આયુર્વેદના પિતા મનાતા મહર્ષિ ચરક કે સુશ્રુતના સમયની એક કથા છે. યુનાની ચિકિત્સા પદ્ધતિના યુગપુરુષ મનાતા લૂકમાનજીએ પોતાના એક શિષ્યને ભારતીય આયુર્વેદ શીખવા મોકલ્યો. એને એવી સૂચના આપી રાખી હતી કે તારે બાવળના વૃક્ષ સિવાય બીજા કોઇ વૃક્ષ તળે આરામ કરવો નહીં. શિષ્યે પદયાત્રા આરંભી. દિવસો વીતતા ચાલ્યા. કોઇ રહસ્યમય રીતે પેલા યુવાન શિષ્યનું શરીર ગળવા માંડ્યું. એ ભારતમાં આવી પહોંચ્યો ત્યારે તો મરણપ્રાય થઇ ગયો હતો. શ્વાસ સુદ્ધાં લેવામાં એને તકલીફ પડતી હતી. માંડ માંડ મહર્ષિ ચરકના આશ્રમ સુધી પહોંચી શક્યો.
અહીં એક આડવાત. આયુર્વેદમાં વૈદ્યોના કેટલાક પ્રકારો છે. કોઇ નાડી જોઇને નિદાન કરે, કોઇ આંખ જોઇને નિદાન કરે, કોઇ જીભ જોઇને નિદાન કરે અને કોઇ પ્રભાતે નરણે કોઠે ફક્ત દર્દીનો ચહેરો જોઇને સચોટ નિદાન કરે. મહર્ષિ ચરક આ તમામ વિદ્યાશાખાના નિપુણ હતા. લૂકમાનના શિષ્ય પર માત્ર નજર નાખીને એટલે કે પેલાને જોઇને સમજી ગયા. એમણે આ યુવાનની આગતાસ્વાગતા કરી. પછી એને પાછો મોકલ્યો. એ નીકળતો હતો ત્યારે સૂચના આપી કે લીમડાના વૃક્ષ સિવાય વચ્ચે ક્યાંય વિશ્રામ લેતો નહીં.અને વ્હોટ અ સરપ્રાઇઝ ! પેલો પોતાના ગુરુ લૂકમાનજી પાસે પહોંચ્યો ત્યારે રાતી રાયણ જેવો થઇ ગયો હતો. આમ થવાનું કારણ શું ? નિષ્ણાત વનસ્પતિવિદો સમજાવે છે- બાવળનું દાતણ ભલે આપણા દાંત અને પેઢાં માટે રામબાણ ઇલાજ ગણાતા હોય, બાવળના વૃક્ષ તળે વિશ્રામ લેવાય નહીં. બાવળ તમારી પ્રાણશક્તિને ખેંચી લે છે. સમયના વીતવા સાથે બાવળ તમને મરણપ્રાય કરી નાખે. બીજી બાજુ લીમડો સદૈવ તમારી પ્રાણશક્તિને પૂરક તત્ત્વો આપે. આ કથા યાદ આવવાનું કારણ હાલ ચાલી રહેલો ચૈત્ર મહિનો છે.ચૈત્ર મહિનો એટલે માત્ર ચૈત્રી નવરાત્રિ નહીં, ચૈત્ર મહિનો એટલે આરોગ્ય માટે લીમડાનું સેવન. ઘણા સદ્ભાવી લોકો સ્વખર્ચે લીમડાનું પાણી કરીને આસપાસના લોકોને વહેંચે છે. બહુ મોટું પુણ્યકાર્ય કરે છે. આયુર્વેદમાં સંશમની વટી નામે ગોળી આવે છે. એ લીમડાની ગળોમાંથી બને છે. ચૈત્ર મહિનો એટલે કડવા લીમડાનું અચૂક સેવન કરવાના દિવસો. કડવો હોયે લીમડો, મીઠી એની છાંય.. એમ એક કાવ્યમાં કહ્યું છે. પીપળાને આપણે પૂજીએ છીએ કારણ કે એ ચોવીસે કલાક આપણને પ્રાણવાયુ આપે છે. બીજાં વૃક્ષો માત્ર દિવસે પ્રાણવાયુ આપે છે એટલે રાત્રે એ વૃક્ષો નીચે વિશ્રામ કરી શકાય નહીં.
અહીં ઔર એક આડવાત. જીભના નિષ્ણાત ઉપચારકો કહે છે કે આહારમાં છ રસ છે- મીઠો, ખાટો, તીખો, તૂરો, કડવો અને ખારો. માણસની જીભમાં કુદરતે કડવા રસની સ્વાદગ્રંથિઓ જીભના પાછલા છેડે મૂકી છે. સૌથી આગળ મધુરરસની સ્વાદગ્રંથિઓ છે.કુદરતે આડકતરી રીતે સૂચવ્યું છે કે માણસે મિતભાષી અને મૃદુ (મધુરભાષી) થવું જોઇએ. પરંતુ મોટેભાગે એવું જોવા મળે છે કે ઘણાની જીભ કુહાડા કે કરવત જેવી વાણી ઉચ્ચારે છે. પરિણામે સંબંધોમાં પણ કડવાશ આવી જાય છે. લોકસાહિત્યમાં સરસ કહ્યું છે- કોયલડી ને કાગ, વાને વરતારો નહીં, જીભલડીએ જવાબ સાચું સોરઠિયો ભણે.
કુદરતે સમજી વિચારીને કડવા રસની સ્વાદગ્રંથિ જીભના પાછલા છેડે એટલે કે ગળા તરફ રાખી છે. એના પરથી પ્રેરાઇને માણસે પણ કડવાશ ભીતર સંઘરી રાખવી જોઇએ. દુનિયામાં બધાંને તમે રાજી રાખી શકતા નથી. થોડું જતું કરવાની તૈયારી રાખવી પડે છે. ઓશો સરસ રીતે કહેતા- ચાલશે, ફાવશે અને ગમશે ત્રણ શબ્દો જીવનમાં ઊતારી લ્યો તો સદૈવ મોજમાં રહેશો.
ચૈત્રી નવરાત્રિનો એક ગૂઢાર્થ એ પણ છે કે જેની કૂખમાં તમે નવ મહિના રહ્યા એ માતાનો અનાદર કરશો નહીં. કવિએ સાચું કહ્યું છે, દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ... સ્વાધ્યાય પરિવારમાં તો કૂમળી વયનાં બાળકોને શીખવે છે કે રોજ સવારે ઊઠીને તમારી માતાને પ્રણામ કરો. માતૃદેવો ભવ. ઘરડાંઘરોમાં કેટલીય માતાઓ પરિવારને યાદ કરી કરીને આંસુ સારતી હોય છે. અંબાજી માતાની પૂજા-આરતી કરતી વખતે એ યાદ રાખવા જેવું છે. કે આદ્યાશક્તિ અંબાજી એ બીજું કોઇ નહીં જન્મદાત્રી મા છે. એનો અનાદર બીજી કોઇ પૂજા-આરતીને સાર્થક નહીં થવા દે.
બહુ જ સુંદર લેખ
ReplyDelete