ગીત પછી રામાનંદ સાગરની લલકારના સંગીતે રજત જયંતી કરવામાં ફાળો આપ્યો

 


             


1970માં રામાનંદ સાગરની ગીત ફિલ્મમાં કલ્યાણજી આણંદજીએ ફિલ્મની  કથાને અનુરુપ સંગીત આપીને ફિલ્મને હિટ થવામાં સહાય કરેલી. એ ફિલ્મે રજત જયંતી ઊજવી હતી. આ વાત યાદ રાખીને 1972માં રામાનંદ સાગરે ફરી પોતાની ફિલ્મ લલકાર માટે કલ્યાણજી આણંદજીને તક આપી. લલકારમાં એક યુવતીને પ્રેમ કરતા બે સગ્ગા ભાઇની વાત હતી. બંને લશ્કરી અધિકારી હતા. આ બંનેમાં યુવતી કોને પ્રેમ કરે છે એ સ્પષ્ટ થાય એ પહેલાં બંને ભાઇઓ યુદ્ધકાલીન ફરજ બજાવવા રણમોરચે ઊપડી જાય છે. બાકીની વાત કહેવાથી ફિલ્મ જોવાની મજા મરી જાય.

આ ફિલ્મમાં ચચ્ચાર ગીતકાર હતા. ચારેના મિજાજ જુદા. પરંતુ સંગીતકારોએ ચારેને સંતોષ થાય એ રીતે કામ કરેલું. ચાર ગીતકાર એટલે હસરત જયપુરી, કુલવંત જાની, ઇન્દિવર અને મહેન્દ્ર દહેલવી. સંગીત તૈયાર કરતી વખતે બંને હીરો ધર્મેન્દ્ર અને રાજેન્દ્ર કુમારની ઇમેજને ધ્યાનમાં રાખીને કામ કરવાનું હતું. આ બંનેની ઇમેજ અલગ હતી. સંગીતકારોએ અહીં મુહમ્મદ રફી,  મહેન્દ્ર કપૂર, મનહર ઉધાસ, લતા મંગેશકર, આશા ભોંસલે, સુષમાં શ્રેષ્ઠા (પાછળથી નામ બદલીને પૂર્ણિમા) અને માલા સિંહાને અજમાવ્યાં હતાં.

મુહમ્મદ રફી અને લતાના કંઠે રજૂ થતા રોમાન્ટિક ગીત બોલ મેરે સાથિયા કિતના મુઝ સે પ્યાર હૈ... જવાબ મળે છે જિતની સાગર કી ગહરાઇ, જિતની અંબર કી ઊંચાઇ... હસરત જયપુરીની આ રચનામાં સંગીતકારોએ ભૈરવી અને કીરવાણી એમ બે રાગ અને કહેરવા તાલનો સુંદર ઉપયોગ કર્યો છે. ગીત હિટ નીવડ્યું હતું,  

આ જ બંને રાગ પર આધારિત એક ગીત પંજાબી લોકગીત ટાઇપનું બન્યું છે. એમાં વજન બદલેલા કહેરવા તાલે સારો ફાળો આપ્યો છે. પહેલું ગીત રાજેન્દ્ર કુમાર અને માલા સિંહા પર હતું તો આ ગીતમાં માલા સિંહા સાથે ધર્મેન્દ્ર છે. માલા સિંહા સાઇકલ પર જાય છે ત્યારે પાછળથી ધર્મેન્દ્ર ગાય છે જરા મૂડ કે તો દેખ કૂડિયે, જરા દેખિયે જાતે જાતે,  ઓ માંગું ના કોઇ ખૈરાત, ચાહું ના કોઇ સૌગાત...

આ ફિલ્મમાં કલ્યાણજી આણંદજીએ રાગમાલાનો પણ એક પ્રયોગ કર્યો છે. બંને નાયકોની ગેરહાજરીમાં નાયિકા માલા સિંહા ગાય છે એ ગીત લતાના કંઠમાં છે. અહીં ત્રણ અલગ અલગ રાગો અજમાવાયા છે- ચંદ્રકૌંસ, ભૈરવી અને કાલિંગડો. હસરત જયપુરીના શબ્દોના ભાવને સજીવન કરવા રાગમાલા અજમાવાઇ છે. મુખડું છે કભી હમને નહીં સોચા થા સનમ કિ તેરે બિન ભી જીના પડેગા હમેં, વો દામન જો ભરા કરતે થે ફૂલોં સે, ઉસે કાંટોં સે સીના પડેગા હમેં... આ વિરહગીતનું ઓરકેસ્ટ્રેશન સચોટ છે. સાંભળનારને ગીત ગમગીન કરી દે એવું બન્યું છે.

એક નશીલું ગીત આશા ભોંસલેના કંઠમાં છે. મૈંને કહા ના ના ના, ઉસને કહા હાં હાં હાં, ફિર મેરી ના ના ના મેં, ઉસકી હાં હાં હાં મેં સારી રાત કટી, રામા રાત કટી... પરદા પર કુમકુમ અને સાથીઓનો ડાન્સ છે જેમાં ગીતના શબ્દો ને અનુરુપ ડાન્સના સ્ટેપ્સ ગોઠવ્યા છે. આ ગીત કુલવંત જાનીએ રચ્યું છે. 

સુષમા શ્રેષ્ઠા અને મહેન્દ્ર કપૂરના ફાળે એક સરસ ભજન આવ્યું છે- યે કૈસી નિરાશા શ્યામજી કે દ્વારે, પ્રભુ ચરનન સે છોડ ન આશા.. નાયકોની વાટ જોતાં રજૂ થયું હોય એવી છાપ પડે છે.

પહેલીવાર ખુશમિજાજ અને બીજીવાર કરુણ સ્વરોમાં રજૂ થતું ઇન્દિવરે રચેલું ગીત આજ ગા લો મુસ્કુરાલો, મહફિલેં સજા લો, ક્યા જાને કલ કોઇ સાથી છૂટ જાયે... લશ્કરના જવાનો વચ્ચે ગવાતું હોય એવું છે. કથામાં ત્યારબાદ નાયકો ગૂમ થયેલા દેખાડાય છે. તર્જમાં એક પ્રકારનો આર્તનાદ સંભળાતો હોય એવી અસર વાદ્યવૃન્દે ઊભી કરી છે.

મેરે મહેબૂબ મેરી બાત તુમ્હેં ક્યા માલૂમ, મેરી ધડકન, મેરે જજ્બાત તુમ્હેં ક્યા માલૂમ... ઘુંટાયેલી વેદના રજૂ કરતું આ ગીત મનહર ઉધાસ અને સંવાદના ભાવ રૂપે માલા સિંહાના કંઠમાં છે. મનહર ઉધાસે ભાવપૂર્ણ રજૂઆત દ્વારા શબ્દોને જીવંત કર્યા છે. આ ગીતના શબ્દો હસરત જયપુરીના છે. ફિલ્મ લલકાર હિટ નીવડી હતી અને એણે રજત જયંતી ઊજવી હતી.

Comments