મનમોહન દેસાઇ, મનોજ કુમાર અને પ્રકાશ મહેરાની જેમ હેન્ડસમ અભિનેતા-ફિલ્મ સર્જક ફિરોઝ ખાનની ફિલ્મોમાં પણ કલ્યાણજી આણંદજીએ યાદગાર સંગીત પીરસ્યું. ફિરોઝ ખાનની લગભગ અડધો ડઝન ફિલ્મો કલ્યાણજી આણંદજીના સંગીતથી હિટ બની રહી. એવી ફિલ્મોમાં અપરાધ, કૂરબાની, ઘર્માત્મા, મેલા, જાંબાઝ, કબીલા વગેરે ફિલ્મોનો સમાવેશ થાય છે.
હવે પછીના બે ત્રણ એપિસોડમાં ફિરોઝ ખાનની ફિલ્મોનાં ગીતોની વાત કરવી છે. રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર સાથે ફિરોઝ ખાને સફર ફિલ્મ કરી ત્યાર પછીની વાત છે. 1971-72માં એ અપરાધ ફિલ્મથી નિર્માતા નિર્દેશક બન્યો. અપરાધ ફિલ્મ આમ તો ક્રાઇમ થ્રીલર ફિલ્મ હતી. એમાં ઇન્ટરનેશનલ કાર રેસ ગ્રાન્ડ પ્રીનાં દ્રશ્યો ઉમેરીને ફિરોઝ ખાને ફિલ્મના આકર્ષણમાં વધારો કર્યો હતો.
આ ફિલ્મમાં આંતરરાષ્ટ્રીય ગેંગની ગેરકાયદે પ્રવૃત્તિની વાતોને ફિરોઝ ખાને સરસ રીતે આવરી લીધી હતી. એ માટે ફિલ્મમાં પ્રેમ ચોપરા, મદન પુરી, હેલન, ફરિયાલ અને ઇફ્તેખારને લીધા હતા. ઓમકાર સાહેબ, અખ્તર ઉલ ઇમાન અને ફિરોઝ ખાનના સ્ટોરી ડિપાર્ટમેન્ટે દર્શકોને જકડી રાખે એ રીતે વાર્તાની જમાવટ કરી હતી.
અપરાધમાં પાંચ ગીતો હતાં જેમાં એક હસરત જયપુરીનું અને બાકીના ઇન્દિવરનાં હતાં. આ ફિલ્મના એક ગીતે ફરી એકવાર કલ્યાણજી આણંદજીને ઇન્ટરનેશનલ લેવલ પર ચમકાવ્યા. ‘અય નવજવાં હૈ સબ કુછ યહાં, જો ચાહે લે લે ખુશી સે...’ના કેટલાક અંશોને 2005માં અમેરિકી મ્યુઝિક ગ્રુપ બ્લેક આઇ્ડ પીસે પોતાના એક ગીત ડોન્ટ ફન્ક વીથ માય હાર્ટ માટે વાપર્યા અને પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ મેળવ્યો. સાથોસાથ ડોન્ટ ફન્ક વીથ માય હાર્ટના મૂળ હિન્દી ગીતના સંગીતકાર તરીકે કલ્યાણજી આણંદજીને બીએમઆઇ એવોર્ડ એનાયત કરાયો.આ ગીતની ઔર એક વિશેષતા છે. જેમ ઓ પી નય્યર, આર ડી બર્મન અને ખય્યામે આશા ભોંસલેના કંઠને અનુરૂપ સુપરહિટ તર્જો બનાવી એમ આ ગીતને કલ્યાણજી આણંદજીએ આશા માટેજ બનાવી હોય અને આશા સિવાય કોઇ આ બંદિશને ન્યાય ન આપી શકે એવું ગીત સાંભળતી વખતે તમને લાગે.
હેલન પર ફિલ્માવાયેલું ગીત અસ્સલામ વલયકુમ... આંખ બંધ કરીને સાંભળો તો કોઇ અરબી ધૂન વાગી રહી હોય એવું લાગે. ખૂબ સરસ તર્જ લય સર્જાયાં છે આ ગીતમાં. આ ગીતને મહેન્દ્ર કપૂર અને આશા ભોંસલેનો કંઠ સાંપડ્યો છે. એમ લાગે છે કે મહેન્દ્ર કપૂર સંગીતકારોનો પાડોશી હોવાનો લાભ લેતો રહ્યો હતો. મનોજ કુમાર, દિલીપ કુમાર અને હવે ફિરોઝ ખાન માટે પણ મહેન્દ્ર કપૂરનો કંઠ સંગીતકારોએ વાપર્યો છે.
બાકીનાં ત્રણ ગીતોમાં રોમાન્ટિક ડ્યુએટ્સ છે. ફિરોઝ ખાન અને મૂમતાઝ પર ફિલ્માવાયાં છે. ફિરોઝ ખાને અફલાતુન લોકેશન પર ગીતો કંડાર્યાં છે. કિશોર કુમાર અને આશાએ ગાયેલું તુમ મિલે પ્યાર સે મુઝે જીના ગવારા હુઆ, તુમ જો હુએ મેરે મેરા સબ કુછ તુમ્હારા હુઆ... વચ્ચે વચ્ચે સરસ સંવાદો છે.
રીસામણાં મનામણાં જેવી એક રચના લતા અને કિશોર કુમારના કંઠમાં છે. નાયક પૂછે છે- હમારે સિવા તુમ્હારે ઔર કિતને દિવાને હૈં... જવાબમાં નાયિકા કહે છે- કસમ સે કિસી કો નહીં મૈં જાનતી... કિશોર કુમારે આ ગીતને દિલથી બહેલાવ્યું છે.કિશોર કુમારનો સોલો (એકલગીત ) તુમ હો હંસી મેરી જાં વફા તુમ કો આતે આતે આયેગી... કિશોર કુમારના ચાહકોને આકર્ષે એવાં તર્જ લયમાં સર્જાયું છે.
એકંદરે અપરાધથી ફિરોઝ ખાન અને કલ્યાણજી આણંદજી વચ્ચે સારો મનમેળ થયો અને આપણને કેટલાંક સરસ ગીતો મળ્યાં. આ ફિલ્મે સિલ્વર જ્યુબિલી ઊજવી હતી.
વાહ! અદભુત માહીતી. ધન્યવાદ અજિતભાઈ.
ReplyDelete