પંડિત શિવકુમાર શર્માની વાત કરતી વખતે આપણે મનોચિકિત્સક ડોક્ટર રમાકાંત કીનીની વાત કરેલી. આ રમાકાંત કીની અધ્યાત્મ માર્ગે પણ આગળ વધેલા હતા. કેટલીક પ્રાચીન વિદ્યાઓ પણ જાણતા હતા. એવી એક વિદ્યા મૃતાત્માઓ સાથે વાત કરવાની હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ પામેલા અમુક પેશન્ટના આત્મા સાથે એ ક્યારેક સંવાદ સાધતા. એમની આ વિદ્યા એમને નુકસાન કરી ગઇ. એક ડોક્ટર મૃતાત્મા સાથે વાતચીત કેવી રીતે કરી શકે એવા મુદ્દા પર એમનું તબીબી લાયસન્સ મેડિકલ કાઉન્સિલે રદ કરેલું. આ વાત જાણીને આપણને એવો સવાલ થાય કે શું મૃતાત્મા સાથે કોઇ ડોક્ટર વાત કરે એ ગુનો છે ? એક માણસ અનેક વિદ્યા કે કલામાં પારંગત હોઇ શકે. આપણે એવા બે ત્રણ ડોક્ટરને જાણીએ છીએ. તમે સૌ પણ જાણતા હશો. એક ડોક્ટર ઇ. એન. ટી. સર્જ્યન (કાન, નાક અને ગળાના નિષ્ણાત) હતા. પરંતુ એમને અન્ય કલામાં રસ હતો. બી. આર. ચોપરાની ફિલ્મ ઇન્સાફ કા તરાજુ જેવી સંખ્યાબંધ ફિલ્મોમાં એમણે યાદગાર અભિનય પીરસ્યો હતો. હવે તમને યાદ આવી ગયું હશે. યસ, આ વાત ડોક્ટર શ્રીરામ લાગુની છે. એમણે મરાઠી રંગભૂમિ અને હિન્દી-મરાઠી ફિલ્મોમાં ચાદગાર અભિનય કર્યો હતો. એમનું તબીબી લાયસન્સ પણ રદ કરાયું હતું. જો કે શ્રીરામ લાગુને એનો વાંધો નહોતો. તબીબી પ્રેક્ટિસ કરતાં ફિલ્મો અને નાટકોમાં એમને વધુ અર્થલાભ થતો હતો. નાણાં કરતાંય વધુ તો અભિનય કલાએ એમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી હતી.ડૉક્ટર લાગુ 92 વર્ષની વયે પૂનામાં અવસાન પામ્યા.
એવોજ બીજો કિસ્સો ડોક્ટર મોહન અગાશેનો ગણી શકાય. ડોક્ટર અગાશે મનોચિકિત્સક છે. એ મુંબઇથી થોડે દૂર આવેલા ઉપનગર થાણેની એક મેન્ટલ હોસ્પિટલમાં કાર્યરત હતા. ડોક્ટર અગાશેએ પણ મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ કરી છે. એમને નાટકોમાં અભિનય માટે સાહિત્ય એકેડેમીનો એવોર્ડ અને એક નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. ડોક્ટર હોય અને અન્ય કોઇ લલિત કલામાં જન્મજાત પ્રતિભા ધરાવતા હોય એમાં ખોટું શું છે એ સમજાતું નથી. એમની સામે પણ મેડિકલ કાઉન્સિલે પગલાં લીધાં હતાં.
બી. આર. ચોપરાની અજોડ ટીવી સિરિયલ મહાભારતના ભગવાન કૃષ્ણ એટલે કે અભિનેતા નીતિશ ભારદ્વાજ વેટરનરી (પશુ-પક્ષી)ના ડોક્ટર છે. એ હાલ અમેરિકામાં વસી ગયા છે. અમદાવાદના કમ સે કમ બે-ત્રણ ડોક્ટરો વિશે આ લખનાર જાણે છે. એક કાર્ડિયોલોજિસ્ટ ઉત્તમ મેંડોલીનવાદક છે અને એક ગાયનેકોલોજિસ્ટ બહેન લતાનાં ગીતો ગાવા માટે પ્રખ્યાત છે. એ જ એમની વિશેષતા ગણાવી જોઇએ. કોરોના કાળમાં ડોક્ટરો વિશે ઘણો અપપ્રચાર થયો હતો કે ડોક્ટરો દર્દીઓને લૂંટે છે વગેરે. એને બદલે આવી સર્જનાત્મક પ્રવૃત્તિથી એમને સુયશ મળે એમાં અનુચિત શું છે ?
વ્યાવસાયિક આચાર સંહિતાનો ભંગ કરતા હોય એવા ડોક્ટરો સામે પગલાં લેવાય એ સમજી શકાય. જો કે વાસ્તવિકતા જુદી છે એ આપણે સૌ જાણીએ છીએ. અભિનેતા આમિર ખાને પોતાના સત્યમેવ જયતે ટીવી શોમાં ડોક્ટરો વિશેનો એપિસોડ રજૂ કર્યો ત્યારે એક કરતાં વધુ મેડિકલ કાઉન્સિલોએ આમિર ખાનના બહિષ્કારની ધમકી ઉચ્ચારી હતી એ તમને યાદ હશે. આખરે તો ડોક્ટર પણ મારા તમારા જેવા માણસ છે. દરેકમાં કોઇ ખૂબી અને કોઇ ખામી હોય એ સ્વાભાવિક છે.
Comments
Post a Comment