(બધાં ચિત્રો પ્રતીકાત્મક છે.)
ઇન્ફોટેક સિટિ તરીકે પંકાયેલા બેંગાલુરુની એક એનજીઓએ પ્રાથમિક શાળામાં ભણતાં બાળકોના સ્વાસ્થ્યનો એક સર્વે હાથ ધર્યો હતો. એનો અહેવાલ ચોંકાવનારો આવ્યો. પહેલાથી ચોથા ધોરણનાં ઘણાં બાળકોની આંખો નબળી હતી, સંખ્યાબંધ બાળકોને સ્પષ્ટ સાંભળવામાં તકલીફ પડતી હતી અને કેટલાક બાળકો ભણવામાં એકાગ્ર થઇ શકતા નહોતા. બાળ નિષ્ણાત ડોક્ટરો દ્વારા આ બાળકોની તપાસ કરવામાં આવી. એમનાં માતાપિતાને બોલાવીને પૂછપરછ કરવામાં આવી. જાણવા મળ્યું કે જે બાળકોને શર્ટ અને હાફપેન્ટ પહેરતાંય બરાબર આવડતું નથી એવાં 70 ટકાથી વધુ બાળકો ઘરમાં હોય ત્યારે સતત મોબાઇલ ફોન વાપરતા હતા.
આજના આ ઇન્ટરનેટના યુગમાં બાળક મોબાઇલ ફોન વાપરતું થાય ત્યારે ઘણાં માબાપ ગર્વ અનભવતા હોય છે. જો કે બાળક મોબાઇલ ફોનનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યુ છે એની જાણ મોટા ભાગનાં માતાપિતાને હોતી નથી. અગાઉની તુલનાએ વધુ બાળકો સાવ કૂમળી વયથી ટૂંકી નજરના ચશ્મા પહેરતા થયા છે કારણ કે સતત ટચૂકડા પરદા ધરાવતા મોબાઇલ ફોનનો વપરાશ બેફામ થયો છે. પાંચ સાત વર્ષનાં બાળકો કાનમાં હેડફોન ભરાવીને મોબાઇલ પર એનિમેશન ફિલ્મો માણે છે.
બીજી બાજુ દિલ્હી અને કોલકાતા તરફ ટ્રાફિક પોલીસનો એક સર્વે કહે છે કે રોડ પર બેફામ ટુ વ્હીલર્સ દોડાવતા મોટા ભાગના ટીનેજર્સ બાઇક ચલાવતી વખતે કાં તો જરા જરાવારે મોબાઇલના સ્ક્રીન પર નજર નાખતા હોય છે અથવા કાનમાં હેડફોન ભરાવીને મનમગતાં ગીતો સાંભળતા હોય છે. આમ થવાથી અકસ્માતો થવાની શક્યતા ઘણી વધી જાય છે. પાછળ આવી રહેલા વાહનના ચાલક હોર્ન મારે તો બાઇક ચાલકને સંભળાતું નથી અથવા એ પોતાની મસ્તીમાં હંકાર્યે જાય છે. એટલે એક્સિડંટ થાય છે અને કેટલાક કેસમાં હોનહાર ટીનેજર જાન ગુમાવી દે છે.મોબાઇલ ફોન આજની અનિવાર્ય જરૂરિયાત છે એ વાત સાચી. કોરોના કાળમાં બાળકો ઓનલાઇન ભણતાં હતાં ત્યારે મોબાઇલ વિના ચાલતું નહોતું. પરંતુ પછી એવું બન્યું કે મોબાઇલનું તેમને ડ્રગ જેવું બંધાણ થઇ પડ્યું. સવારે ઊઠે ત્યારથી તે છેક રાત્રે પથારીમાં પડે ત્યાં સુધી હાથમાંથી મોબાઇલ છોડતાં નથી. ટચૂકડા પરદા પર મનગમતી ફિલ્મ કે ટીવી પ્રોગ્રામ જોવા માટે મોબાઇલને આંખની વધુ નજીક રાખવાની ફરજ પડતી હોય છે. એની અસર આંખના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ પડે છે.ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીઝના નિષ્ણાત ડોક્ટર્સ કહે છે કે આવનારાં વરસોમાં બહેરાશ, આંશિક અંધાપો અને માનસિક સમસ્યાના કેસમાં ભારે વધારો થશે. આંખ અને કાન જેવા સંવેદનશીલ અંગો પર આ લેટેસ્ટ ટેક્નોલોજીની નેગેટિવ અસર વધી રહી છે. ભણતી વખતે કે ઓફિસમાં કામ કરતી વખતે એકધારી એકાગ્રતા રહેતી નથી એટલે ટેન્શન વધે છે, સ્વભાવ ચિડીયો થઇ જાય છે, સહેલાઇથી ઉશ્કેરાટ આવી જતાં સાવ નાનકડા મુદ્દે પણ બોલાચાલી અને ઝઘડા થઇ જાય છે.
નિષ્ણાત ડોક્ટર્સની આ સલાહ પર સમજદાર નાગરિકોએ વિચારવાની જરૂર છે. દરેકને પોતાનું સંતાન વહાલું હોય. પરંતુ વહાલનો અતિરેક થઇ જાય અને બાળક મોબાઇલનું બંધાણી થઇ જાય ત્યારે સમસ્યા સર્જાય છે. તમારી આસપાસ નજર કરજો. ત્રણ ચાર વર્ષનું બાળક પણ મોબાઇલ લઇને બેઠું હશે. માતાપિતા એને બોલાવે ત્યારે એ હોંકારો આપતું નથી કારણ કે એનું સંપૂર્ણ ધ્યાન મોબાઇલમાં હોય છે. બહુ મોડું થઇ જાય એ પહેલાં જાગવાની જરૂર છે. ભવિષ્યમાં પસ્તાવું પડે એના કરતાં અત્યારથી પાણી આડે પાળ બાંધવા જેવાં તકેદારીનાં પગલાં લેવાય તો જરૂર ફરક પડી શકે.
પાંચ દસ વરસ પછી દ્રષ્ટિમર્યાદા અને બહેરાશના કેસ વધે એ પહેલાં માતાપિતાએે સમયસર પગલાં લઇને થોડા કડક થવાની તાતી જરૂર છે. મેડિકલ સાયન્સ તો સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર... (સારવાર કરતાં સમયસરની તકેદારી બહેતર છે.)
Comments
Post a Comment