આમ તો આ વાર્તા આપણે સૌએ અમિતાભ બચ્ચનની ફિલ્મમાં જોયેલી. ડોન મરી જાય પરંતુ ડોનની જગ્યાએ એના જેવો ચહેરો ધરાવતો બીજો માણસ પોલીસ વડાની ઇચ્છાથી ગોઠવાઇ જાય. હવે ડોનના સ્થાને પોલીસ ઈન્સ્પેક્ટર મૂકી દો. પછીનાં વરસોમાં અક્ષય કુમારની રાઉડી રાઠોડમાં પણ આવો પ્રયોગ હતો. સુભાષ ઘાઇની ફિલ્મ કાલીચરણમાં માફિયાના હાથે માર્યા ગયેલા એક પોલીસ ઇન્સ્પેક્ટરની જગ્યાએ પોલીસ વડા મરનારના હમશકલને ગોઠવી દે છે. બાકી બધું રાબેતા મુજબ. ફિલ્મ સર્જક-ડાયરેક્ટર તરીકે સુભાષ ઘાઇની આ પહેલી ફિલ્મ. શત્રુઘ્ન સિંહા ડબલ રોલમાં. સાથે રીના રોય, પ્રેમનાથ, અજિત, મદન પુરી અને ડેની ડેન્ઝોંગ્પા. આ ફિલ્મે કથાની માવજત અને ગીત સંગીતના જોરે રજત જયંતી ઊજવી.
ફિલ્મમાં માત્ર ચાર ગીતો હતાં. બે ગીતો ગાયક-ગીતકાર-સંગીતકાર રવીન્દ્ર જૈનના હતા. બે ગીતો ઇન્દ્રજિત સિંઘ તુલસીનાં હતાં. મુહમ્મદ રફી, કિશોર કુમાર, લતા મંગેશકર, આશા ભોંસલે, અનુરાધા પૌડવાલ અને કંચન વચ્ચે આ ચાર ગીતો વહેંચાયેલાં હતાં. આ લખનારની દ્રષ્ટિએ સૌથી મજેદાર ગીત બાળ કલાકારો પર ફિલ્માવાયું હતું. સ્કૂલના મેળાવડામાં બાળકો ગાય છે એવું આ ગીત બાળકોની દ્રષ્ટિએ જીવનની ફિલસૂફીથી છલોછલ છે. કંચન અને અનુરાધા પૌડવાલના કંઠમાં છે. એક બટા દો, દો બટા ચાર, છોટી છોટી બાતોં મેં બંટ ગયા સંસાર, નહીં બટા હૈ, નહીં બટેગા, ઓહો હો, મમ્મી ડેડી કા પ્યાર... રમતિયાળ તર્જ અને લયથી સજેલા આ ગીતમાં સમજવા જેવી ઘણી વાતો રવીન્દ્ર જૈને મૂકી છે.બાળકોના દિલની વાત અહીં રજૂ થઇ છે.એક અંતરામાં કહે છે, નહીં અંબર સા કોઇ દાતા, નહીં ધરતી સા કોઇ દાની, નહીં ડેડી સા કોઇ રાજા, નહીં મમ્મી સી કોઇ રાની, હર પાપા કી હર બેટે સે આગે ચલે કહાની, નહીં બટા હૈ, નહીં બટેગા મમ્મી ડેડી કા પ્યાર, એક બટા દો, દો બટા ચાર... આ ગીતનું ફિલ્માંકન પણ સરસ થયું છે..
રવીન્દ્ર જૈનની બીજી રચના આઇટમ સોંગ જેવી એેક રચના છે. આશા ભોંસલે અને કિશોર કુમારના કંઠે રજૂ થયેલા આ ગીતનું મુખડું છે યહ પલ ચંચલ, ખોના દેના કહીં ઓ દિવાને, રોજ રોજ આતે નહીં, ઐસે મૌકે દિલ કો લુભાને... પાશ્ચાત્ય શૈલીના કહેરવામાં આ ગીતમાં ભૈરવી અને શિવરંજની એ બે રાગનો આધાર લઇને ગીતને મસ્તીભર્યું બનાવવામાં સંગીતકારોને ધારી સફળતા મળી છે.અરે બાર બાર, ઓ બાર બાર, તુમ કો હમ સબ કા પ્રણામ, તુમ કિતને બડે હો, કિતને મહાન હો, હા હા કિતને મહાન, યે લોગ ક્યા જાને, યે લોગ ભલા ક્યા પહચાને, તુમ જાનો યા હમ જાને... શબ્દો પાછળ રહેલો કટાક્ષ સમજી શકાય એવો છે કે બહારથી ઊજળા થઇને ફરતા ખલનાયકની અસલિયત શી છે અને કેવી છે. પહેલી નજરે ભગવાન ભોળાનાથ શિવના ભજન જેવું લાગે એવું આ ગીત છે. ઇન્દ્રજિત સિંઘ તુલસીના આ ગીતને મુહમ્મદ રફી અને આશા ભોંસલેએ ગાયું છે. જાહેર સભામાં હારતોરા પહેરીને બેઠેલા નેતાલોગ સામે આ ગીત શત્રુઘ્ન સિંહા અને સમૂહ ગાય છે. સાથે સાથે નેતાલોગને રીઝવવા ડાન્સના સ્ટેપ્સ મૂક્યા છે. ગીત ફાસ્ટ લયમાં છે.
છેલ્લું ગીત પણ ઇન્દ્રજિત સિંઘ તુલસીનું છે. જા રે જા ઓ હરજાઇ દેખી તેરી દિલદારી, દિલ દેકર મૈં કર બેઠી દિલ કે દુશ્મન સે યારી... આ ગીત લતાના કંઠમાં છે. પરદા પર ડાન્સ કરતી રીના રોય પર ફિલ્માવાયું છે. પંજાબી ભાંગડા ટાઇપનાં તર્જ-લય છે. અહીં પણ જાહેર સમારોહ હોય એવું દ્રશ્ય છે. આ ગીતમાં તર્જની તુલનાએ આણંદજી અને બાબલાએ સર્જેલો લચીલો લય વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે. પોલીસ વડા તરીકે પ્રેમનાથનો દબદબો આ ગીતમાં પણ જોવા જેવો રહ્યો છે.
સુભાષ ઘાઇને ન્યાય કરવા એટલું કહેવું પડે કે વાર્તાની માવજત દર્શકને જકડી રાખે એવી કરી છે. ગીતોની સજાવટ પણ પ્રસંગને અનુરુપ છે. કલ્યાણજી આણંદજીની સંગીતયાત્રાનો આ ત્રીજો દાયકો હતો. છતાં એ સતત હિટ સંગીત પીરસતા રહ્યા હતા. શત્રુઘ્ન સિંહા સાથે તો એવી દોસ્તી થઇ ગઇ હતી કે ઘણીવાર શત્રુઘ્ન કલ્યાણજી આણંદજીના સ્ટેજ શોમાં પણ રજૂ થતો રહ્યો હતો. શત્રુ અને સંગીતકારો વચ્ચે ચબરાકિયા સંવાદો થતા. ત્યારબાદ ગીત રજૂ થતાં.
વાહ!
ReplyDelete