પહેલાં એચ.એમ.વી.ને સાયગલનાં યાદગાર ગીતોનું ચાર કેસેટનું આલબમ બનાવવું હતું ત્યારે નલિન શાહની મદદ લેવી પડી હતી. નલિનભાઇએ સાયગલનાં દુર્લભ ગીતો આપ્યાં.
નલિનભાઇને બે વાતનો નશો હતો. એક, 1940થી 1065 વચ્ચેનાં સદાબહાર ફિલ્મ ગીતો અને બે, વિલાયતી શરાબ. જો કે કદી બેફામ પીને છાકટા થયા નહોતા. નશા નામે ફિલ્મ સંગીતનું એક સરસ ગ્રુપ ચલાવતા જેમાં દેશવિદેશના સંગીતપ્રેમીઓ જોડાયા હતા. જૂનાં ગીતો, ફોટોગ્રાફ્સ, સંભારણાં, દુર્લભ વાતો વગેરેની આ વ્હોટ્સ એપ ગ્રુપમાં આપ-લે થતી. આ ગ્રુપમાં સંગીતકાર જયકિસન, ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર સલિલ ચૌધરી જેવા ધુરંધરોના કુટુંબીઓ પણ જોડાયેલાં હતાં. આવો એક અલગારી આદમી હવે આપણી વચ્ચે રહ્યો નથી એ વાત માની શકાતી નથી.
Comments
Post a Comment