વાર્યા ન વળે ઇ હાર્યા વળે- અમેરિકાના ગન કન્ટ્રોલ ખરડાનાં લેખાંજોખાં !

 


        

ગરવી ગુજરાતી ભાષામાં કહે છે કે વાર્યા ન વળે ઇ હાર્યા વળે. કેટલીક વાર કોઇ બાબતે વ્યક્તિ કે સમાજને રોકવાના કે બીજી દિશામાં વાળવાના પ્રયાસો થાય ત્યારે ખીંચ પકડ મુઝે જોર આતા હૈ જેવો ઘાટ થતો હોય છે. ક્યારેક એમાં સંબંધિત વ્યક્તિનો અહં બહુ મોટો ભાગ ભજવે છે. દર બીજે ત્રીજે દિવસે અમેરિકાના કોઇ ને કોઇ શહેરમાં બેફામ શૂટિંગની ઘટના બને છે. નિયમિત છાપાં વાંચનારને આ હકીકતની જાણ છે. રીઢા ગુનેગારો શૂટિંગ કરે તો સમજાય, અહીં તો મોટા ભાગના કિસ્સામાં બાર તેર વર્ષના ટાબરિયા સંડોવાયેલા હોય છે. ક્ષણિક ઉશ્કેરાટની લાગણી કહો કે ડિપ્રેશનનો હુમલો કહો, આ ટાબરિયાં સ્કૂલમાં કે જાહેર સ્થળે ગનના ભડાકા કરીને બે ચાર જણને ઢાળી દે છે. આ બાળકોના હાથમાં ગન આવે છે કેવી રીતે એનો જવાબ માબાપ પાસે માગવો જોઇએ.

એક અંદાજ પ્રમાણે અમેરિકામાં આજની તારીખે 39 કરોડ 30 લાખ પરિવારો પાસે ગન છે. ચાલુ વરસે જાન્યુઆરીથી જૂન સુધીમાં ગન વપરાયાથી આશરે વીસ હજાર લોકો માર્યા ગયા છે. આ આંકડો નાનોસૂનો તો ન ગણાય. માણસ સ્વબચાવમાં ગોળીબાર કરે તો સમજી શકાય પરંતુ કોઇ વાજબી કારણ વિના વ્યક્તિ જાહેરમાં ઘડાકા કરીને હત્યા કરી નાખે એ ચોંકાવનારી વાત ગણાય. વિશ્વના સૌથી ઘનાઢ્ય દેશોમાં અમેરિકા મોખરે છે. સૌથી વધુ હત્યાઓ પણ અમેરિકામાં થાય છે એમ કહીએ તો ખોટું નથી. એનું એક કારણ અત્યાર સુધી ગન જેવા હથિયાર રાખવાના કાયદામાં રહેલી છૂટછાટ હતી. 

હવે ગન કન્ટ્રોલ ખરડો રજૂ થયો. આ ખરડાનો વિરોધ ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પે જોરદાર કરેલો. પરંતુ આ વખતે તેમના રિપબ્લિકન પક્ષના સાંસદોએ પણ ગન કન્ટ્રોલ ખરડાની તરફેણમાં મતદાન કર્યું. 

જો કે એક રસપ્રદ વિગત એ છે કે રિપબ્લિકન પક્ષ અને ડેમોક્રેટિક પક્ષ બંનેના સાંસદો ગન જેવા જીવલેણ હથિયાર ધરાવે છે. 44 ટકા રિપબ્લિકન અને 20 ટકા ડેમોક્રેટ્સ સાંસદો પાસે ગન છે. એક વિચિત્રતા એ પણ છે કે અગાઉ અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક કેસમાં ન્યૂયોર્કમાં હેન્ડગન પર પ્રતિબંધ લાદતો એકસો વર્ષ જૂનો કાયદો રદ કર્યો હતો. દરેક નાગરિકને હેન્ડગન રાખવાનો અધિકાર છે એવો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. અત્યારે જે ખરડો રજૂ થયો છે એમાં એંક રમૂજી જોગવાઇ છે. ગન રાખવા માટેની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવામાં આવી છે. શૂટિંગની મોટા ભાગની ઘટનાઓ પર દ્રષ્ટિપાત કરતાં ખ્યાલ આવે છે કે આપણે જેમને કિશોર (એડોલસન્ટ ) કહીએ છીએ એવા 10થી 15 વર્ષના ટાબરિયાઓએ જે તે સ્કૂલમાં ફાયરિંગ કરીને હત્યાઓ કરી હતી. એટલે ઉંમરને આવી ઘટનાઓ સાથે સંબંધ નથી એ સમજાઇ જાય છે

અહીં એક મુદ્દો ધ્યાનમાં લેવાની જરૂર છે. અમેરિકામાં છેલ્લાં કેટલાંક વરસોમાં લગ્નપ્રથા લગભગ નિષ્ફળ ગઇ છે. છૂટાછેડાના બનાવો સતત વધતા રહ્યા છે. માતાપિતા વચ્ચે અણબનાવ હોય ત્યારે બાળકોની માનસિકતા પર જબ્બર પ્રતિકૂળ અસર થાય છે. બાળક સતત હતાશા અથવા ઉશ્કેરાટ અનુભવે છે. એવી નબળી પળે એ પોતાનો ગુસ્સો જ્યાં તક મળે ત્યાં ઊતારે છે. ઊગતી પેઢીની માનસિકતાને સમજીને એનો કોઇ ઉપાય થાય એ માટે મનોચિકિત્સકોએ પણ કોઇ નક્કર પગલાં લેવાં ઘટે.

અમેરિકી સમાજની બીજી બાજુ એવી છે કે ચૌદ પંદર વર્ષના કિશોર કિશોરીઓ માતાપિતાથી જુદાં થઇને સ્વચ્છંદી જીવન જીવતાં રહે છે. ગન કન્ટ્રોલની સાથોસાથ ગર્ભપાતના કાયદામાં કરાયેલો ફેરફાર આ હકીકતને સમર્થન આપે છે. ગન કન્ટ્રોલના ખરડા અગાઉ પણ રજૂ થયા હતા પરંતુ એ ઠરાવને પૂરતા મતો મળ્યા નહોતા. એનું  એક કારણ એવું પણ ખરું કે ગન જેવા હથિયાર રાખવાને અમેરિકી અદાલતો મૂળભૂત અધિકાર ગણતી આવી છે. બીજી બાજુ ફાર્માસ્યુટિકલ કંપનીઓની જેમ શસ્ત્ર લોબી પણ એટલી પાવરફૂલ છે કે ગમે તે પક્ષના સાંસદોને પોતાની તરફ વાળી શકે છે. પરિણામે ગન કન્ટ્રોલ ખરડાને પૂરતા મતો મળતા નથી. અત્યારે ખરડો પસાર તો થયો છે. પરંતુ હજુ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ (પ્રતિનિધિ સભા)માં પસાર થાય ત્યારબાદ રાષ્ટ્રપ્રમુખ બાઈડેનની સહી માટે જાય. આ પ્રોસિજર પણ રાતોરાત થઇ જાય એવું માનવાને કોઇ કારણ નથી. આ ખરડો કાયદો બને તો સારું એવું કહી શકાય.


Comments