બાળ પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડવાની પહેલ સર્વપ્રથમ કલ્યાણજી આણંદજીએ કરેલી


છેલ્લા થોડાં સપ્તાહોથી એક ટીવી ચેનલ પર દર શનિ-રવિની સાંજે સુપર સિંગર નામે કાર્યક્રમ રજૂ થાય છે. દેશના ખૂણે ખૂણેથી આવેલાં બાળકોની પ્રતિભા આ પ્રોગ્રામમાં રજૂ થાય છે. પાંચ સાત વર્ષથી માંડીને ચૌદ પંદર વર્ષનાં બાળકો કોઇ પ્રોફેશનલ કલાકારોને શરમાવે એવી સજ્જતાથી ફિલ્મ ગીતો રજૂ કરે છે. એક બાળકી તો મોઢેથી ફૂંક મારીને વગાડાતું કી બોર્ડ પણ ગાવાની સાથોસાથ છેડે છે. અન્ય એક ટાબરિયો કિશોર કુમારનો પુનરવતાર હોય એવી રીતે ડાન્સ કરતાં કરતાં કિશોર કુમારનાં ગીતો રજૂ કરે છે.

કલ્યાણજી આણંદજીના સંગીતથી સજેલી અને રજત જયંતી ઊજવનારી  ફિલ્મોની વાત ચાલતી હતી તેમાં આજે થોડું વિષયાંતર કરું છું. વાત સમયોચિત છે એટલે આ વિષયાંતર તમને કઠશે નહીં. આજે ઇન્ટરનેટ અને મલ્ટિપલ ચેનલ્સના યુગમાં આપણને સુપર સિંગર્સ જેવા કાર્યક્રમની નવાઇ ન પણ લાગે. પરંતુ આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં જ્યારે ટેલિવિઝન પર આટલી બધી ચેનલ્સ આવતી નહોતી. આવી બાળ પ્રતિભાઓને શોધી શોધીને તેમને પ્રોત્સાહન આપીને સ્ટેજ પર રજૂ કરવાની પહેલ કલ્યાણજી આણંદજીએ કરેલી. અગાઉ કોઇ ફિલ્મ સંગીતકારે આવું સાહસ કર્યું નહોતું.

ફિલ્મોની પૂરતી ઓફર્સ મળતી હોવા છતાં કારકિર્દીના એક તબક્કે કલ્યાણજી આણંદજીને લાગ્યું કે હવે આપણે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવી જોઇએ. આપણી સર્જન શક્તિનો ઉપયોગ બીજી દિશામાં કરવો જોઇએ. ફિલ્મોની સાથોસાથ આ બંને ભાઇઓ દેશ-વિદેશમાં કિશોર કુમાર અને અમિતાભ બચ્ચન સાથે ધૂમ સ્ટેજ શો કરતા હતા. 

એવા સ્ટેજ પ્રોગ્રામમાં ઓડિયન્સ તરીકે હાજરી આપનારાં ઘણાં માતાપિતા આ બંને ભાઇઓને મળતા અને વિનંતી કરતા કે અમારું બાળક પણ સરસ ગાય છે. એકવાર સાંભળો પ્લીઝ... કલ્યાણજી આણંદજી એવી વિનંતીનો અનાદર કરતા નહોતા. આ બંને દ્રઢપણે માનતા કે ભારત તો બહુરત્ના વસુંધરા છે. દેશના ખૂણે ખૂણે પ્રતિભાઓ છૂપાયેલી છે. એમને પ્લેટફોર્મ મળતું નથી. એટલે આ બંને એવાં કેટલાંક પ્રતિભાવાન બાળકોને સાંભળતા. 

ખરેખર પ્રતિભાવાન જણાય એવાં બાળકોને મુંબઇ તેડાવતા. એમના શિક્ષણને બિલકુલ બૂરી અસર ન થાય એ રીતે આ બાળકોને પોતાને ત્યાં ગુરુકૂળ પદ્ધતિથી રાખતા. એમની પાછળ ખૂબ મહેનત કરતા. ગાંઠનું ગોપીચંદન ખર્ચીને આ કાર્ય પાછળ ખાસ ધ્યાન આપતા. એક તબક્કે તો કલ્યાણજીભાઇની તબિયત સારી નહોતી. એમને પોર્ટેબલ સિલિન્ડર દ્વારા સતત ઓક્સિજન લેવો પડતો. (પાર્શ્વ ગાયિકા સાધના સરગમ આ વાતની સાક્ષી છે.) પરંતુ એેથી કલ્યાણજીભાઇના  ઉત્સાહમાં જરાય ઓટ આવી નહોતી. 

કોઇ કુશળ હીરાઘસુ કાચા હીરામાં પાસા પાડીને એને મૂલ્યવાન બનાવે એમ કલ્યાણજી આણંદજી આ બાળકો પાછળ સમય અને શક્તિ આપતા. બાળકમાં રહેલી ખૂબી-ખામીને પારખીને એમને પાસાદાર હીરા જેવા બનાવતા. સખત રિયાઝ કરાવતા. ભૂલો સુધારતા અને દરેકની ક્ષમતા મુજબ એની પ્રતિભાને નિખારતા. વધુ ને વધુ બાળકોને તૈયાર કરી શકાય એવા હેતુથી બે ગ્રુપ રચ્યા હતા. કલ્યાણજીભાઇના ગ્રુપનાં બાળકો લિટલ વન્ડર્સ (ટચૂકડાં વિસ્મય) તરીકે ઓળખાતાં અને આણંદજીભાઇના ગ્રુપનું નામ લિટલ સ્ટાર્સ (ટચૂકડા તારલા) રાખેલું. આ બાળકોના સંખ્યાબંધ સ્ટેજ શો કરવા ઉપરાંત એમના  ગાયેલાં ગીતોની કેસેટ્સ સુદ્ધાં બનાવી હતી. એ કેસેટ્સ ધૂમ વેચાઇ હતી.

આમ એક તરફ અઢીસો-પોણા ત્રણસો જેટલી ફિલ્મોમાં જ્યુબિલી હિટ સંગીત પીરસ્યું. સરહદો પર  ફરજ બજાવતા લશ્કરી જવાનો માટે ખાસ શો કર્યા, સામાજિક શૈક્ષણિક કાર્યો માટે ચેરિટિ શો કર્યા અને સાથોસાથ બાળકોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. એવાં કેટલાંક બાળકો આજે ટોચના કલાકાર છે. રજત જયંતી ઊજવનારી ફિલ્મોની વાત પૂરી કર્યા બાદ એ ટોચના કલાકારોની વાત કરીશું. આજે અહીં વિરમીએ.


Comments