જ્હોની મેરા નામ પછી ફરી એકવાર નિર્માતા ગુલશન રાય અને કલ્યાણજી આણંદજી ભેગા થયા મલ્ટિસ્ટાર ફિલ્મ વિધાતામાં. આ ફિલ્મ એક સોશ્યલ એક્શન ફિલ્મ હતી. એનું નિર્દેશન સુભાષ ઘાઇએ સંભાળ્યું હતું. અસામાજિક કાર્યોમાં સાથ આપવાની ના પાડનારા એક એંજિન ડ્રાઇવર સમશેર સિંઘના પોલીસ ઇન્સ્પેક્ટર પુત્રની ગુંડાઓ દ્વારા હત્યા થાય છે. એનો બદલો લેવા જતાં સમશેર સિંઘ પોતે જાણ્યે અજાણ્યે માફિયા ડોન બની જાય છે. પોતાના પૌત્રને જો કે આવી પ્રવૃત્તિથી દૂર રાખે છે. પૌત્ર જે યુવતીને ચાહે છે એને સમશેર પસંદ કરતા નથી. એવી કથા સચિન ભૌમિક અને સુભાષ ઘાઇએ લખી હતી.
ફિલ્મમાં દિલીપ કુમારે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એની સાથે સંજીવ કુમાર, શમ્મી કપૂર, સંજય દત્ત, સુરેશ ઓબેરોય, અમરીશ પુરી વગેરે હતા. પદ્મિની કોલ્હાપુરે હીરોઇન હતી. આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો અને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો.
આ ફિલ્મનાં ગીતો આનંદ બક્ષીનાં હતાં. અહીં પણ કલ્યાણજી આણંદજીએ કેટલાંક ગીતો શુદ્ધ શાસ્ત્રીય રાગોનો આધાર લઇને બનાવેલાં છતાં લોકપ્રિય નીવડ્યાં હતાં. આ ફિલ્મમાં સંગીતકારોએ એક પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગ એટલે સાત સહેલિયાં ખડી ખડી... ગીત. ગામડા ગામમાં કોઇ પ્રસંગે થતી ઊજવણી જેવા દ્રશ્યમાં શમ્મી કપૂર આ ગીત છેડે છે- સાત સહેલિયાં ખડી ખડી ફરિયાદ સુનાયે ઘડી ઘડી... આ ગીત લચકદાર ખેમટામાં જમાવટ કરે છે. ઉપાડ રાગ ખમાજથી થાય છે અને પછી કલ્યાણજી આણંદજીના લાડકા રાગ ચારુકેશીની અસર પકડે છે.
આ ગીત એક બે નહીં પૂરા છથી સાત ગાયકોના કંઠમાં છે. મુખ્ય કંઠ કિશોર કુમારનો છે. એમની સાથે છે પદ્મિની અને એની બહેન શિવાંગી કોલ્હાપુરે, સાધના સરગમ, અલકા યાજ્ઞિક, અનુરાધા પૌડવાલ, કંચન અને હેમલતા. કોલ્હાપુરે બહેનો લતા મંગેશકરની કઝિન છે અને સંગીત એમની રગેરગમાં છે એટલે બીજા વ્યાવસાયિક ગાયકોની તુલનામાં જરાય પાછી પડતી નથી એ હકીકત સ્વીકારવી રહી.એક ક્લબ સોંગ આશા ભોંસલેના સ્વરમાં છે. ટપોરીઓની હાજરી છે, સંજય દત્ત છદ્મ વેશે આવ્યો છે. પદ્મિની ડાન્સ કરતાં કરતાં ગાય છે ઊડી બાબા ઊડી, ઊડી બાબા ઊડી, નશા યે કૈસા મુઝે હો ગયા... આ ગીત ભૈરવી રાગિણી પર આધારિત છે અને વેસ્ટર્ન સ્ટાઇલના કહેરવામાં સાંભળવું ગમે તેવું બન્યું છે. આશા ભોંસલે માટે રચાયેલી તર્જ છે અને આશાએ દિલથી ગાયું છે.
હાથોં કી ચંદ લકીરોં મેં સબ ખેલ હૈ બસ તકદીરોં કા, તકદીર હૈ ક્યા મૈં ક્યા જાનું, મૈં આશિક હું તદબીરોં કા.. જેવા ફિલસૂફીભર્યા શબ્દોને કંઠ સાંપડ્યો છે સુરેશ વાડકર અને અનવર. ટ્રેનના એંજિન ડ્રાઇવર તરીકે દિલીપ કુમાર અને શમ્મી કપૂર ટ્રેન દોડાવતાં દોડાવતાં આ ગીત ગાય છે. બંને વચ્ચેના સંવાદ જેવું આ ગીત કવ્વાલી જેવી બંદિશ ધરાવે છે અને ઠીક ઠીક ફાસ્ટ કહેવાય એવા કહેરવા તાલમાં નિબદ્ધ છે. આ ગીત એક કરતાં વધુ વખત રિપિટ થાય છે.નાયિકાના મનની વિરહ વેદનાને સાકાર કરતું એક ગીત રાગમાલા જેવો પ્રયોગ ધરાવે છે. વગડામાં શમશેર પદ્મિની સાથેના પોતાના પૌત્રના પ્રેમને નામંજૂર કરે છે ત્યારબાદ આ ગીત રજૂ થાય છે. ઓ સાથિયા, સારે સહારે તૂટ જાયે, રૂઠ જાયે લોગ હમ સે, ક્યા હુઆ, તેરા સહારા હું મૈં, મેરા સહારા તૂ હૈ... આ ગીત કરુણ રસ માટે પ્રસિદ્ધ એવા રાગ જોગિયામાં ઊપડે છે. અંતરામાં રાગ બસંત મુખારી અને ત્યારબાદ ભૈરવીની અસર ધરાવે છે. સાંભળનાર ગદ્ગદ થઇ જાય એવી તર્જ છે. કહેરવો તાલ ગીતને અસરકારક બનાવે એ રીતે પ્રયોજાયો છે.
ડિસ્કો ટાઇપની તર્જ ધરાવતું એક ગીત આશા ભોંસલેના કંઠમાં છે. પ્યાર કા ઇમ્તિહાન હમ દેંગે, હમ દેંગે, લોગ દેખેંગે તો જાન હમ દેંગે... ફિલ્મની કથાને આગળ વધારવા માટે મૂકાયું હોય એવી છાપ પડે છે. તર્જ લય બંને સરસ છે.
છેલ્લું ગીત સુરેશ વાડકરના કંઠમાં છે. આ હોશ મેં આ, સુન મસ્તાને, જિદ છોડ દે મસ્તાને, રંગ રૂપ બદલના મુશ્કિલ હૈ ઇસ જીવન કી તસવીરોં કા... આ ગીત પણ કથામાં પૂરક જેવું બન્યું છે. તર રમ પમ પમ જેવા શબ્દોથી ઊપડતું આ ગીત પરદા પર માણવા જેવું હતું.
એક કરતાં વધુ સ્ટાર, જકડી રાખતી કથા અને સુમધુર સંગીતના જોરે આ ફિલ્મે સહેલાઇથી રજત જયંતી ઊજવી હતી. સંગીત બિરદાવાયું હતું.
Comments
Post a Comment