કલ્યાણજી આણંદજીના સદાબહાર ગીતોમાં સ્થાન પામે એવું સંગીત કોરા કાગઝમાં હતું...


 તમે જૂનાં યાદગાર ગીતોના ચાહક હો અને એવાં ગીતો રજૂ કરતી કોઇ ક્લબના સભ્ય હો તો તમને આ અનુભવ જરૂર યાદ હશે. સંગીતકાર (કલ્યાણજી) આણંદજી ક્યારેક તમારી ક્લબના મુખ્ય મહેમાન તરીકે આવ્યા હોય તો તો તમને જરૂર યાદ હશે. ઓડિયન્સની વિનંતી સ્વીકારીને આણંદજીભાઇ અચૂક એક ગીત ગાઇ સંભળાવે છે. આંખ બંધ કરીને સાંભળો તો તમને એમ જ લાગે કે કિશોર કુમાર ગાઇ રહ્યા છે. આણંદજીભાઇએ જાતે સ્વરબદ્ધ કરેલું એ યાદગાર ગીત આણંદજી પોતાના કંઠે સાંભળવાનો પણ એક લ્હાવો છે. ગાતાં ગાતાં એમની પોતાની આંખો ભીની થઇ જાય છે. એ ગીત એટલે ‘મેરા જીવન કોરા કાગઝ કોરા હી રહ ગયા,  જો લિખા થા, આંસુ સંગ બહ ગયા...’

આજે તો સાઉથની ફિલ્મોની ઢગલાબંધ રિમેક કે ડબ્ડ વર્ઝન હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે વિવિધભાષી નવલકથા કે ટૂંકી વાર્તા પરથી સરસ મજાની ફિલ્મો બનતી. એવી જ એક ફિલ્મ એટલે કોરા કાગઝ. મૂળ બંગાળી લેખક આશુતોષ મુખોપાધ્યાયની નવલકથા સાત પાકે બાંધાની પરથી એ જ નામે બંગાળીમાં બનેલી ફિલ્મનું હિન્દી રૂપાંતર એટલે કોરા કાગઝ. અનિલ ગાંગુલી આ ફિલ્મના ડાયરેક્ટર હતા. અભિનેતા ફિલ્મ સર્જક વિજય આનંદ આ ફિલ્મના હીરો હતા અને એકમેવદ્વિતીય જેવી અભિનેત્રી જયા ભાદુડી બચ્ચન એની હીરોઇન હતી. સાદી સીધી સરળ વાર્તા હતી. પતિ-પત્ની વચ્ચે પતિની માતા દ્વારા ગેરસમજ ઊભી કરાય છે. પતિ-પત્ની છૂટાં પડે છે. પરંતુ એકમેકને ભૂલી શકતાં નથી. થોડાં વરસ પછી એક રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમમાં બંને અકસ્માતે મળી જાય છે. જૂનાં સંભારણાં તાજાં થાય છે. ગેરસમજ દૂર થાય છે અને ફરી બંને એક થાય છે.

આ ફિલ્મની કથા જ એટલી બળકટ હતી કે વધુ ગીતોને અવકાશ નહોતો. રોકડાં ત્રણ ગીતો હતાં. એમ જી હસ્મતની કલમે આ ગીતો રચાયાં હતાં. કલ્યાણજી આણંદજીએે આ ત્રણે ગીતોને એવી સરસ રીતે સ્વરબદ્ધ કરેલાં કે આજે પણ સંગીત રસિકો ભૂલ્યાં નથી. એવું પહેલું ગીત એટલે મેરા જીવન કોરા કાગઝ કોરા હી રહ ગયા... શબ્દોમાં ગજબની સંવેદના ઠલવાઇ છે અને ગીતનું સ્વરાંકન પણ બેમિસાલ બન્યું છે. ઉપશાસ્ત્રીય સંગીતના બે હળવાંફૂલ રાગ ઝિંઝોટી અને ખમાજનો સમન્વ. આ ગીતમાં કરાયો છે. 

શબ્દોની સંવેદના ઓડિયન્સના હૈયા સુધી પહોંચે એટલે ચૌદ માત્રાના દીપચંદી તાલમાં એને ગોઠવ્યા છે. અંતરામાં ઘુંટાયેલી વેદના સાંભળનારને હલબલાવી દેવા પૂરતી છે. અંતરાના શબ્દો છે- એક હવા કા ઝોંકા આયા, ટૂટા ડાલી સે ફૂલ, ના પવન કી ના ચમન કી, કિસ કી હૈ યહ ભૂલ, ખો ગયી ખૂશ્બુ હવા મેં કુછ ન રહ ગયા....  આ ગીત એકવાર કિશોર કુમારે ગાયું છે અને એમાં પોતાનું હૈયું ઠાલવી દીધું છે. કિશોર કુમારને પોતાને ગમતાં ગીતોમાં તેમણે આ ગીતને પણ સ્થાન આપેલું....

બીજાં બંને ગીતો લતા મંગેશકરના કંઠમાં છે. એક ગીત નટખટ કિશોરીઓ ગાતી હોય એવું છે. દરેક ટીનેજરને આ ગીત લાગુ પડી શકે. ખટકદાર કહેરવા તાલમાં અને આપણા સૌના જાણીતા રાગ શિવરંજનીમાં સ્વરબદ્ધ થયેલું એ ગીત આ રહ્યું. મેરા પઢને મેં નહીં લાગે દિલ ક્યૂં,  દિલ પે ક્યા પડ ગઇ મુશ્કિલ... પ્રેમમાં પડી ગયેલી ટીનેજરના દિલની વાત આ ગીતમાં રજૂ થઇ છે.



છેલ્લું ગીત આપણા રાષ્ટ્રીય ગણાય એવા રાગ ખમાજમાં છે. ગાંધીબાપુનું પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ ખમાજ રાગમાં છે એટલે આ લેખક એને રાષ્ટ્રીય રાગ કહે છે. રાગ ખમાજમાં રીસામણાં મનામણાંનું ગીત છે- રૂઠે રૂઠે પિયા મનાઉં કૈસે, આજ ન જાને બાત હુઇ ક્યા, ક્યોં રૂઠે મુઝ સે, જબ તક વો ના બોલે મુઝ સે, મૈં સમજું કૈસે રૂઠે... નાયિકા (જયા ભાદુડી બચ્ચન) નાયક (વિજય આનંદ)ને મનાવે છે એવું ફિલ્માંકન આ ગીતમાં છે અને સરસ રીતે ગીત રજૂ થાય છે. કથા અને માત્ર ત્રણ ગીત હોવા છતાં સંગીતના જોરે આ ફિલ્મે રજત જયંતી ઊજવી હતી. 


Comments