પ્રકાશ મહેરા અને અમિતાભ સાથેની બીજી જ્યુબિલી ફિલ્મ એટલે મુકદ્દર કા સિકંદર


એંગ્રી યંગ મેન તરીકે પહેલી ફિલ્મ જંજિરથી જામી ગયેલા અમિતાભ બચ્ચન, ફિલ્મ સર્જક પ્રકાશ મહેરા અને સંગીતકાર બેલડી કલ્યાણજી આણંદજી ફરી ભેગા થયા ફિલ્મ મુકદ્દર કા સિકંદરમાં. આ ચારે જણના સિતારા કેવા તેજ હતા એ તમે જુઓ. આ ફિલ્મે પણ ગોલ્ડન જ્યુબિલી ઊજવી એટલે કે ફિલ્મ સડસડાટ પચાસ સપ્તાહ ચાલી. ધૂમ કમાણી પણ કરી.

આ ફિલ્મ મિનિ મલ્ટિસ્ટાર ફિલ્મ હતી એેમ કહીએ તો ચાલે. અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, રાખી, રેખા, નીરુપા રોય, ડોક્ટર શ્રીરામ લાગુ, કાદર ખાન, રણજિત, અમજદ ખાન વગેરે આ ફિલ્મના મુખ્ય કલાકારો હતાં.

આ ફિલ્મના ગીતકાર અંજાન હતા. આઠેક ગીતો હતાં એમાંય બે ત્રણ ગીતોએ રીતસર તહલકો મચાવ્યો હતો. અજોડ કોમેડિયન-ગાયક કિશોર કુમારને કદાચ પોતાની ચિરવિદાયનો અણસાર આવી ગયો હશે. એણે આણંદજીભાઇને એક સ્ટેજ પ્રોગ્રામ દરમિયાન કહેલું કે મને આ ફિલ્મનું ટાઇટલ ગીત તત્કાળ જોઇએ. કેમ તત્કાળ, આણંદજીભાઇએ સ્મિત કરતાં કહ્યું. જવાબમાં કિશોર કુમારે કહ્યું એ સાંભળીને આણંદજીભાઇ સ્તબ્ધ થઇ ગયા. કિશોર કહે, અબ મેરે જાને કા વક્ત આ ગયા. યહ ગાના મૈં આખિર તક સુનતા રહુંગા.

તમને જરૂર યાદ આવી ગયું હશે એ ગીત- રોતે હુએ તો આતે હૈં સબ, હંસતા હુઆ જો જાયેગા, વો મુકદ્દર કા સિકંદર જાનેમન કહલાયેગા... (મૂળ વિચાર કબીરનો જબ હમ આયે જગત મેં જગ હંસે હમ રોય, કરની ઐસી કર ચલો કે હમ હંસે જગ રોય...) આ ગીતનું ફિલ્માંકન પણ અત્યંત આકર્ષક હતું. વિનોદ ખન્ના બેસ્ટની બસના સ્ટેન્ડ પર ઊભો છે અને અમિતાભ બાઇક પર આ ગીત ગાતો ગાતો પસાર થાય છે ત્યારે વિનોદ ખન્ના મલકે છે કે કેવો અલગારી છે આ આદમી !

રાગિણી શિવરંજનીના આધાર પર બનેલું એવુંજ યાદગાર ગીત એટલે ઓ સાથી રે તેરે બિના ભી ક્યા જીના, ફૂલોં મેં કલિયોં મેં. સપનોં કી ગલિયોં મેં, તેરે બિના કુછ કહી ના, તેરે બિના ભી ક્યા જીના... એકવાર કિશોર કુમાર અને બીજીવાર આશા ભોંસલેના કંઠમાં આ ગીતે ગજબની ઘુંટાયેલી વેદના પ્રસ્તુત કરી. તર્જમાં શબ્દોને જીવંત કરવાની તાકાત આ ગીતમાં સાંભળવા મળી.

જો કે ફિલ્મનું સૌથી યાદગાર ગીત તો મુજરા ટાઇપનું ગીત હતું. અમજદ ખાન જેને પોતાની અંગત મિલકત સમજે છે એવી તવાયફ રેખાને ત્યાં અમિતાભ બચ્ચન આવે છે ત્યારે રેખા પણ આ અલગારી આદમી તરફ આકર્ષાય છે. એ પ્રસંગે રજૂ થતું ગીત એટલે સલામ-એ-ઇશ્ક મેરી જાં જરા કુબૂલ કર લો, તુમ હમ સે પ્યાર કરને કી જરા સી ભૂલ કર લો, મેરા દિલ બેચૈન હૈ, હમસફર કે લિયે... આ ગીત લતા મંગેશકર અને કિશોર કુમારના કંઠમાં છે. ગીતનો ઠેકો કવ્વાલી જેવો લચકદાર છે. 

આમ તો આખીય ફિલ્મની કથા મુકદ્દર કા સિકંદર એટલે કે અમિતાભની આસપાસ ફર્યા કરતી હતી. પરંતુ વિનોદ ખન્ના અને રાખીને પણ થોડું ફૂટેજ મળવું ઘટે એવા હેતુથી એક ગીત મૂકાયું છે. લતાના કંઠે રજૂ થતું એ ગીત એટલે દિલ તો હૈ દિલ, દિલ કા ઐતબાર ક્યા કીજિયે, આ ગયા જો કિસી પર પ્યાર ક્યા કીજિયે... પિયાનો પર બેસીને રાખી ગાય છે અને બંને નાયકો (અમિતાભ અને વિનોદ) પોતપોતાની રીતે ગીત સાંભળતાં સાંભળતાં મનગમતું અર્થઘટન કરે છે એવું ફિલ્માંકન હતું.

એવુંજ એક ગીત અમિતાભ, વિનોદ અને રાખી, ત્રણે પર ફિલ્માવાયું છે. પ્યાર જિંદગી હૈ, પ્યાર બંદગી હૈ... એક સરસ પૂતળી (ઢીંગલી) લઇને અમિતાભ કારમાં એક હોટલ પાસે આવે છે ત્યારે રાખી વિનોદ ખન્નાનો હાથ થામીને હોટલમાં પ્રવેશે છે એ જોઇને અમિતાભ ચોંકે છે. એના હાથમાંથી પૂતળી પડી જાય છે. એ પાર્શ્વભૂમિમાં આ ગીત રજૂ થાય છે.   

ફિલ્મ બધી રીતે હિટ હતી. બધા મુખ્ય કલાકારોનો અભિનય પણ માણવા જેવો હતો. ફોટોગ્રાફી પણ આલા દરજ્જાની હતી. ફિલ્મની સફળતામાં સંગીતે માતબર ફાળો આપ્યો હતો.

Comments

Post a Comment