છેલ્લાં ત્રણ ચાર સપ્તાહથી રશિયા યુક્રેન પર સતત હુમલા કરી રહ્યું છે. અમેરિકા અને યૂરોપના બીજા દેશો યુક્રેનને સહાય કરવા તત્પર છે. રશિયા અને અમેરિકા એકબીજા સામે ઘુરકિયાં કરી રહ્યા છે. ન કરે નારાયણ અને બંને દેશોના નેતાઓના અહં ટકરાઇ જાય. બંને સામસામે અણુશસ્ત્રો છોડે તો શું થાય ? એક પર્યાવરણ નિષ્ણાત અને વૈજ્ઞાનિક એવા ડોક્ટર એલન રોબોકે જે ચિત્ર રજૂ કર્યું છે એ તમે વાંચો. રુંવાડાં ખ઼ડાં થઇ જશે.
સૌથી પહેલાં તો વિશ્વના મોટા ભાગના મહાનગરો હંમેશ માટે પૃથ્વીના નકશા પરથી અદ્રશ્ય થઇ જાય, ડોક્ટર એલન લખે છે. ત્રીસ લાખ ડોલરના ખર્ચે તેમણે કરેલા સંશોધનનો સાર અહીં રજૂ કર્યો છે. આ અણુશસ્ત્રનો ધડાકો અને ધૂમાડો એટલો તો ગાઢ હોય કે સમગ્ર દુનિયા પરનો સૂર્ય ઢંકાઇ જાય. આખી દુનિયા એક અગનગોળામાં ફેરવાઇ જાય. વાતાવરણ ગાઢ ધૂમાડાયુક્ત થઇ જાય. સૂર્ય દેખાય જ નહીં. એટલે કે આખી દુનિયા વરસો સુધી અમાસ જેવા ગહન અંધકારથી છવાયેલી રહે.
છેલ્લાં પાંચ દસ હજાર વરસમાં કદી જોયો-સાંભળ્યો-વાંચ્યો ન હોય એવો હિમયુગ પૃથ્વી પર છવાઇ જાય. એની અસર જીવસૃષ્ટિ પર જીવલેણ જેવી થાય. લગભગ સાતેક વરસ સુધી કિરણોત્સર્ગની ભીષણ અસર જનજીવન પર છવાયેલી રહે. ખેતીવાડી માટેની જમીન વંધ્યા થઇ જાય. ઓછામાં ઓછાં વીસ વરસ ધરતી પર કશું ઊગે નહીં. ન અનાજ, ન શાકભાજી કે ન ફળફળાદિ. હિમયુગના કારણે ખેતીવાડીમાં કશું જ ઊપજે નહીં. એટલે શાકાહારી પ્રજા ભૂખમરાને વરે.
રખે એમ માનતા કે માંસાહાર વધી જાય. દરિયાઇ ખાદ્ય પદાર્થો પણ કિરણોત્સર્ગનો શિકાર બને અને નષ્ટ થઇ જાય અથવા એટલી હદે દૂષિત થઇ જાય કે એ ખાવા યોગ્ય ન રહે. પરિણામે શાકાહારી કે માંસાહારી બંને પ્રજા ભૂખમરાનો ભોગ બને. જંગલો નષ્ટ થઇ જતાં ચોપગા જીવો પણ નાશ પામે.
સૌથી વધુ જોખમ પીવાના પાણીના મુદ્દે સર્જાય. આમ પણ દુનિયાનો ત્રણ ભાગ સમુદ્રોથી ઘેરાયેલો છે. માત્ર પા ભાગમાં આપણી દુનિયા વસેલી છે. અત્યારે જ મોટા ભાગના દેશોમાં પીવાના આરોગ્યપ્રદ પાણીની તંગી છે.
અણુવિસ્ફોટ થાય તો જે પ્રચંડ ગરમી પેદા થાય અને આગ લાગે એને કારણે પીવાના પાણીના મોટા ભાગના ભંડારો ભસ્મ થઇ જાય. અત્યારે કેટલાક લોકો કહે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પીવાના પાણી માટે થશે. હકીકતમાં વિશ્વયુદ્ધ થાય કે ન થાય, અમેરિકા અને રશિયાના ભેજાગેપ ફરેલા નેતાઓ અણુશસ્ત્રો વાપરે તો પહેલા તો સરોવરો અને બંધોમાં રહેલું પાણી શોષાઇ જાય અને કદાચ થોડું પાણી બચે તો એ પાણીનું એક ટીપુંય પીવા યોગ્ય રહે નહીં.
હિરોશીમા નાગાસાકીમાં 1944માં જે અણુબોંબ ફેકાયા હતા એની અસર ત્યાં ઊગરી ગયેલા લોકોમાં હજુ પણ દેખાય છે. મોટા ભાગના લોકો અસાધ્ય કેન્સરનો ભોગ બની જાય. નવી પેઢી શારીરિક વિકૃતિ કે અપંગાવસ્થામાં જન્મે અને એ પણ કેન્સરગ્રસ્ત હોય. અણુ વિસ્ફોટમાં અસરગ્રસ્ત થયેલા લોકોની ઓછામાં ઓછી ત્રણ પેઢી કેન્સરગ્રસ્ત રહે. નવાં જન્મેલાં બાળકોના ચહેરા બિહામણા રાક્ષસ જેવા હોય.
આ માત્ર સાર છે. ડોક્ટર એલન રોબોકની પર્યાવરણની નિષ્ણાત વિજ્ઞાનીઓની ત્રીસથી ચાલીસ જણની ટીમે આ તારણો ચાર પાંચ વર્ષના ગહન અભ્યાસ પછીથી તારવ્યાં હતાં. ડોક્ટર એલનની ટીમમાં કૃષિ નિષ્ણાતો, જળ નિષ્ણાતો, આર્થિક નિષ્ણાતો, ઔદ્યોગિક નિષ્ણાતો અને રાસાયણિક નિષ્ણાતોનો સમૂહ હતો. અણુશસ્ત્રની ભીષણતાને એ લોકોએ એક લેબોરેટરીમાં અણુશસ્ત્રના સાવ નાનકડા અંશને લઇને તપાસી હતી. વટાણા જેવડા એ શસ્ત્રની ભયંકરતા નિહાળીને આ લોકો દિગ્મૂઢ થઇ ગયા હતા અને મિડિયા દ્વારા મહાસત્તાઓને છેક 2018માં એક ચેતવણી આપી હતી કે ગાંડપણ કરતા નહીં. અણુશસ્ત્ર વાપર્યા પછી તમે પણ સામૂહિક સર્વનાશનો ભોગ બનશો, એવું નહીં માનતા કે તમે પૃથ્વી પર રાજ કરી શકશો. મહાભારતમાં કુરુક્ષેત્રના અઢાર દિવસના યુદ્ધની જે ભીષણતા વર્ણવી છે એને પણ શરમાવે એવું ભાવિ અમે કલ્પી શકીએ છીએ. સમગ્ર જીવસૃષ્ટિના હિતમાં અણુશસ્ત્ર વાપરતા પહેલાં એેક કરોડ વાર વિચાર કરજો. સર્જનહાર સૌને સદ્બુદ્ધિ આપે એવી પ્રાર્થના.
Comments
Post a Comment