ગોડફાધરના દેશી વર્ઝન જેવી ધર્માત્મા ફિલ્મમાં વિશ્વ કક્ષાનું સંગીત પીરસ્યું

  


તાજેતરમાં હોલિવૂડની જે ફિલ્મની રજૂઆતને પચાસ વર્ષ પૂરાં થતાં સુવર્ણ જયંતી ઊજવાઇ ગઇ એ ગોડફાધર પરથી દુનિયાના ઘણા દેશોમાં અને ઘણી ભાષાઓમાં ફિલ્મો બની. એવી એક પણ ફિલ્મ ગોડફાધરની તોલે ન આવી. એવી એક ફિલ્મ હિન્દીમાં ફિરોઝ ખાને પણ બનાવી હતી. આ હિન્દી ફિલ્મે ધૂમ કમાણી કરી હતી. ઠીક ઠીક સોંઘવારીના એે જમાનામાં એટલે કે 1970ના દાયકામાં આ ફિલ્મે અઢી કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ફિરોઝ ખાનની ગોડફાધર એટલે ફિલ્મ ધર્માત્મા. દુનિયા જેને પરોપકારી અને ધાર્મિક માનતી હોય એવો આદમી વાસ્તવમાં અંધારી આલમનો દાદો છે એવી સીધી સાદી કથા કૌશલ ભારતીએ લખી હતી. આ ફિલ્મ ખરા અર્થમાં મલ્ટિસ્ટાર હતી. ફિરોઝ ખાન, હેમા માલિની, રેખા, પ્રેમનાથ, રણજિત, મદનપુરી, ડેની ડેન્ઝોન્પા, ઇફ્તેખાર, દારા સિંઘ, નાઝિર હુસૈન, ઇમ્તિયાઝ ખાન, જીવન, સત્યેન કપ્પુ, કૃષ્ણકાંત, જગદીશ રાજ ઉપરાંત ફરીદા જલાલ તથા અન્ય કલાકારોએ ફિલ્મમાં નાનીમોટી ભૂમિકા ભજવી હતી. 

આજે તો તાલિબાનના શાસનને કારણે અફઘાનિસ્તાન પર દુનિયાની નજર છે. ફિરોઝ ખાને આ ફિલ્મ અફઘાનિસ્તાનનાં વિવિધ લોકેશન પર ઊતારી હતી. એની નયનરમ્ય ફોટોગ્રાફી માટે કેમેરામેન કમલ બોઝને બેસ્ટ સિનેમેટોગ્રાફરનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો.  

ફક્ત ચાર ગીતો હતાં. ઇન્દિવર ગીતકાર હતા અને કલ્યાણજી આણંદજીનું સંગીત હતું. ચાર ગીતો ઉપરાંત થીમ મ્યુઝિક અને ટાઇટલ મ્યુઝિકનાં પણ આલ્બમ પ્રગટ થયાં હતાં. આ ફિલ્મનું ટાઇટલ મ્યુઝિક આંતરાષ્ટ્રીય લેવલનું હતું. આજે પણ સાંભળવું ગમે એવું બન્યું હતું.

કથાનાયક રણબીર (ફિરોઝ ખાન ) કહે છે, ક્યા ખૂબ લગતી હો, બડી સુંદર લગતી હો... જવાબમાં રેશમા (હેમા માલિની) કહે છે, ફિર સે કહો, કહતે રહો, અચ્છા લગતા હૈ... મૂકેશ અને કંચને આ ગીત ગાયું છે. ફિરોઝ ખાનના દસ યાદગાર ગીતોમાં આ ગીત સ્થાન પામ્યું છે. દેશ-વિદેશનાં સંગીત સમીક્ષકોએ આ ગીતને બિરદાવ્યું છે.

અફઘાનિસ્તાનના જ પહાડી અને રણ વિસ્તારમાં ફિલ્માવાયેલું બીજું ગીત એટલે કિશોર કુમારે ગાયેલું તેરે ચેહરે મેં વો જાદુ હૈ, બિન ડોર ખીંચા આતા હું, જાના હોતા હૈ ઔર કહીં, તેરી ઔર ચલા આતા હું.... તર્જમાં એક ખાસ રમતિયાળપણું છે. ખટકદાર કહેરવો ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે. આ ગીત પણ ફિરોઝ ખાનના યાદગાર ગીતોમાં સ્થાન પામ્યું છે.

રણબીરની જીપમાં હરીફોએ મૂકેલા બોંબના વિસ્ફોટમાં રેશમાના અકાળે મરણ પછી રણબીરને એકપક્ષી પ્રેમ કરતી અનુ (રેખા) એના જીવનમાં આવે છે. ફરી એકવાર મૂકેશ અને કંચનના કંઠમાં સરસ રોમાન્ટિક ગીત રજૂ થાય છે. અનુ પૂછે છે, તુમને કભી કિસી સે પ્યાર કિયા હૈ, બોલો ના, પ્યાર ભરા દિલ કિસી  કો દિયા હૈ... રણબીર જવાબ આપે છે- પ્યાર કહાં અપની કિસ્મત મેં, પ્યાર કા બસ દિદાર કિયા હૈ... શબ્દોને અનુરૂપ તર્જની સાથોસાથ અહીં ઓરકેસ્ટ્રેશન જોરદાર બન્યું છે.

સંગીતકારોની કસોટી કરે એવા સચોટ શબ્દોથી સર્જાયેલું એક ગીત મહેન્દ્ર કપૂર અને લતા મંગેશકરના કંઠમાં છે. મુખડું છે- જુબાન જુબાન પર ચર્ચે તેરે, ગુલશન ગુલશન મહકા હૈ, તેરી જવાની કી યે ખૂશ્બુ સે, સારા આલમ બહકા હૈ, તૂ હી મેરા પ્યાર હૈ, તૂ હી મેરી બંદગી, તૂ હી મેરા ખ્વાબ હૈ, તૂ હી મેરી જિંદગી...., મેરી ગલિયોં સે લોગોં કી યારી બઢ ગયી...

શબ્દોને લાજવાબ રીતે રજૂ કરતી તર્જ આ ગીતની વિશેષતા છે. ફિલ્મના ચારેચાર ગીતો ગાજ્યાં હતાં અને અગાઉ કહ્યું એમ બે ગીત તો ફિરોઝ ખાનનાં યાદગાર ગીતોમાં મોખરાનું સ્થાન પામ્યાં હતાં.

હોલિવૂડની મૂળ ફિલ્મ ગોડફાધરની તુલનાએ હિન્દી રૂપાંતર ખાસ્સું નબળું હતું અને છતાં ફિલ્મે ધમધોકાર ધંધો કર્યો હતો. આ ફિલ્મે નિર્માતા નિર્દેશક તરીકે ફિરોઝ ખાનનો દરજ્જો સમગ્ર ફિલ્મ સૃષ્ટિમાં ખાસ્સો વધાર્યો હતો. ફિરોઝ ખાન પણ ઉત્કૃષ્ટ ફિલ્મો બનાવી શકે છે એવી માન્યતા બોલિવૂડમાં દ્રઢ થઇ હતી. જો કે ફિરોઝ ખાનને એક વસવસો રહી ગયેલો કે અપરાધની જેમ આ ફિલ્મે સિલ્વર જ્યુબિલી ન કરી. બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી એ એક માત્ર આશ્વાસન હતું.


Comments

Post a Comment