એક તરફ પવિત્રતમ લોકમાતા નર્મદા. બીજી તરફ મિથિલા નરેશ અને ભગવાન શ્રી રામના શ્વસુર જનકરાજની તપોભૂમિ. ત્રીજી બાજુ જનકરાજે પ્રતિષ્ઠિત કરેલા જનકેશ્વર ભોનાથ. અને હા, આ બધાંની સાથોસાથ આરોગ્યપ્રદ શ્વસનક્રિયા શીખવનારા દાદુ પારસીબાવા તાવરિયાજીના એક ચાહકે બનાવેલો આશ્રમ.
ગુજરાતમાં એકતારો નામની સંસ્થા છે. આમ તો એકતારો કે રામસાગર ભક્તિસંગીતમાં વપરાતું સાજ છે. પરંતુ સરખે સરખી વયના અને વિચારો ધરાવતા ભાઇબંધોને સ્નેહ સંબંધથી બાંધી રાખે એને પણ દોસ્તીનો એકતારો કહીએ તો સોનામાં સુગંધ ભળે. આ એકતારો વૃન્દે હોળી ધૂળેટીના રંગોત્સવ પ્રસંગે જનકેશ્વરમાં એક આનંદયાત્રા યોજી હતી. ત્રણ રાત અને ચાર દિવસની આ યાત્રામાં મહાલવાનો લહાવો મળ્યો. એનો યશ મયૂર ત્રિવેદી અને ચેતન સાંગણીને ઘટે.અમે તો પહેલીવાર ગયા હતા પરંતુ એકબીજાને જાણે વરસોથી પહેચાનતા હોઇએ એવું આત્મીય વાતાવરણ હતું. યજમાન સમા કૌશિકભાઇ અને દીક્ષિતાબહેને તરહ તરહની વાનગીઓથી યાત્રાળુઓને તરબતર કરી દીધા. આ આનંદયાત્રાનું સૌથી ધ્યાનાકર્ષક પાસું એ હતું કે દિવસે આરામ કરવાનો હતો. રાત્રે લોકસંગીત, ભક્તિસંગીત અને સૂફી પદોની મોજ માણવાની હતી. એક કરતાં વધુ કલાકારો હતા. ખાસ તો બોપલ (અમદાવાદ)થી આવેલા ગાયક-સંગીતકાર હાર્દિક દવે, કચ્છથી આવેલા અનિરુદ્ધ આહિર... હાર્દિક સાથે એની ખાસ મંડળી હતી. એકતારો, તબલાં અને મંજિરાં.
સૌથી વિસ્મયજનક ઘટના એે બની કે મોરબીથી આવેલી એક પાટીદાર કન્યા આશા પટેલે સંગીતની કોઇ પદ્ધતિસરની તાલીમ વિના ગજબ રીતે મંજિરાં વગાડીને મને અને સરોજને મુગ્ધ કરી દીધાં.હાર્દિકે ખરેખર રંગ રાખ્યો. ગુરુવાર 17 માર્ચની રાત્રે નર્મદા મૈયાની રેતીમાં એણે હોળીના ગીતો છેડ્યાં. એકતારોના સભ્યોએ હોળી પ્રગટાવી. પછી બધાં સંગીતના સૂરતાલે ઝૂમ્યા. બીજી રાત્રે આશ્રમમાં સૂફી સંગીતની રમઝટ જામી. ત્રીજી રાત્રે ફરી એકવાર અનસૂયા મંદિર નજીકના નર્મદા તટે ભજનોની રસલ્હાણ થઇ. લૂંટો તમારાથી લૂંટાય એટલું... છેક મુંબઇથી સ્ટેન્ડ અપ કોમેડિયન અને અભિનેતા ઓજસ રાવલ મોજ માણવા આવેલા. ગુજરાતના એક અને અજોડ ગાયક પ્રફુલ દવેની પુત્રી (ગાયિકા કહેવાય ?) ઇશાની પણ ખાસ હાજરી આપવા આવી.
હાલાજી તારા હાથ વખાણું કે પરી તારા પગ વખાણું ન્યાયે કોના વખાણ કરવા, એકતારો વૃન્દના યુવાન વ્યવસ્થાપકોના કે ગાયક સંગીતકારોના, કૌશિકભાઇ અને દીક્ષિતાબહેનના કે આ આનંદયાત્રામાં મન ભરીને મોજ કરનારા આનંદયાત્રીઓના.... સૌને ધન્યવાદ અને સૌ કોઇનો અંતઃકરણપૂર્વક આભાર. થેંક્યુ ચેતનભાઇ અને થેંક્યુ મયૂરભાઇ....
Beautiful report
ReplyDelete