હું તો ડાયરેક્ટરનો હીરો છું એવું અભિનેતા જિતેન્દ્ર કાયમ કહેતો. એના અભિનયના ટીકાકારો ઘણા હતા. ખુદ એને પહેલી તક આપનારા લિજેન્ડરી ફિલ્મ સર્જક વી શાંતારામે જેને જમ્પીંગ જેક કહીને ઊતારી પાડ્યો હતો. આમ છતાં જિતેન્દ્રે ઘણી હિટ ફિલ્મો આપી. એવી એક ફિલ્મ હતી મેરે હમસફર. દૂલાલ ગુહા નિર્દેશિત આ ફિલ્મમાં એના સહકલાકારો હતા શર્મિલા ટાગોર, બલરાજ સાહની, પોઝિટિવ રોલમાં જીવન, લક્ષ્મી છાયા વગેરે.
આ ફિલ્મનાં ગીતો આનંદ બક્ષીનાં અને સંગીત કલ્યાણજી આણંદજીનું હતું. લક્ષ્મીકાંત પ્યારેલાલ અને આર ડી બર્મન સહિત ડઝનબંધ માતબર હરીફોની વચ્ચે રહીને પણ કલ્યાણજી આણંદજીએ આ ફિલ્મમાં જે સંગીત પીરસ્યું એ હિટ નીવડ્યું અને ફિલ્મે રજત જયંતી ઊજવી. જો કે ફિલ્મની સફળતામાં એમ રાજારામના કેમેરાનો પણ જબરો ફાળો હતો. રાજારામે હિમાચલ પ્રદેશના નયનરમ્ય લોકેશનોને આબાદ ઝડપ્યાં હતાં.
ફિલ્મમાં ફક્ત પાંચ ગીતો હતાં. આપણે અગાઉ વાત કરેલી કે જેમ શંકર જયકિસન ભૈરવી અને શિવરંજની રાગિણીથી પંકાયા હતા તેમ કલ્યાણજી આણંદજી (કર્ણાટક સંગીતમાંથી ઉત્તર ભારતીય સંગીતના મંચ પર આવેલા) રાગ ચારુકેશીથી પંકાઇ ગયા. કલ્યાણજી આણંદજીએ રાગ ચારુકેશીમાં એક એકથી ચઢિયાતાં ગીતો આપ્યાં છે.
એવું એક સદાબહાર ગીત ફિલ્મ મેરે હમસફરમાં હતું. એને ફિલ્મનું ટાઇટલ ગીત કહી શકાય. આનંદ બક્ષીએ અત્યંત સંવેદનશીલ રોમાન્ટિક ગીત આપ્યું છે. મુખડાથી શરૂ કરીને આખુંય ગીત લાગણીસભર છે. મુખડામાં કહ્યું છે- કિસી રાહ મેં, કિસી મોડ પર, કહીં ચલ ન દેના તુ છોડકર મેરે હમસફર મેરે હમસફર... મૂકેશ અને લતા મંગેશકરના કંઠે ગવાયેલા આ ગીતના શબ્દોને યોગ્ય મહત્ત્વ આપવા અહીં સંગીતકારોએ સાત માત્રાના તાલ રૂપકને અજમાવ્યો છે. ગીતમાં રહેલા વીનવણી અને કારુણ્યના ભાવને ઉપસાવવા રાગ ચારુકેશીની બંદિશ હૃદયસ્પર્શી બની છે એ હકીકત દરેક સંગીત રસિક સ્વીકારશે.ખરી મઝા અહીં છે. એક જ રાગ, એક જ સ્વરો છતાં બંદિશમાં નવીનતા અને વૈવિધ્ય. લતાએ ગાયેલું ગીત મેરા પરદેશી ન આયા, સબ કે મન કે મીત મિલે હૈં, બાગોં મેં ફિર સે ફૂલ ખિલે હૈં, મેરા મન મુરઝાયા, મેરા પરદેશી ન આયા... પણ રાગ ચારુકેશીમાં છે. અહીં આઠ માત્રાનો ખટકદાર કહેરવા તાલ છે. પરદા પરની નાયિકા ફિલ્મની હીરોઇન બની છે, પરદા પર ફિલ્મના ડાયરેક્ટર બલરાજ સાહની કેમેરાની આંખે જુએ છે ત્યારે નાયિકા વનવગડામાં વિરહ ભાવનાનું આ ગીત છેડે છે. અહીં ચારુકેશી જુદા પ્રકારની ગમગીની વ્યક્ત કરે છે.
એક ગીત સદા સુહાગિન રાગિણી ભૈરવીમાં છે. થોડાક પંજાબી શબ્દોના ઉમેરણ સાથે ગીતનું મુખડું છે મૌસમ હૈ બહારોં કા, હાય ફૂલોં કા ખિલના હૈ, હો ચલ જલદી ચલ ગડિયે ની ગડિયે, જલદી ચલ ગડિયે, મૈનુ યાર સે મિલના હૈ... મહેન્દ્ર કપૂર અને બલબીરના કંઠે ગવાયેલા આ ગીતમાં પંજાબી લોકગીતો જેવાં તર્જ લય છે. ઢોલ પર બજતો કહેરવો આકર્ષક અને ડાન્સ કરવા પ્રેરે એવો બન્યો છે.
બલરાજ સાહની પિયાનો પર બેઠા છે, સાવ સાદા પોષાકમાં કથાનાયક (જિતેન્દ્ર) મહેફિલમાં હાજર છે ત્યારે અભિનેત્રી તરીકે સફળ થયેલી નાયિકા નાયકને સમજાવતી હોય એ રીતે ગાય છે તુમ હમ સે મિલો, હમ તુમ સે મિલે, લોગોં કો યહ મંજૂર નહીં... અહીં લોગોં એટલે બલરાજ સાહની. સીધા સાદા કહેરવા તાલમાં રજૂ થતા આ ગીતમાં સંગીતકારોએ બે રાગ અજમાવ્યા છે. રાગ ઝિંઝોટીમાં ગીતનો ઉપાડ થાય છે અને અંતરામાં રાગ પહાડીની અસર વર્તાય છે. તર્જમાં નાયિકાના મનની વેદની સચોટ રીતે રજૂ થાય છે એ સંગીતકારોની સિદ્ધિ ગણાય. રાગ આધારિત હોવા છતાં ગીતની તર્જ ભારેખમ લાગતી નથી એ એની વિશેષતા છે.એક ગીત આશા ભોંસલેના કંઠમાં છે. આશાના કંઠને અનુરૂપ તર્જ લય છે. હાય મર ગઇ, ઓ મર ગઇ, લૂટ ગઇ, દુનિયા પ્યાર કરના ના છોડા, ઉસી કે આગે સર કો ઝુકાયા, જિસ ને દિલ કો તોડા, મર ગઇ.... અહીં અલગ પ્રકારનો કહેરવો અજમાવાયો છે. ડાન્સ ગીત જેવો લય છે. સંગીત જામ્યું હતું અને ફિલ્મ ચાલી હતી. દરેક અદાકારે પોતાના પાત્રને સરસ રીતે નિભાવ્યું હતું. ફિલ્મે રજત જયંતી ઊજવી હતી.
Wah Ajitbhai.
ReplyDelete