‘ફાગણ આયો રે પૂનમિયો રંગરસિયો, ફાગણ આયો રે...’ લગભગ બે અઢી વરસથી કોરોનાના પાપે આપણે સૌ હોળી રમી શક્યા નથી. આ વખતે કદાચ હોળી રમવાનો સમય મળી જાય. જૂની ગુજરાતીમાં એક બાળકાવ્ય આવતું, લાલ પીળોને વાદળી મૂળ રંગો કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી થાય...
રંગ સાથે સમગ્ર જીવસૃષ્ટિને લાખો વરસનો સંબંધ છે. મેડિકલ સાયન્સની પેથોલોજી શાખામાં ભણતા વિદ્યાર્થીને પૂછો તો માનવ શરીરમાં રહેલા અવયવોના રંગ વિશે સરસ માહિતી આપે. હૃદયનો રંગ લાલ છે, લીવરનો રંગ બદામી છે, હાડકાં ધોળાં છે વગેરે... શરીરના અવયવોના રંગની સૂઝસમજ આવી જાય એટલે એક મહત્ત્વની ગુરુચાવી હાથ લાગે. દુનિયાભરના લોકોમાં એક સમાનતા છે. વિવિધ ધર્મ, કોમ, ભાષા કે દેશના લોકોનુ લોહી લાલ છે.
વરસો પહેલાં એક પુસ્તક હાથમાં આવેલું. ડોક્ટર એડ્વીન બેબ્બીટે લખેલું- ધ પ્રિન્સિપલ્સ ઓફ લાઇટ એન્ડ કલર.. (પ્રકાશ અને રંગના સિદ્ધાંતો). ભારતીય ભાષામાં એક ડોક્ટર મહાદેવ પ્રસાદે ક્રોમોપથી નામે પુસ્તક લખેલું જેનો ગુજરાતી ભાવાનુવાદ નેચરોપથીના દ્રઢ સમર્થક લાભશંકર એમ વ્યાસે પ્રગટ કર્યું હતું. આજે કદાચ આ પુસ્તક અપ્રાપ્ય છે. વડોદરાના રહેવાસી ગિરધરભાઇ મિસ્ત્રીએ વિવિધ રોગો પર રંગના ઉપચાર વિશે એક સરસ પોકેટબુક તૈયાર કરેલી જેની અર્ધો ડઝન આવૃત્તિ થઇ.
પ્રકૃતિ પ્રત્યે પ્રેમ હોય તો ક્યારેક કોઇ વૃક્ષને જો જો. એના પાંદડાં લીલાં હોવા છતાં એ લીલાશના અનેકવિધ શેડ્સ જોવા મળશે. અરે, કેરી જેવા એકાદ ફળની વિકાસલીલા માણવા જેવી હોય છે. આરંભે એકદમ લીલોછમ રંગ હોય, પછી એમાં એકાદ ટપકું કેસરી રંગનું દેખાય. ધીમે ધીમે લીલાશ દૂર થઇને કેસરી રંગ ધારણ કરે. એકાદ ખૂણો રાતા રંગનો પણ થઇ જાય. રંગ બદલાવા સાથે સુગંધ પણ બદલાતી જાય. ખાવા યોગ્ય થાય ત્યારે આખો ટોપલો મઘમઘી ઊઠે.
ફિલ્મ ગીતકાર ભરત વ્યાસે કેવી અદ્ભુત કલ્પના કરેલી- ‘હરી ભરી વસુંધરા પર નીલા નીલા યે ગગન, કે જિસ પે બાદલોં કી પાલકી ઊડા રહા પવન, દિશાએં દેખો રંગભરી, ચમક રહી ઉમંગ ભરી, યે કિસને ફૂલ ફૂલ સે કિયા શૃંગાર હૈ, યે કૌન ચિત્રકાર હૈ, યે કૌન ચિત્રકાર હૈ....’
સર્જનહાર જેવો ચિત્રકાર બીજો કોઇ થયો નથી. જગવિખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસોએ કદાચ એટલે જ કહેલું, આય વોન્ટ ટુ નો, વ્હોટ ઇઝ કલર ?
એક સમય હતો જ્યારે અભિનેતા-ફિલ્મ સર્જક રાજ કપૂરનો હોલિકોત્સવ અત્યંત લોકપ્રિય હતો. એનું જોઇને બીજા કેટલાક લોકોએ પણ પોતાને ત્યાં હોલિકોત્સવ યોજવાના પ્રયાસો કરેલા. પરંતુ રાજ કપૂર જેવો ઉત્સવ યોજી શક્યા નહીં. ઉત્તર ભારતમાં એકબીજાને વિવિધ અપશબ્દોથી નવાજીને હોળી રમવાની ઘેલછા છે. એટલે કહેતા હોય છે, બૂરા ન માનો, હોલી હૈ... અથડામણ અને મારામારી પણ થઇ જતી હોય છે.હોળી અને ધૂળેટી રમવાનો ઉમંગ-ઉલ્લાસ ચેપી હોય છે. પરંતુ પોતપોતાના આરોગ્ય અને પ્રકૃતિને ધ્યાનમાં રાખીને રમવું જરૂરી છે. કોરોના કે ઓમીક્રોનના વાઇરસ હજુ આપણી આસપાસ છે. કોરા અબીલ-ગુલાલથી રમીએ તો કશો વાંધો નથી પરંતુ રાસાયણિક કલર્સથી દૂર રહેવું હિતાવહ ગણાય. રંગરસિયાઓ સાથે ઠંડાઇ અને ગરમાગરમ ગોટાનો લહાવો પણ લેવાના.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઇ ચૂકી છે. સરકારો રચાઇ રહી છે. આ હોળી કોને કેટલી ફળી એ તો દરેકનું મન જાણે. પરંતુ આપણે ઉત્સવઘેલા લોકો છીએ. ઉત્સવની ઉજવણી ટાણે જાણે અજાણ્યે ડોક્ટરની મુલાકાત ન લેવી પડે એટલી તકેદારી રાખીએ એવી આશા અસ્થાને નહીં ગણાય.
બહુજ સરસ લેખ.
ReplyDeleteVery good ખુબ સરસ
ReplyDelete