મૂર્ધન્ય કવિ સુંદરમનું એક ટચૂકડું કાવ્ય છે- ‘ રાજાના દરબારમાં રસિકડી, મેં બીન છેડી અને, તેં તારા ઠમકારથી સકલનાં ચોરી લીધાં ચિત્તને, રાજા ત્યાં હરખ્યો, સભા ખુશ થઇ, માગી લિયો ચાહ્ય સો, બંને આપણ થંભિયાં પણ ન કૈં, સૂઝ્યું જ શું માગવું, ને પાછાં હસી આપણે મનભરી ગાયા-બજાવ્યાં કર્યું...’ માત્ર પાંચ પંક્તિમાં કવિએ એક સનાતન સત્ય રજૂ કરી દીધું. ઇનામ-અકરામ ઠીક છે, કલાકાર પોતાની કલાથી નિજાનંદ અનુભવે તો જ ઓડિયન્સને રીઝવી શકે. પંડિત ભીમસેન જોશીએ એકવાર કહેલું કે કોઇ રાગ પ્રસ્તુત કર્યા પછી હું મારી જાતને પૂછું છું કે ભીમા, તને પોતાને કેટલો આનંદ આવ્યો ?
પંચોતેર વર્ષના એક સજ્જનને એમના સાહિત્યકાર દોસ્તે કહ્યું, હવે આ ઉંમરે મેંડોલીન શીખીને કરવું છે શું ? તમે કોઇ મ્યુઝિક કોન્ફરન્સમાં વગાડી શકો એટલી તૈયારી તો નહીં કરી શકો ને ? પેલા સજ્જને જવાબમાં કહ્યું, ‘હું સભારંજની માટે શીખતો નથી, બાળપણથી આ વાજિંત્ર પ્રત્યે એક આકર્ષણ હતું. હવે એના ઉસ્તાદ શિક્ષક મળ્યા છે, તો કાં ન શીખવું ? મારે નિજાનંદ માટે શીખવું છે, બીજાને સંભળાવવા કે રીઝવવા માટે નથી શીખતો....’ મુદ્દો આ છે. તમે જે કંઇ કરતાં હો, એમાં તમને આનંદ આવે છે ? તો કરેલું કાર્ય કલાકૃતિ બની જઇ શકે.જગવિખ્યાત ચિત્રકાર વિન્સેન્ટ વાનગોગની વાત જાણીતી છે. એ બબ્બે ત્રણ ત્રણ દિવસ ભૂખ્યો તરસ્યો રહીને પણ ચિત્રો બનાવતો. એનો ભાઇ થિયો વેપારી હતો. થિયો વાનગોગને ખાવા માટે પૈસા આપે ત્યારે વાનગોગ એક ટંક ખાય અને બાકીના પૈસાથી રંગો અને પીંછી ખરીદે. એકવાર થિયોએ એને ટપાર્યો કે તારાં ચિત્રો વેચાતાં નથી તો પછી બનાવે છે શા માટે ? વાનગોગે કહ્યું કે મને સર્જનનો આનંદ મળે છે માટે બનાવું છું. થિયોએ એક બનાવટી ગ્રાહકને પૈસા આપીને ચિત્ર ખરીદવા મોકલ્યો. પેલાએ વાનગોગને કહ્યું, આ લો પૈસા, કોઇ પણ એકાદ ચિત્ર આપી દો.
ઓશો બહુ સરળ રીતે સમજાવતા- તમારા સુખ કે આનંદનું નિમિત્ત અન્ય વ્યક્તિ કે વસ્તુ હોય તો તમને સાચો આનંદ કદી નહીં મળે. આનંદનું મૂળ તમારી ભીતર હોવું જોઇએ. અન્ય વ્યક્તિ દરેક ક્ષણે તમને સુખ કે આનંદ આપી શકે એવા મૂડમાં હોય એ જરૂરી નથી. અન્ય વ્યક્તિથી તમને આનંદ મળતો હોય તો એ ક્ષણજીવી છે, શાશ્વત નથી. તમને આનંદ આપતી વ્યક્તિ ક્યારેક ગમગીન હોય તો તમને પણ ગમગીન કરી દેશે. નિજાનંદમાં મસ્ત રહો. તમારો નિજાનંદ શેમાં છે એ શોધી કાઢો, તમે કદી પરાવલંબી નહીં બનો.
વાત વિચારવા જેવી છે. સર્જનહારે દરેકને કોઇ ને કોઇ શોખ આપ્યો હોય છે. રોજ થોડો સમય એ શોખ માટે કાઢી શકો તો સતત આનંદમાં તલ્લીન રહી શકો. દિવસભરના કામનો થાક આ શોખના પગલે ઊતરી જશે. કોઇના અવલંબન વિના તમે સતત આનંદમય રહી શકશો. ટ્રાય કરી જોજો. અચૂક સફળતા મળશે. આનંદનું મૂળ માણશના મનમાં રહેલું હોય છે. એટલું સમજાઇ જાય તો આનંદ શોધવા નહીં જવું પડે. નાટક-સિનેમા, પ્રવાસ વગેરેનો આનંદ કાયમી હોતો નથી. હા, કોઇ ઉત્તમ ફિલ્મ કે પ્રવાસનાં સંભારણાં મમળાવવાથી આનંદની અનુભૂતિનું પુનરાવર્તન થઇ શકે ખરું. કાયમી આનંદ માટે તો એકાદ શોખ કેળવવો જરૂરી છે. તો ચાલો, આપણા સુખ કે આનંદનું નિમિત્ત આજે જ આપણે નક્કી કરી લઇએ.
Comments
Post a Comment