છેલ્લાં ત્રીસ પાંત્રીસ વર્ષથી અમેરિકામાં વસતા એક પાટીદાર દોસ્તના પિતા તાજેતરમાં અમદાવાદ આવ્યા. સામાન્ય રીતે યૂરોપ અમેરિકામાં આકરો શિયાળો શરૂ થાય એ સમયગાળામાં એનઆરઆઇ ભારતીયો સ્વદેશ આવતાં હોય છે. અત્યારે ચૈત્ર-વૈશાખની ગરમીમાં બહુ ઓછા લોકો સ્વદેશ આવે. દોસ્તને પૂછતાં એણે કહ્યું, પપ્પાના ગોઠણના સાંધાની સર્જરી કરાવવાની છે. અહીં બહુ સસ્તું પડે. અમેરિકામાં તો ચીરી નાખે...
હા, સાચી વાત છે. અમેરિકા કે યૂરોપના દેશોમાં તબીબી સારવાર ખરેખ મોંઘી પડે છે ? ના, સાવ એવું નથી. હકીકત એ છે કે આપણા ગુજરાતી લોકો ગણતરીબાજ છે. અમેરિકામાં ડોલરમાં અને ઇંગ્લેંડમાં પાઉન્ડમાં બિલ ભરવું પડે. બીજી બાજુ અમેરિકી ડોલર અને બ્રિટિશ પાઉન્ડની તુલનામાં રૂપિયા ચૂકવવા સસ્તા લાગે. ગયા મહિને વડા પ્રધાને જામનગરમાં આયુષ કાર્ડની યોજનાની જાહેરાત કરી. વાસ્તવમાં આવી કોઇ યોજના અમલમાં મૂકાય એ પહેલાંથી આપણે ત્યાં મેડિકલ ટુરિઝમ વિકસી ચૂક્યું છે. છેલ્લાં બાર-પંદર વર્ષથી વિદેશીઓ વિવિધ તબીબી સારવાર માટે ભારત આવે છે. ભારતમાં સારવાર સસ્તી પડે છે માટે નહીં, અહીં ચિકિત્સા વિશ્વમાં જબરદસ્ત વૈવિધ્ય છે. વડા પ્રધાનના ગયા મહિનાના સમારોહમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિ પણ હાજર હતા. આ સમારોહમાં એક રસપ્રદ વિગત જાહેર થઇ હતી.
દુનિયાના વિવિધ દેશોમાં કુલ 178 જાતની સારવાર પદ્ધતિ છે. દુનિયાની વાત જવા દો, આપણે ત્યાં પણ કેટલી બઘી સારવાર પદ્ધતિ છે. એલોપથી ભલે આધુનિક વિજ્ઞાન હોય, એ પહેલાં શું લોકો બારે માસ બીમાર રહેતા હતા ? ના જી. હજારો વરસ જૂનું આયુર્વેદ, યુનાની સારવાર પદ્ધતિ, તિબેટિયન સારવાર પદ્ધતિ, દાદીમાનું વૈદું વગેરેમાં પણ પાછી અઢળક પેટાશાખાઓ છે. દરેક શાખા પોતપોતાની રીતે આગવી છે. આયુર્વેદમાં પણ અગાઉ આ સ્થળેથી કહેલું એમ માત્ર નિદાનની અર્ધો ડઝન પદ્ધતિ છે.
તમને અધ્યાત્મમાં રસ હોય તો પૂજ્ય સત્યનારાયણ ગોએન્કાજી યાદ હશે. એમને બાળપણથી આધાશીશી (માઇગ્રેન)ની તકલીફ હતી. ઘણું કરીને થાઇલેન્ડ કે હોંગકોંગમાં એક બૌદ્ધ સાધુએ માત્ર ગોએન્કાજીનો ચહેરો જોઇને પૂછ્યું, તમને માઇગ્રેન છે ? ગોએન્કાજીને વિસ્મય થયું. તેમણે હકારમાં જવાબ આપ્યો. બૌદ્ધ સાધુએ એમને વિપશ્યના ધ્યાન પદ્ધતિ શીખવી. માઇગ્રેન કાયમ માટે ગયું અને ગોએન્કાજીએ વિપશ્યનાનો દુનિયાભરમાં પ્રચાર કર્યો.
વડોદરાના અશોક નગરમાં એક નાડીવૈદ આવતા. મહિનામાં બેએક વાર અશોક નગર વિસ્તારમાં આવતા. કોરોના પછી હવે આવે છે કે નહીં એની આ લખનારને જાણ નથી. માત્ર દસ રૂપિયા એક ધર્માદા પેટીમાં નખાવે. નાડી જુએ. એકસો ટકા સચોટ નિદાન કરે. દવા તરીકે ઘરના રસોડામાં વપરાતા કોઇ મસાલાનું પ્રિસ્ક્રીપ્શન આપે- તમે રોજ સવારે એક ચમચી હળદર ફાકો અથવા તમે રોજ સવારે એક ચમચી જીરું ખાવાનું રાખો....
હરિદ્વારમાં બાબા રામદેવના યોગાશ્રમમાં મહિનાઓ પહેલાં બુકિંગ કરાવવું પડે છે. મહારાષ્ટ્રના પૂણે નજીક વિનોબા ભાવેના ભાઇ બાળકોબા ભાવેએ સ્થાપેલા ઉરુલી કાંચન આશ્રમમાં પણ મહિનાઓ અગાઉ રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. નડિયાદના કુદરતી ઉપચાર કેન્દ્રમાં અગાઉથી નોંધ કરાવવી પડે છે. વિદેશીઓનાં ધાડે ધાડાં હવે કુદરતી ઉપચાર તરફ ધસી રહ્યાં છે.
તમે કઇ બીમારીની કયા પ્રકારની સારવાર લઇ રહ્યા છો એ મહત્ત્વનું નથી. એ સારવાર સાથે જે પરેજી સૂચવવામાં આવે છે એ કડક રીતે પાળવી પડે. આ પરેજી બીજું કશું નથી, આપણી રોજિંદી રહેણીકરણી બદલીને ફરી કુદરત તરફ વળવાની સલાહ છે. અગાઉ નાનકડા સુભાષિતમાં બહુ મોટી વાત કરી દેવામાં આવતી. જેમ કે દૂધે વાળુ જે કરે, નયણાં પીએ પાણી, ઓકારી દાતણ કરે, ત્યાં વૈદ ન કરે કમાણી..., અથવા આંખે ત્રિફળા, દાંતે લૂણ, પેટ ન ભરીએ ચારે ખૂણ..., હિંગ મરચું ને આમલી, સોપારી ને તેલ, જો ગાવાનો શોખ હોય તો પાંચે આઘાં મેલ...
આજની પચાસ ટકાથી વધુ બીમારીઓ રહેણીકરણી અને આપણી ટેવો બદલાઇ જવાથી આવે છે. રહેણીકરણીમાં થોડો ફેરફાર કરવાથી વગર દવાએ સારું થતું હોય તો ખોટું શું છે ?
Comments
Post a Comment