આજે અક્ષય તૃતિયા છે. મંગળવાર છે. આપણે ત્યાં ભાગ્યે જ કોઇ રાજ્યમાં અખા ત્રીજે જાહેર રજા હોય છે. આજે કામકાજનો દિવસ છે. કરોડો લોકો ઊચક જીવે અને અદ્ધર શ્વાસે નોકરી ધંધે જવા નીકળશે. દરેકના હૈયામાં ઉચાટ હશે કે આજે શું થશે ? માત્ર પોતાની અહંપુષ્ટિ ખાતર અમુક તમુક નેતાએ અલ્ટિમેટમન આપ્યું હોય છે. દરેક નેતા એમ માનતો હોય છે કે હું બીજા કરતાં ચઢિયાતો છું, બીજા કરતાં વધુ લોકપ્રિય છું, બીજા કરતાં વધુ ભીડ ભેગી કરી શકું છું, બીજી કોમના લોકોમાં ભયની લાગણી સર્જી શકું છું.
છેક અંગ્રેજોના જમાનાથી જુદી જુદી કોમના લોકો વચ્ચે સાવ ખોટ્ટું વૈમનસ્ય સર્જીને રાજ કરવાની નીતિ અમલમાં મૂકાતી રહી છે. દેશ આઝાદ થયો ત્યારે ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓના મનમાં હતું કે હવે ભાગલા પાડો અને રાજ કરોની નીતિનો અંત આવશે. દુર્ભાગ્યે એવું થયું નહીં. છેલ્લાં 70-72 વર્ષમાં જેટલી સરકારો દિલ્હીમાં આવી એ બધીએ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિનો અમલ કર્યે રાખ્યો. પોતાની વોટબેંક અકબંધ રાખવા કાયમ ગેરસમજો વહેતી કર્યે રાખી.
આજનો દિવસ અતિ સંવેદનશીલ છે.દરેકના દિલમાં એક પ્રશ્ન હશે કે શાંતિ અકબંધ રહેશે કે હિંસક તોફાનો થશે ? છેલ્લાં દોઢ બે વર્ષથી કોરોનાને કારણે લોક આઉટ અને એકાંતવાસ જેવી પરિસ્થિતિ હતી. કોરોના વિદાય લઇ રહ્યો છે એવી આશા વચ્ચે માંડ માંડ પરિસ્થિતિ થાળે પડી રહી હતી, વેપાર-ધંધા ફરી ધમધમતા થઇ રહ્યા હતા. સ્કૂલ કોલેજો ચાલુ થઇ રહી હતી. ત્યાં લાઉડ સ્પીકરના મામલે રાજકીય પક્ષો અને નેતાઓમાં ખેંચતાણ શરૂ થઇ. હવામાં લોહીની ગંધ આવવા માંડી. હિંસા થવાની દહેશત ઊભી થઇ.
ચિત્ર પ્રતીકાત્મક છે
--------------------------------------------------------------------------
અહીં એક વાત જરૂર યાદ રાખવા જેવી છે. તમે રસ્તે ચાલ્યા જતાં હો અને ક્યાંક ટોળું એકાદ માણસને મારપીટ કરી રહ્યું હોય એ જોઇને જરીક ઊભા રહો. શું થયું છે એવું પૂછતાં ખબર પડે કે પેલો પાકિટમાર કોઇનું પાકિટ તફડાવતાં ઝડપાઇ ગયો છે. હૈયે હાથ રાખીને કહેજો, તમને પણ પાકિટમારને એકાદ થપ્પડ મારી દેવાની ઉત્કટ ઇચ્છા થાય છે ને ! દુનિયાભરના મનોચિકિત્સકો (સાયકિએટ્રીસ્ટ્સ) કહે છે કે આમ થવા પાછળ ટોળાન માનસિકતા જાદુ કરી જાય છે. તમારું પાકિટ કદી કપાયું નથી પરંતુ ટોળાના આવેગ અને ઉન્માદના પગલે તમારા મનમાં પણ હિંસા પ્રગટી છે.
આ સિદ્ધાંત યાદ રાખીને આજે શાંતિ અને સહનશક્તિ જાળવી રાખવાની છે. અફવા માનવામાં કે વહેતી રાખવામાં પણ સંયમ વર્તવાનો છે. આપણે ઘેટાં બકરાં નથી, ગાડરિયો પ્રવાહ નથી. ટોળું ગમે તે કરી શકે છે. સમજદાર વ્યક્તિની મનોદશા ટોળાની સાથે ખેંચાઇ જતી નથી. આ વાત યાદ રહે તો ભયો ભયો.. રોજની જેમ શાંતિથી કામ-ધંધે જવાનું છે. માર્ગમાં ક્યાંય ટોળું દેખાય તો ટોળાથી દૂર રહેવાનું છે. જ્યારે જ્યારે હિંસા થાય છે અને જાહેર સંપત્તિનો નાશ થાય છે ત્યારે નુકસાન મારું અને તમારું થાય છે.
નેતાઓ કે રાજકીય પક્ષોને માત્ર પોતાની સત્તા જાળવી રાખવામાં રસ હોય છે. હિન્દુ મરે કે મુસ્લિમ મરે નેતાના પેટનું પાણી હાલતું નથી. બે ટોળાં હિંસક બન્યાં હોય ત્યારે રાજકીય પક્ષો અને નેતાઓ મનોમન મલકાતા હોય છે કે જો, થઇ છે ! દેશ આઝાદ થયાના સાત દાયકા પછી પણ આપણે માનસિક રીતે પુખ્ત (મેચ્યોર) ન થયા હોઇએ તો લોકશાહી સફળ થઇ ગણાય નહીં.
આજે એક તરફ ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ચીન અને પાકિસ્તાન જેવા અટકચાળા પાડોશીઓ લાગ જોઇને બેઠાં છે ત્યારે ઘરઆંગણે શાંતિ અને સુરક્ષિતતા જળવાઇ રહે એ આપણા સૌના હિતમાં છે. ધીરજ અને સંયમ રાખીને પોતાનું અને પોતાના પરિવારનું રક્ષણ કરીએ એ આજની તાતી જરૂરિયાત છે. ઇશ્વર સૈાને સદ્બુદ્ધિ આપે એવી પ્રાર્થના !
Comments
Post a Comment