રીઢો ચેઇન સ્નેચર ધરપકડ ટાળવા માટે, પોલીસે મને નોટિસ આપવી ઘટે એમ કહી શકે ?

 


પોતાને સેક્યુલર ગણાવતી લોબીને દેશની સુપ્રીમ કોર્ટે કચકચાવીને એક લપડાક મારી છે. પાટનગર નવી દિલ્હીમાં હિંસા આચરીને જાહેર સંપત્તિનો નાશ કરનારા અસામાજિક તત્ત્વોના ગેરકાયદે રહેઠાણો પર બુલડોઝર ફેરવાયાં હતાં એ સમયે પોતાને સેક્યુલર ગણાવતા લોકોએ બૂમરાણ મચાવી હતી કે પોલીસે બુલડોઝર ફેરવતાં પહેલાં નોટિસ આપી નહોતી. આ કેસની સૂનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના વિદ્વાન ન્યાયમૂર્તિઓએ અરજદારોના વકીલને તતડાવી કાઢ્યા. કોર્ટે કહ્યું કે જે બાંધકામ મૂળે ગેરકાયદે  છે એને તોડી પાડવા માટે નોટિસ શેની આપવાની હોય.

વાત વિચારવા જેવી છે. ધારો કે એક માણસ છેલ્લાં પંદર વીસ વરસથી લોકોના ગળાની ચેન તફડાવી લેવામાં નિષ્ણાત થઇ ચૂક્યો છે. એકવાર જ્યારે રંગે હાથ પકડાય ત્યારે શું પોલીસને એમ કહે કે મારી ધરપકડ કરવા પહેલાં મને નોટિસ કેમ ન આપી. દિલ્હીના જે વિસ્તારમાં બુલડોઝર ચાલ્યાં ત્યાં ચાની લારી ચલાવતી એક વ્યક્તિએ મિડિયા સમક્ષ રાવ કરી કે હું વીસ વર્ષથી અહીં ચાની લારી ચલાવું છું. મારી રોજી રોટી છીનવાઇ ગઇ. આપણે એને કહેવું જોઇએ ભલા’દમી તું વીસ વરસથી ગેરકાયદે ધંધો કરી રહ્યો હતો. એ જોતાં તારો ગુનો તો વધુ ગંભીર કહેવાય. તને નોટિસ શેની આપવાની ભૈ ? 

તાજેતરમાં આવો જ ઠપકો મુંબઇ હાઇકોર્ટે મહારાષ્ટ્ર રાજ્ય સરકારને આપ્યો કે તમે ગેરકાયદે બાંધકામો તોડાતાં હોય ત્યારે અવરોધો કેમ નાખો છો ? હકીકત એ છે પ્રિય વાચક, કે દેશના એક્કે એક રાજકીય પક્ષ અને એક્કે એક નેતાને ગેરકાયદે ઝૂંપડપટ્ટી વિકસે એમાં રસ છે. આ ગેરકાયદે ઝૂંપડપટ્ટી પક્ષો અને નેતાઓની તગડી વોટ બેંક બની રહી છે. 

તમે ક્યારેક અમદાવાદથી મુંબઇ જતી ટ્રેનની બારીમાંથી નજર કરજો. વડોદરા, ભરૂચ, સૂરત અને વાપી જેવાં સ્ટેશનોની અડખે પડખે સેંકડો ગેરકાયદે ઝૂંપડાં નગર વસી ગયાં છે. માથું ફાટી જાય એવી ભયાનક દુર્ગંધ અને માખી-મચ્છર- ઉંદર વચ્ચે આ ઝૂંપડામાં શ્રમિકો રહે છે. બારે માસ ખાંસતા રહે છે, અકાળે આથમી જાય છે. મુંબઇમાં તો પચાસ લાખથી વધુ લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે. મારા તમારા જેવા પ્રમાણિક કરદાતાના ભોગે વીજચોરી અને પાણીની ચોરી કરે છે. એમાંય મુંબઇના વાંદરા સ્ટેશનથી બોરીબંદર (છત્રપતિ શિવાજી ટર્મિનસ) તરફ જતી હાર્બર લાઇનની લોકલ ટ્રેનમાં કદી ગયા હો તો જોયું હશે. રેલવેની જમીન પર હજારો ઝૂંપડાં વસી ગયાં છે. દોડતી ટ્રેન અને આ ઝૂંપડાં વચ્ચે માંડ એકાદ ફૂટનું અંતર હોય છે. કેટલાંક ઝૂંપડાં તો બબ્બે ત્રણ ત્રણ માળના હોય છે. આ તમામ ઝૂંપડાં ગેરકાયદે છે. પરંતુ તગડી વોટબેંક હોવાથી એમને ખસેડવામાં કોઇને રસ નથી. 

બરાબર એવુંજ પશ્ચિમ બંગાળમાં બની રહ્યું છે. મમતા બેનરજી બાંગ્લા દેશ કે મ્યાનમારથી આવેલા ગેરકાયદે વસાહતીઓની ઝૂંપડપટ્ટી ખસેડવાના પગલાનો જબરદસ્ત વિરોધ કરે છે. કેમ તો કહે, મારી વોટબેંક લૂંટાઇ જાય. ફરી સુપ્રીમ કોર્ટની વાત પર આવીએ તો એક તરફ ગેરકાયદે બાંધકામો કરીને તમે રહો છો

અને જરાક અમથું બહાનું મળતાં તમે હિંસા પર ઊતરી આવો છો. રેલવે, બસો અને સરકારી ઇમારતો જેવી જાહેર સંપત્તિની તોડફોડ કરો છો. એ દ્રષ્ટિએ વિચારતાં તમે એક નહીં, બબ્બે ગંભીર અપરાધો આચરી રહ્યા છે. એવા સંજોગોમાં પોલીસ કે સુરક્ષા દળો તમારી સામે કડક હાથે કામ લે તો એમાં અનુચિત શું છે. ધારો કે તમારી માગણી વાજબી છે. તો પણ તમને કાયદો હાથમાં લેવાનો અને જાહેર સંપત્તિની તોડફોડ કરવાનો અધિકાર કોણે આપ્યો ?  

દેશના દરેક સમજદાર નાગરિકે સુપ્રીમ કોર્ટ અને મુંબઇ હાઇકોર્ટના આ અભિપ્રાયને સોલિડ ટેકો જાહેર કરવો જોઇએ. હિંસા આચરતા તત્ત્વોને આર્થિક ટેકો કોણ આપે છે એ હવે કહેવાની જરૂર નથી. આ લોકોને કહેવું જોઇએ કે તમે ભારતની ધરતી પર કરો છો એવી હિંસા ચીન કે સાઉદી અરેબિયામાં આચરી બતાવો. જુઓ ત્યાં તમારી કેવી દશા થાય છે. અત્યારેજ ચીનમાં લાખો લોકો અટકાયતમાં છે, તેમનાં ધર્મસ્થાનો તોડી પાડવામાં આવ્યાં છે. તેઓ જાહેરમાં પ્રાર્થના-પૂજા કરી શકતા નથી. બીજી બાજુ આ દેશમાં તો ભારતની પ્રજા અને સરકારની ભલમનસાઇનો જ્યારે ત્યારે ગેરલાભ લેવાની કવાયત કરાતી રહી છે.


Comments