આવતી કાલે અષાઢી પૂનમ. ભારતીય સંસ્કૃતિમાં આ તિથિ ગુરુ પૂર્ણિમા તરીકે ઊજવાય છે. ક્યારેક સ્કૂલમાં ભણાવતા શિક્ષક પણ ગુરુની ગરજ સારે. સ્કૂલમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર આવેલા અને મોહનદાસ કરમચંદ ગાંધીનો કેટલ શબ્દનો સ્પેલિંગ ખોટો હતો ત્યારે શિક્ષકે એને બાજુના વિદ્યાર્થીની નોટમાં જોઇ લેવા પગથી સંકેત કર્યો. એ સંકેતને મોહનદાસે જુદા અર્થમાં લીધો અને શિક્ષકને ગુરુ સ્થાને સ્થાપી દીધા. ભારતીય સંસ્કૃતિમાં તો કેવા કેવા સમર્થ ગુરુના ઉલ્લેખો જોવા મળે છે.
ગીતાકાર ભગવાન કૃષ્ણના ગુરુ સાંદિપની. પ્રેમાનંદે સરસ રીતે સૂચવ્યું છે- ચોસઠ દા’ડે ચૌદે વિદ્યા ભણ્યા બેઉ ભાઇ, ગુરુસુત ગુરુદક્ષિણામાં આપી વિઠ્ઠલ થયા વિદાય... અહીં કેટલો મોટો સૂચિતાર્થ આપ્યો છે. પહેલાં ભણતર. પછી ફી (ગુરુદક્ષિણા). ભણવાનું ફરજિયાત. ફી મરજિયાત અથવા યથાશક્તિ. આજે ક્રમ ઊલટાઇ ગયો છે. ભણવું મરજિયાત, ફી ફરજિયાત.
ભગવાન શ્રી રામના ગુરુ વિશ્વામિત્ર, પાંડવો-કૌરવોના ગુરુ દ્રોણ, કર્ણના ગુરુ ભગવાન પરશુરામ, દેવોના ગુરુ બૃહસ્પતિ, દાનવોના ગુરુ શુક્રાચાર્ય, સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ... એક એકથી ચઢિયાતા ગુરુની વાત ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. અને ગુરુ માત્ર પુરાણો-શાસ્ત્રોમાં એવું નથી. અન્ય ક્ષેત્રોમાં પણ છે. રમતગમતની વાત કરો તો ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના ગુરુ રમાકાંત આચરેકર, બાંસુરીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના ગુરુ અન્નપૂર્ણા દેવી, અન્નપૂર્ણાદેવીના ગુરુ અને પિતા ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન, પંડિત ભીમસેન જોશીના ગુરુ સવાઇ ગંધર્વ, છત્રપતિ શિવાજીના ગુરુ સ્વામી રામદાસ, મીરાંના ગુરુ રવિદાસ કે રોહિદાસ. ગુરુ દત્તાત્રયે કાગડા કૂતરા સહિત ચોવીસ ગુરુ કરેલા.
એનો અર્થ એ કે એક કરતાં વધુ ગુરુ કરી શકાય. ખાસ કરીને ભારતીય સંગીતમાં લગભગ દરેક ગુરુ દસ બાર વરસ પછી પોતાના શિષ્યને કહે છે કે મારી પાસે હતું એ બધું તને આપી દીધું. હવે તું બીજા ઘરાના (ગુરુ-શિષ્ય પરંપરા)નું સંગીત સાંભળ અને એના ઉત્તમ ગુણો અપનાવીને તારી કલાને નવરંગી બનાવ.
રાજનીતિમાં મોટે ભાગે એવું જોવા મળ્યું છે કે ચેલાએ ગુરુને પછાડ્યા હોય. માત્ર એક દાખલો પૂરતો છે. હાલ મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાણક્ય ગણાયેલા શરદ પવારે પોતાના ગુરુ વસંતદાદા પાટિલને એક કરતાં વધુ વખત ગબડાવેલા અને પોતે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બની બેઠેલા. આ હકીકત ગઇ કાલનો તાજો ઇતિહાસ છે. રાજકારણમાં ચેલાઓ ગુરુને ઊથલાવવામાં માહિર સાબિત થયા છે. જો કે સમજુ લોકો રાજકારણને ગંદડો વ્યવસાય સમજે છે એટલે એની વાત આપણે પડતી મૂકીએ.
જીવનના દરેક ક્ષેત્રે ગુરુ મહત્ત્વના છે. પ્રશ્ન એ છે કે જિજ્ઞાસુને સાચા ગુરુ ક્યારે કયાં મળે, ગુરુને શોધવા પડે કે વ્યક્તિની પાત્રતા ઘડાય ત્યારે ગુરુ સામેથી આવી મળે ? બહુ વિકટ પ્રશ્ન છે. ચિન્મય મિશનવાળા સ્વામી ચિન્મયાનંદજી કહેતા, વક્ત સે પહલે ઔર મુકદ્દર સે જ્યાદા, ન કિસી કો કુછ મિલા હૈ, ન કિસી કો કુછ મિલેગા.... ઉપનિષદ શબ્દમાં જ ગુરુ-શિષ્ય બંનેનો પરોક્ષ સંકેત છે. સાહિત્યમાં, સંગીતમાં, રમતગમતમાં, વેપાર-ઉદ્યોગમાં, રાજનીતિમાં, અધ્યાત્મ અને ભક્તિમાં, વહીવટી ક્ષેત્રમાં- ટૂંકમાં, દરેક ક્ષેત્રે ગુરુ અમૂલ્ય ફાળો આપે છે.
એટલે જ કબીરે કહ્યું કે ગુરુ ગોવિંદ દોનોં ખડે, કિસ કો લાગું પાય, બલિહારી ગુરુ આપ કી કે ગોવિંદ દિયો દિખાય... સંતવાણી અને લોકસાહિત્યના ડાયરામાં અચૂક સાંભળવા મળે છે- ગુરુપદ પંકજ પૂજતાં ચૌદે લોક પૂજાય, શક્ર વિરંચી, શારદા, ગુરુ તણા ગુણ ગાય... ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે દેવોનો પર્યાય ગણાવતો શ્લોક પણ જાણીતો છે. બળવાખોર સૂફી ભક્ત કવિ અખાએ વળી જુદી રીતે ગુરુને વર્ણવેલા-ગુરુ કીધા મેં ગોકુલનાથ, ઘરડા બળદને ઘાલી નાથ... ભગવાન બુદ્ધે ગુરુ શબ્દ ઉચ્ચાર્યા વિના કહ્યું અપ્પો દીપો ભવ.. ગુરુ તારો થા તું જ.
ગુરુ પૂર્ણિમા એક કરતાં વધુ રીતે ઊજવી શકાય. એક, પોતાના ગુરુનું પુણ્ય સ્મરણ કરીને, બે, ગુરુ ચરણની પૂજા કરીને- ચરણ પખાળીને અને ગુરુના ચીંધ્યા માર્ગે ચાલીને. દરેક પ્રકારની ઊજવણી સાર્થક થતી રહી છે
Wah wah. Nice one.
ReplyDelete