એકવાર વહેલી પરોઢે ધ્યાન કરતા હતા ત્યારે યાદ આવ્યું કે શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે સંતુરને આદરણીય સ્થાન અપાવવાનું વચન પિતાને આપેલું. ફિલ્મોમાં વ્યસ્ત થઇ ગયેલા એટલે શાસ્ત્રીય સંગીતની બેઠકોમાં એમને મળતાં આમંત્રણો ઓછા થઇ ગયા. ફરી શાસ્ત્રીય સ્ટેજ પર એમને સ્થાપિત કરવામાં પંડિત જસરાજે માતબર ફાળો આપ્યો. એવો પહેલો પ્રોગ્રામ પંડિત જસરાજજી સાથે અમૃતસરમાં હતો. એ જમાનામાં જૂનવાણી ટ્રેનો હતી. પ્રવાસમાં થકવી દે. પંડિત જસરાજજી સાથે ત્રણ દિવસનો ટ્રેન પ્રવાસ કરીને અમૃતસર પહોંચ્યા. સ્ટેશન પર એક બેઠી દડીના સ્થૂળ સજ્જન લેવા આવેલા. પંજાબી શૈલીમાં બોલ્યા, ઓ જી, આ ગયે જી, કિ હાલ હૈ જી... પછીની વાત શિવજીના શબ્દોમાં.
‘અમે એમના આવકારદાયક શબ્દોનો સવિનય જવાબ આપ્યો અને આજે સાંજે કોનો કોનો પ્રોગ્રામ છે એ વિશે પૂછ્યું. પેલા સજ્જન હોંશભેર બોલી ઊઠ્યા- ઓ જી આજ પ્રભાત રે ગા રહી હૈ... એ સાંભળીને હું ચમક્યો. આ વળી કઇ નવી ગાયિકા છે જેના વિશે હું કશું જાણતો નથી. જસરાજજીએ મારા કાનમાં ફૂંક મારી, મૂંઝાઓ નહીં, આ પંજાબી ઉચ્ચારો છે. આજે કિરાણા ઘરાનાના ડોક્ટર પ્રભા અત્રે ગાવાનાં છે...’ આટલું વાંચીને તમને ખ્યાલ આવ્યો ? સ્વભાવે અત્યંત ગંભીર પ્રકૃતિના અને અંતર્મુખ સ્વભાવ ધરાવતા શિવજી વાસ્તવમાં અંતરંગ મિત્રો સાથે સરસ રમૂજ પણ કરી શકતા. પ્રસંગને અનુરૂપ હળવાશને માણવાની કલા પણ એમનામાં હતી. એવો ઔર એક પ્રસંગ મમળાવવા જેવો છે.
શિવજી, હરિજી અને બ્રિજભૂષણ કાબરા
--------------------------------------------------------------------------
અમદાવાદમાં વસતા મૈહર ઘરાનાના હવાયન ગિટારવાદક પંડિત બ્રિજભૂષણ કાબરા મુંબઇ જાય ત્યારે શિવજીના વન બીએચકે ફ્લેટમાં ઊતરતા. જો કે મુંબઇમાં બ્રિજભૂષણની બહેનનો સરસ બંગલો હતો. પરંતુ બ્રિજભૂષણ શિવજીને ત્યાં ઊતરતા. રોજ સવારે ભરપુર નાસ્તો કરીને હવાયન ગિટાર પર ઝાલાની પ્રેક્ટિસ કરતા. બ્રિજભૂષણે હવાયન ગિટાર પર ભારતીય સંગીત ઊતારેલું. એ દિવસોમાં મિશ્રા અટકધારી એક તબલાવાદક શિવજીને ત્યાં તબલાં વગાડવા આવતો. એકવાર તબલાંવાદક અચાનક આવતો બંધ થઇ ગયો. શિવજીને નવાઇ લાગી. મોબાઇલ ફોન એ જમાનામાં નહોતા. પેલા તબલાંવાદકને પકડવો ક્યાં.
એક દિવસ વાંદરા-ખાર વિસ્તારમાં શિવજીને મળી ગયો. એને પૂછ્યું, કેમ ભાઇ, અચાનક આવતા બંધ થઇ ગયા. મિશ્રાજીએ શો જવાબ આપ્યો એ હવે શિવજીના શબ્દોમાં માણો- ‘ક્યા કહું ભાઇ, વો આપ કે યહાં અહમદાબાદ સે પહલવાનજી આયે હૈં ના, રોજ ડેઢ દો ઘંટા ઝાલા બજાતે હૈં, દ્રુત લય મેં ઇતના બજાતે હુએ હમરી બાંહેં થક જાતી હૈ... આપ તો કછુ બોલતે નહીં...’ પછી મેં એમને સમજાવ્યા કે તમે આવો. તમને થાક ન લાગે એ રીતે નાસ્તો કરાવીશું, ચા પાણી પીવડાવશું... એ આવતા થયા. અમે એમને દર અડધા પોણા કલાકે લીંબુ શરબત કે ચા અને બિસ્કીટ આપતા.
આ જ સંદર્ભમાં બીજો કિસ્સો. પિતાએ શિવજી સાથે કેવલ નામનો એક શિષ્ય મુંબઇ મોકલેલો. એ શિવજીની રસોઇનો વિભાગ સંભાળતો. એકવાર બ્રિજભૂષણના મોટાભાઇ અને મૈહર ઘરાનાના ટોચના સરોદ વાદક પંડિત દામોદરદાસ કાબરા મુંબઇ આવ્યા. બ્રિજભૂષણની તુલનાએ દામોદરદાસ કદાવર વ્યક્તિત્વ ધરાવતા હતા. છ ફૂટ બે ઇંચની ઊંચાઇ અને કસરતી કાયા. આ વખતે કેવલ ગૂમ થઇ ગયો. બે દિવસ પછી શિવજીને વાંદરા શાકમાર્કેટ તરફ મળી ગયો. શિવજીએ પૂછ્યું ક્યાં છે ભાઇ તું, પિતાજી તારા વિશે પૂછે તો મારે શો જવાબ આપવો ?
કેવલ કહે, હું, તમે અને બ્રિજજી એમ ત્રણ જણ તો છીએ. હવે બ્રિજજીના ભાઇ આવ્યા. બ્રિજજીનો સવારનો નાસ્તો જોતાં એમના ભાઇનો ખોરાક કેવો હશે એ વિચારે હું ડરી ગયેલો કે મારે ડબ્બલ રસોઇ કરવી પડશે. એટલે ઘેર આવતાં ગભરાતો હતો. શિવજી મુક્ત મને હસી પડ્યા અને એને સમજાવીને ઘેર લઇ આવ્યા. અંતરંગ દોસ્તો પાસે શિવજી કેવી રમૂજ કરી શકતા અને હળવા રહી શકતા એ આ પ્રસંગો પરથી સમજી શકાશે. (આવતા શુક્રવારે પૂરું)
Comments
Post a Comment