મહાનગર મુંબઇમાંસૂર સિંગાર સંસદ નામની સંગીત સંસ્થાનો એક જમાનો હતો. દર વરસે આ સંસ્થા ત્રણ દિવસનું સ્વામી હરિદાસ સંગીત સંમેલન યોજતી. દેશના દિગ્ગજ સંગીતકારો એમાં કલા રજૂ કરતા. 1955-56ના સ્વામી હરિદાસ સંગીત સંમેલનમાં એક કશ્મીરી યુવાન એક કશ્મીરી લોકવાદ્ય લઇને આ સંમેલનમાં હાજર થયો હતો. એણે પોતાના વાજિંત્ર પર પોતાની કલા રજૂ કરી. દિગ્ગજ સંગીતકારોને આ વાજિંત્રમાં રસ પડ્યો નહીં. પરંતુ આ કાર્યક્રમમાં હાજર રહેલી એક મહિલાએ ઘેર જઇને પોતાના ફિલ્મ સર્જક પિતાને આ અનોખા સાજ અને સાજિંદાની વાત કરી. ફિલ્મ સર્જકે એ યુવાનને પોતાને ત્યાં લંચ પર નોતર્યો અને કહ્યું કે હું ભારતીય નૃત્ય આધારિત કથા પર એક ફિલ્મ બનાવું છું. એમાં તમારા સાજની કમાલ રજૂ કરો.
એ લેજન્ડરી ફિલ્મ સર્જક એટલે વી. શાંતારામ. એમની પુત્રી એટલે મધુરા (પાછળથી મધુરા જસરાજ). એ કશ્મીરી યુવાન એટલે તાજેતરમાં પોતાની જીવનલીલા સંકેલી લેનારા પંડિત શિવકુમાર શર્મા. એ ફિલ્મ એટલે ઝનક ઝનક પાયલ બાજે. એમની સંઘર્ષકથા મનમોહન દેસાઇ કે સુભાષ ઘાઇ જેવા કોઇ ફિલ્મ સર્જકને આકર્ષે એવી રસપ્રદ છે. મુંબઇમાં સંઘર્ષ કરતા હતા ત્યારે એક તબક્કે ઓરડીનું ભાડું ભરવાના પૈસા નહોતા અને મકાન માલિકે તેમનો સામાન ઘરની બહાર ફેંકી દીધો હતો. સદ્ભાગ્યે એ સમયે શિવજી સંતુર લઇને બહાર ગયેલા નહીંતર સંતુર પણ સામાન સાથે ફેંકાઇ ગયું હોત.
1900ના આરંભે જમ્મુ કશ્મીરના ત્યારના મહારાજા પ્રતાપ સિંઘ (હરિસિંઘના પૂર્વજ)ના દરબારમાં શિવજીના દાદા રાજપુરોહિત હતા. એ સમયે સંગીત હલકું ગણાતું. શિવજીના દાદા પણ સંગીતની વિરુદ્ધ હતા. જો કે શિવજીના પિતા પંડિત ઉમાદત્ત શર્મા ચોરીછૂપીતી સંગીત શીખતા હતા. એ ખૂબ ઊંચા ગજાના માંત્રિક-તાંત્રિક અને જ્યોતિષી હતા. એમને એક પુત્રી હતી. પુત્ર નહોતો. ભગવાન શિવની આરાધના કરીને પુત્ર મેળવ્યો હતો. પુત્રનું મૂળ નામ શિવચંદ્ર. પાછળથી ફિલ્મી સ્ટાઇલથી શિવકુમાર થઇ ગયું.પંડિત ઉમાદત્ત શર્મા ધ્રુપદ ધમાર અને ખયાલ ગાયકીના ઊંડા અભ્યાસી હોવા ઉપરાંત વિવિધ વાદ્યો વગાડતા. પોતાના રાજપુરોહિત પિતાથી છૂપાવીને એમણે પુત્ર શિવચંદ્રને સંગીતની તાલીમ આપવા માંડી. શરૂમાં ગાયકી અને તબલાંની તાલીમ આપેલી. શિવચંદ્ર ચૌદ વર્ષના હતા ત્યારે એક કશ્મીરી સંગીત સંમેલનમાં એમના પિતાએ સંતુર સાંભળ્યું. મંત્ર તંત્રના અભ્યાસી હોવાથી એમની ભીતરથી અવાજ ઊઠ્યો- આ સાજ તારા પુત્રનું ભાવિ ઘડશે. એ તો સંતુર લઇને ઘેર આવ્યા. પુત્રને કહ્યું, આજથી તારે આ સાજ પર કાબુ મેળવવાનો છે. ચાર ચારના સમૂહના પચીસ સમૂહ એટલે કે સો તાર ધરાવતું આ સાજ મળ્યું ત્યારે શિવચંદ્ર મૂંઝાયા. આ સાજ શાસ્ત્રીય સંગીતમાં વગાડવું કેવી રીતે ? અગાઉનો કોઇ દાખલો કે નમૂનો નહોતો. પોતાની કેડી પોતે જાતે કંડારવાની હતી.
મુંબઇમાં સ્વામી હરિદાસ સંગીત સંમેલનમાં દિગ્ગજોએ મોં મચકોડ્યું હતું અને સલાહ આપી હતી કે તું સિતાર-સરોદ કે સારંગી જેવું વાદ્ય વગાડ. આ વાદ્યમાં ગાયકી કદી નહીં વાગે.
ચૌદ વર્ષની ઉંમરે પહેલીવાર સંતુર હાથમાં લેનારા શિવચંદ્રે વડીલ સંગીતકારોની આ સલાહને પડકાર રૂપ ગણીને પોતાના સાજ પર નીત નવા પ્રયોગો શરૂ કર્યા. તારની સંખ્યામાં વધઘટ કરી જોઇ, વગાડવા માટેની પાતળી કાઠી વિવિધ લાકડાની અજમાવી જોઇ, કશ્મીરી વાદકો સંતુરની નીચે લાકડાનું સ્ટેન્ડ રાખતા એ દૂર કરીને સંતુર ખોળામાં રાખવાનો પ્રયોગ કર્યો. બીજી બાજુ વી. શાંતારામની સલાહ માનીને માતાપિતાની રજા લઇને મુંબઇ આવ્યા. ફિલ્મ ઝનક ઝનક પાયલ બાજેના સંગીતકાર વસંત દેસાઇ અને સંગીતકાર જયદેવની સહાયથી ભાડાની ઓરડીમાં સંઘર્ષ શરૂ કર્યો. પૈસા કમાવવા માટે તબલાં વગાડવાની તક મળે તો તબલાં વગાડી લેતા, સંતુર વગાડવાની તક મળે તો સંતુર વગાડતા. એમના સદ્ભાગ્યે પંડિત રવિશંકર જેવા જોડે તબલાં વગાડવાની તક મળી હતી.
દરમિયાન, મધુરાજી સાથે પરણનારા મેવાતી ઘરાનાના ગવૈયા પંડિત જસરાજ સાથે દોસ્તી થઇ. ક્યારેક જસરાજજી માટે શિવજી તબલાં વગાડે તો ક્યારેક શિવજી માટે જસરાજજી તબલાં વગાડે. પંડિત જસરાજ અને સાથેની દોસ્તી જીવનભર ટકી. એવીજ જિગરજાન દોસ્તી બાંસુરીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથે પણ જામી ગયેલી.છેક 1956થી શરૂ કરીને 2008-09 સુધીમાં સેંકડો ફિલ્મોનાં હજારો ગીતોમાં સંતુરની કમાલ સર્જી. આર ડી બર્મનના આગ્રહથી દેવ આનંદની ફિલ્મ ગાઇડના એક ગીત મોંસે છલ કિયે જા...માં તબલાં પણ વગાડ્યા. ફિલ્મ સંગીત ઉપરાંત શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે પણ દુનિયાભરમાં ડંકો વગાડ્યો. આઠથી દસ વખત આખા વિશ્વનો સંગીતકાર તરીકે પ્રવાસ કર્યો અને પોતાના ઘરમાં ગુરુકૂળ સ્થાપીને હજારો દેશી-વિદેશી શિષ્યો તૈયાર કર્યા. પંડિત શિવકુમાર શર્મા અને સંતુર એકમેકનો પર્યાય બની રહ્યા. શાસ્ત્રીય સંગીતના હજારો સાધકો કરતાં એ જુદા તરી આવ્યા એનું એક કારણ એ પણ ખરું કે શિવજી ઇકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએટ થયા હતા. એમની જીવનના બીજા રસપ્રદ પ્રસંગોની વાત હવે પછી. મધુરાજીએ આવા અજોડ કલાકાર અને એમના સાજની આપણને સૌને આપેલી ભેટ માટે મધુરાજીને લાખો થેંક્સ !
ખૂબ જ માહિતીસભર લેખ. આભાર અજિતભાઈ.
ReplyDelete