અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્ના ટોચના કલાકારો બનવાની તૈયારીમાં હતા એ વરસે એટલે કે 1972માં બ્રિજ સદાનાએ એક કોમેડી કમ થ્રીલર ફિલ્મ બનાવી જેમાં બે વયસ્ક અભિનેતાઓએ તમામ સમકાલીન યુવાન અભિનેતાઓ શરમાઇ જાય એવી અદાકારી કરી બતાવી. સદાબહાર અભિનેતા અશોક કુમાર અને અજોડ ખલનાયક મટીને ચરિત્રનટ તરીકે પંકાયેલા પ્રાણે બ્રિજની વિક્ટોરિયા નંબર 203માં એવી જબરદસ્ત કોમેડી કરી કે ટોચના કોમેડિયન પણ દંગ થઇ ગયા. આ ફિલ્મ ચાલી બે કારણે- એક અશોક કુમાર અને પ્રાણની સોલિડ ટાઇમિંગ સાથેની કોમેડી અને બે, કલ્યાણજી આણંદજીનું સંગીત. આ બે પરિબળોએ બોક્સ ઓફિસ પર એવી ધૂમ મચાવી કે ફિલ્મે ગોલ્ડન જયુબિલી (50 સપ્તાહ) ઊજવી.
આ ફિલ્મમાં ઠાંસી ઠાંસીને મનોરંજક મસાલો ભરેલો હતો. ખુદ બ્રિજે કલ્યાણજી આણંદજીને કહેલું કે તમારા પર મારો ઘણો દારોમદાર છે. ફિલ્મમાં માત્ર ચાર ગીતો હતાં. બાકી બેકગ્રાઉન્ડ મ્યુઝિક દ્વારા ફિલ્મની કોમેડી અને અન્ય સંવેદનો સજીવ કરવાનાં હતાં. સામાન્ય રીતે આ કચ્છીબંધુઓના સંગીતને બહુ મહત્ત્વ નહીં આપનારા વિઘ્નસંતોષીઓ પણ આ ફિ્લ્મના સંગીત પર આફ્રીન થઇ ગયેલા. ખૂબ ખૂબ ગાજ્યું એવું એક ગીત વર્મા મલિકે લખ્યું હતું.
રાજા અને રાણા પર ફિલ્માવાયેલા આ ગીતે રીતસર ધૂમ મચાવી હતી. જેલમાંથી છૂટેલા રાજા અને રાણાએ પોતાના સ્વાભાવિક અભિનય દ્વારા આ ગીતને અફલાતુન રીતે પરદા પર જીવંત કર્યું હતું. આટલું વાંચીને તમને અચૂક એ ગીત યાદ આવી ગયું હશે. ‘દો બેચારે બિના સહારે, દેખો પૂછ પૂછ કર હારે, બિન તાલે કી ચાભી લેકર ફિરતે મારે મારે, મૈં હું રાજા, યે હૈ રાણા, મૈ દિવાના, યે મસ્તાના, દોનોં મિલકે ગાયે ગાના..’
અહીં એક આડ વાત. જોહર મહેમૂદ ઇન ગોવામાં આવું જ એક યુગલ ગીત મુહમ્મદ રફી અને મન્ના ડેના કંઠમાં હતું. યે દો દિવાને દિલ કે ચલે હૈં દેખો મિલ કે...આ ગીત સદા સુહાગિન રાગિણી ભૈરવીમાં અને આઠ માત્રાના કહેરવા તાલમાં સ્વરબદ્ધ કર્યું હતું. અહીં કિશોર કુમાર અને મહેન્દ્ર કપૂરના કંઠમાં ગીત છે. આ ગીત પણ સદા સુહાગિન રાગિણી ભૈરવીમાં અને કહેરવા તાલમાં છે. એક જ રાગ, એક જ તાલ અને છતાં બંને ગીતની તર્જમાં કેટલો બધો ફેરફાર છે એ તમે બંને ગીત વારાફરતી સાંભળો તો અનુભવી શકો. આ છે સંગીતકારની સર્જનશક્તિ. .
આ ફિલ્મનો હીરો નવીન નિશ્ચલ પૂણેની ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાંથી તાજો ગ્રેજ્યુએટ થઇને આવેલો. એણે બ્રિજ પાસે કરગરીને એક ગીત માગેલું. કિશોર કુમારે એ ગીતને પોતાની અલ્લડ અને નટખટ ગાયકી દ્વારા સરસ જમાવ્યું હતું.
ઇન્દિવરે લખેલા આ ગીતના શબ્દો હતા- તૂ ના મીલી તો હમ જોગી બન જાયેંગે, સારી ઉમરિયા કો રોગી બન જાયેંગે... શબ્દોને અનુરૂપ હળવી તર્જ બની છે જેથી નવીન નિશ્ચલ પોતાને આવડે એવા સ્ટેપ્સમાં ડાન્સ કર્યાનો સંતોષ માની શકે.
ઔર એક ગીત કિશોર કુમારે નવીન નિશ્ચલ માટે ગાયું છે. નાયક કુમાર જ્યારે પુરુષ વેશમાં ઘૂમતી સાઇરા બાનુુને ઓળખી જાય છે ત્યારે ગાય છે- દેખા મૈંને દેખા, સપનોં કી એક રાની કો, રૂપ કી એક મસ્તાની કો, મસ્તી ભરી જવાની કો.... આ ગીતમાં સંગીતકારોએ કર્ણાટક સંગીતના રાગ નટભૈરવી અને કિરવાણી બંનેનો સરસ સમન્વય કર્યો છે. આ ગીતમાં પણ નવીન ડાન્સના નામે આવડે એવા ઠેકડા મારતો નજરે પડે છે. જો કે કિશોર કુમારના ચાહકોને આ ગીત પણ ખૂબ ગમ્યું હતું.
ચારમાંનું છેલ્લું ગીત લતા મંગેશકરના કંઠમાં છે. વિલન રણજિતને લલચાવવા અથવા કહો કે આકર્ષવા સાઇરા બાનુ ડાન્સ કરતી કરતી ગાય છે. આ ગીતમાં સંગીતકારોએ ફરી એકવાર કર્ણાટક સંગીતના બે રાગોનો સમન્વય કર્યો છે. ઉત્તર ભારતીય સંગીતના રાગ મૂલતાનીને મળતો આવતો કર્ણાટક સંગીતનો રાગ મધુવંતી સાથે ફરી એકવાર નટભૈરવીની સરસ મિલાવટ કરીને આ ગીતની તર્જ બનાવી છે. વિલનને થોડી ધીરજ રાખવાની સલાહ આપતા આ ગીતના શબ્દો છે- જરા ઠહરો, કરતી હું તુમ સે વાદા, પૂરા હોગા તુમ્હારા ઇરાદા, મૈં હું સારી કી સારી તુમ્હારી, ફિર કાહે કો જલદી કરો, જરા ઠહરો... લતાએ પોતાના કંઠની ખૂબીઓ આ ગીતને સંવેદનશીલ બનાવવા ખર્ચી છે. સાઇરા બાનુ અને રણજિત પર આ ગીત ફિલ્માવાયું હતું.
અગાઉ કહ્યું એમ અશોક કુમાર અને પ્રાણના અભિનય તેમજ સંગીતના જોરે આ ફિલ્મ પચાસ સપ્તાહ સુધી ચાલી હતી.
Comments
Post a Comment