આજે તો મ્યુઝિક થેરપીના સંખ્યાબંધ પ્રયોગો થઇ રહ્યા છે. મુંબઇમાં એક સિતારવાદક આવા પ્રયોગો કરે છે તો બેંગાલુરુમાં એક વીણાવાદક આવા પ્રયોગો કરે છે. પરંતુ આ ક્ષેત્રે પંડિત શિવકુમાર શર્માને પાયોનિયર ગણી શકીએ. એની વાત માંડીને કરવા જેવી છે. 1960ના દાયકામાં જ્યારે શિવજી ઢગલાબંધ ફિલ્મોમાં સંતુરનો જાદુ પ્રસરાવી રહ્યા હતા ત્યારની વાત છે. એક દિવસ શિવજીને મુંબઇની બોમ્બે હોસ્પિટલના સિનિયર મનોચિકિત્સકનો સંદેશો મળ્યો. સંદેશાનો સાર એટલો કે આપ અમારી હોસ્પિટલના પરામનોવિજ્ઞાન (પેરાસાયકોલોજી) વિભાગની મુલાકાત લ્યો એવી વિનંતી છે.
શિવજીને થોડું વિસ્મય તો થયું કે હોસ્પિટલના પેરાસાયકોલોજી વિભાગનું આમંત્રણ કેમ આવ્યું હશે. પરંતુ પોતે શિક્ષિત વ્યક્તિ એટલે એ તો બોમ્બે હોસ્પિટલની મુલાકાતે ગયા. ત્યાં સિનિયર મનોચિકિત્સક ડોક્ટર રમાકાંત કીની સાથે તેમની મુલાકાત થઇ. ડોક્ટર કીનીએ શિવજીનું વિસ્મય બેવડાઇ જાય એવી વાત કરી. ત્રીસ વર્ષના પોતાના મનોચિકિત્સક તરીકેના અનુભવોને આધારે ડોક્ટર કીનીએ શિવજીને કહ્યું, તમારું વાજિંત્ર અમારા ક્ષેત્રમાં ચમત્કાર કરી રહ્યું છે. નખલી કે મિજરાબથી વાગતાં સિતાર, સરોદ, વીણા વગેરે વાદ્યોની તુલનામાં તમારું એકસો તારનું વાજિંત્ર માનવ શરીરના એક્કે એક કોષ પર પોઝિટિવ અસર કરે છે. આ મારો મનોચિકિત્સક તરીકેનો અનુભવ છે. હું સંગીત સમજતો નથી. પરંતુ મેં તમે વગાડેલા કેટલાક રાગની કેસેટ્સ બજારમાંથી ખરીદી હતી અને મારા વોર્ડમાં રહેલા દર્દીઓને પ્રયોગ રૂપે સંભળાવતો હતો. સાચું માનજો, મને એક ક્વોલિફાઇડ મનોચિકિત્સક તરીકે અજોડ અનુભવ થયા.
ડોક્ટર કીનીએ વધુમાં શિવજીને એવી માહિતી આપી કે આધાશીશી (માઇગ્રેન), કરોડરજ્જુની તકલીફો, આર્થરાઇટિસ, હાઇપર ટેન્શન વગેરે મનોરોગમાં રાગ યમન કલ્યાણ, કેદાર, બાગેશ્રી, પુરિયા અને તિલક કામોદે સચોટ અસર કરી છે. કેટલાક કેન્સરના કેસમાં પણ દર્દીને તમારા સંતુરથી પીડાશામક (સેડેટીવ) અસર થયાનું મેં જોયું છે...ત્યારપછી તો શિવજીને વિદેશમાં પણ આવો અનુભવ થયો. અમેરિકામાં મહર્ષિ મહેશ યોગી ફાઉન્ડેશનની હોસ્પિટલમાં શિવજીના સંતુરવાદનથી દર્દીઓને રાહત આપવાના પ્રયોગો ડોક્ટર દીપક ચોપરાએ પણ કરેલા. જર્મનીમાં વર્લ્ડ કોંગ્રેસ ઓફ સાઇકીયાટ્રિસ્ટસની મિટિંગ હતી. એમાં જગવિખ્યાત મનોચિકિત્સક ડોક્ટર ગન્ટર એમોને પણ પોતાને થયેલા અનુભવની વાત ડોક્ટર કીનીને કરેલી. એ વાત ડોક્ટર કીનીએ શિવજીને કરી. ડોક્ટર એમોન ડોઇત્ચ સાઇકીયાટ્રિક એકેડેમીમાં સંબંધિત વિભાગના વડા હતા. આ ડોક્ટરોનો અભિપ્રાય એવો હતો કે સિતાર, સરોદ, વીણા જેવાં અન્ય તંતુવાદ્યોની સરખામણીમાં સંતુરનો રણકાર અત્યંત મૃદુ અને સૌમ્ય છે જે મગજના ચોક્કસ હિસ્સાને સક્રિય કરે છે અને શરીરના પ્રત્યેક કોષમાં એક નવું ચેતન કે સ્ફૂર્તિ પ્રેરે છે. ખાસ કરીને મનોરોગીઓમાં સંતુરનો રણકાર જબરદસ્ત પોઝિટિવ અસર કરે છે. (યોગાનુયોગે દર્દીઓ પર આવીજ અસર પંડિત હરિપ્રસાદ ચૌરિસયાના બાંસુરીવાદને પણ કરેલી. એની વાત ફરી ક્યારેક.) જર્મની અને યૂરોપના બીજા દેશોમાં શિવજીના સંતુરની મદદથી મનોરોગીઓને આજે પણ સારવાર અપાય છે.
અહીં ઔર એક આડવાત. શિવજીની પહેલાં પણ કેટલાક કલાકારો સંતુર વગાડતા હતા. શંકર જયકિસનના બાંસુરીવાદક સુમંત રાજ, ભજન સોપોરી, ઉલ્હાસ બાપટ વગેરે ઘણા કલાકારો સંતુર વગાડતા હતા. એમની સંતુરવાદનની શૈલી કરતાં શિવજીએ પોતાની તદ્દન અનોખી શૈલી વિકસાવી. અગાઉ કહેલું એમ સંતુરના તારની સંખ્યા, જુદા જુદા સૂરમાં મેળવવાની પદ્ધતિ વગેરે પ્રયોગો પણ કરતા રહેલા. સાંઠીકડી વડે તાર પર ઝંકાર કરતી વખતે વધુમાં વધુ સૌમ્ય અને મૃદુ સ્વર પ્રગટે એ માટે તેમણે દિવસ-રાત અથાક પ્રયાસો આદર્યા. તમે અન્ય કલાકારોનું સંતુરવાદન સાંભળો અને શિવજીનું સંતુરવાદન સાંભળો. રણકારમાં આસમાન જમીનનો ફરક અનુભવાશે.
ઔર એક વાત. યૂરોપના દેશોમાં ભારતીય ધ્યાન (મેડિટેશન)ને લોકપ્રિય બનાવવાના પ્રયાસો કરી રહેલા ડોક્ટર રિચર્ડ વીલીસે પણ એક મુલાકાતમાં શિવજીને કહ્યું હતું કે તમારા વાજિંત્રની સહાયથી મારા વિદ્યાર્થીઓને સહેલાઇથી ધ્યાનમાં ઊતારી શકાય છે. આ વાતને ડોક્ટર દીપક ચોપરાએ પણ સમર્થન આપેલું. ચિત્તને શાંત અને નિર્વિચાર કરવામાં સંતુરવાદન ઘણી સહાય કરે છે એવું આ ડોક્ટરોનું કહેવું હતું. સ્વાભાવિક છે, સિનિયર ડોક્ટરો દ્વારા આવો અભિપ્રાય મળે તો શિવજીને પોતાની સ્વરસાધનાની તપશ્ચર્યા સાર્થક થતી લાગે એમાં કોઇ નવાઇ ખરી ! પોતાના પુત્રને સંતુર વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ અપાવશે એવી પંડિત ઉમાદત્ત શર્માની આંતરસ્ફૂરણા કેટલી બધી સચોટ કહેવાય !
વાહ અજિતભાઈ. આવા જ સુંદર લેખો લખતા રહેજો.
ReplyDelete