‘પિતાજી, મારું શરીર ભારે તાવમાં ધગી રહ્યું છે, એની આપને શી રીતે જાણ થઇ...?


સંતુર વગાડતા થયા ત્યારબાદ શિવકુમારને કલકત્તાથી સતત આમંત્રણ મળતાં. એ દિવસોમાં ફક્ત કલકત્તા અને મુંબઇમાં અવારનવાર સંગીત પરિષદો યોજાતી. એવા એક કાર્યક્રમ માટે શિવજી કલકત્તામાં હતા. એ દિવસોમાં વાહનવ્યવહાર આજના જેવો નહોતો. ટ્રેનના કોલસાવાળા એંજિન અને પહેલાં જમ્મુથી બસમાં અમૃતસર આવવાનું અને ત્યાંથી ટ્રેન પકડવાની. પરિણામે પ્રવાસ થકવી દેનારો અને ધૂળ-કોલસીથી ભરેલો રહેતો. એમાં હવા-પાણી બદલાયાં એટલે શિવજીને તાવ આવી ગયો. એમના દોસ્ત પંડિત જસરાજે તરત ડોક્ટરની વ્યવસ્થા કરી. ડોક્ટરે દવા આપી પરંતુ તાવ કેમે કરીને ઊતરે નહીં. ઊલટું પ્રોગ્રામની આગલી રાત્રે તો શિવજી પથારીમાંથી ઊભા ન થઇ શકે એવી સ્થિતિ હતી.

બીજી સવારે જમ્મુથી તાર આવ્યો. ડોક્ટરની દવા તત્કાળ બંધ કરીને આયુર્વેદની ફલાણી ફલાણી દવા લઇ લે... પંડિત ઉમાદત્ત શર્માએ તારમાં જણાવેલું. શિવજીએ પિતાની સલાહ માનીને એલોપથીની દવા બંધ કરી અને પિતાએ સૂચવેલી આયુર્વેદની દવા લીધી. ત્રણ સાડા ત્રણ ડિગ્રી જેટલો તાવ ગાયબ થઇ ગયો. પ્રોગ્રામ હિટ ગયો. જમ્મુ પાછા ફર્યા ત્યારે શિવજીએ પિતાને પૂછ્યું કે મને આટલો બધો તાવ આવ્યો છે એની આપને જાણ કેવી રીતે થઇ ? એકના એક પુત્રનો આ સવાલ સાંભળીને પિતા મીઠું મલક્યા. ‘સવારે સાડા ત્રણ વાગ્યે હું ધ્યાનમાં બેઠો હતો ત્યારે મને તું પથારીમાં તરફડી રહ્યો છે એ દ્રશ્ય દેખાયું. તરત મેં નિર્ણય કર્યો કે મારે તને આયુર્વેદની રામબાણ દવાઓ સૂચવવી જોઇએ. નાહી ધોઇને તરત હું તાર કરવા ગયો. તારી તબિયત કાબુમાં આવી ગઇ છે એની મને ભીતરથી પ્રતીતિ થઇ...’ પિતાએ સમજાવ્યું. શિવજીને પહેલીવાર ધ્યાનનું મહત્ત્વ સમજાયું. એ દિવસથી પોતે પણ ધ્યાન કરતા થયા. દુનિયામાં ગમે ત્યાં હોય, રાત્રે ગમે તેટલું મોડું થયું હોય, સવારે ચાર વાગ્યે ધ્યાન કર્યા પછી શિવજી બીજાં કામ કરે. 

                                                      **********

એવોજ એક બીજો રસપ્રદ પ્રસંગ છે. સ્કૂલમાં ભણતા હતા ત્યારની વાત છે. એક ગણિત શિક્ષક મહા ક્રોધી. શિવજીની મોટી  બહેન તો પરણી ગયેલી. ઘરમાં બીજાં કોઇ ભાઇ-બહેન નહીં એટલે આખો દિવસ રિયાઝ કર્યા કરે. જમવાનો સમય થાય ત્યારે માતા બોલાવવા આવે. બાકી શિવજી પોતાના  રિયાઝમાં અથવા કહો કે સ્વરસમાધિમાં ડૂબેલા રહે. પરિણામે ભણવામાં પાસિંગ માર્કથી આગળ વધે નહીં. એકવાર પરીક્ષામાં ગણિતના વિષયમાં સોમાંથી માત્ર બે માર્ક આવ્યા. ગણિત શિક્ષકના ક્રોધનો પાર નહીં. એ વર્ગમાં બરાડ્યા-‘એ શિવચંદ્ર, રાજપુરોહિતનો દીકરો થઇને આખો દિવસ પાટલી પર તબલાં વગાડ્યા કરે છે... ભણવામાં ધ્યાન આપ નહીંતર તારા પિતા ભર્યા દરબારમાં મારી ધૂળ કાઢી નાખશે...’ આટલું કહીને અટક્યા નહીં, આખો દિવસ શિવચંદ્રને બેન્ચ પર ઊભા રાખ્યા.

વરસો પછી શિવચંદ્ર ઇન્ટર કોલેજિયેટ ફેસ્ટિવલમાં ગોલ્ડ મેડલ જીતી આવ્યા ત્યારે એક દિવસ રસ્તામાં સામેથી પેલા ગણિત શિક્ષકને આવતાં જોયા. શિવચંદ્ર રસ્તો બદલવા જતા હતા ત્યાં ગણિત શિક્ષક સામે આવી ગયા અને શિવચંદ્રને કહ્યું, શિવચંદ્ર, તારી  પ્રતિભાને હું પિછાણી શક્યો નહીં. તને બહુ આકરી સજા કરી. મને માફ કરી દેજે... વૃદ્ધ ગણિત શિક્ષકને આમ કહેતાં સાંભળીને શિવજી ગદ્ગદ થઇ ગયા.

જો કે ઉસ્તાદ અલ્લારખ્ખાએ એક અનૌપચારિક મુલાકાતમાં કહેલું, શિવજી ગણિતમાં નબળા નહોતા. તબલાં વગાડતી વખતે સાત, નવ, અગિયાર, તેર, સત્તર, ઓગણીસ જેવી વિષમ માત્રાના તાલમાં અટપટી લયકારી કરી શકે એ વ્યક્તિ ગણિતમાં કાચી હોઇ શકે નહીં. શક્ય છે, પેલા ગણિત શિક્ષકના ગુસ્સાનો ડર બાળ વયના શિવજીને ડરાવી ગયો હોય. એ ડરના પગલે પરીક્ષામાં સારો દેખાવ ન પણ કરી શક્યા હોય.  

શિવજીની એ લયકારી ઉસ્તાદ અલ્લારખ્ખા ઉપરાંત ઉસ્તાદ ઝાકિર હુસેન અને પંડિત જસરાજ જેવાને પણ મુગ્ધ કરી દેતી. ઝાકિરે હુસેને તો શિવજી સાથે તબલાં પર સંગત કરતી વખતે સતત જાગ્રત રહેવું પડતું. શિવજી ક્યારે ક્યાં તિહાઇ વગાડશે એની કલ્પના પણ ક્યારેક નહોતી આવતી. આવું ઝાકિર હુસેન પોતે પણ કહી ચૂક્યો છે. વધુ હવે પછી.


Comments